‘હૉકી ફાઇવ’માં ભારતની મેન્સ ટીમની પ્રથમ મૅચ યજમાન સ્વિટ્ઝરલૅન્ડ સામે : ભારતીય મહિલા ટીમની પણ સિરીઝ
હૉકીના ફાસ્ટ ફૉર્મેટમાં આજે ભારત-પાકિસ્તાનની ટક્કર
સ્વિટ્ઝરલૅન્ડના લોહઝાનમાં આજે એફઆઇએચ ‘હૉકી ફાઇવ’ નામના નવા ફૉર્મેટમાં હૉકી સ્પર્ધા શરૂ થઈ રહી છે જેમાં મેન્સ હૉકીમાં ભારતનો આજે સ્વિટ્ઝરલૅન્ડ સાથે (સાંજે ૬.૩૦ વાગ્યાથી) અને પછી કટ્ટર હરીફ પાકિસ્તાન સાથે (રાતે ૮.૩૦ વાગ્યાથી) મુકાબલો છે. આ સ્પર્ધા પુરુષ ખેલાડીઓ ઉપરાંત મહિલા ખેલાડીઓ વચ્ચે પણ છે. ભારતે બન્ને વર્ગમાં ટીમ મોકલી છે.
ટી૨૦ ક્રિકેટની માફક હૉકીનું આ સ્પીડ અને શૉર્ટ ફૉર્મેટ છે. ૨૦૧૮માં આર્જેન્ટિનાની યુથ ઑલિમ્પિક્સમાં આ ફૉર્મેટ સૌથી પહેલાં અજમાવવામાં આવ્યું હતું.
પુરુષોમાં ગુરિન્દર સિંહ ભારતનો કૅપ્ટન અને સુમીત વાઇસ-કૅપ્ટન છે. મહિલા ટીમનું સુકાન રજની એટીમાર્પુ નામની ગોલકીપર સંભાળશે. મહિલા ચૌધરી વાઇસ-કૅપ્ટન છે. મહિલાઓમાં આજે ભારતની પ્રથમ મૅચ (સાંજે ૬.૦૦ વાગ્યાથી) ઉરુગ્વે સામે છે.
હૉકી ફાઇવ : આ ટૂંકુ ફૉર્મેટ શું છે?
(૧) ૧૧ને બદલે પાંચ ખેલાડીની ટીમ મેદાનમાં ઊતરે છે.
(૨) આમાં હૉકીની પિચ નહીં, પણ હૉકીની કોર્ટ પર રમવાનું હોય છે.
(૩) આમાં પેરિમીટર બોર્ડ પર વ્યક્તિગત રીતે ખેલાડીની કાબેલિયત, ચપળતા, ઝડપ, ફિટનેસ તથા આક્રમકતાની કસોટી થાય છે.
(૪) દરેક ટીમ એકમેક સામે રાઉન્ડ રૉબિનમાં રમે અને પછી ટોચની બે ટીમ ફાઇનલમાં જાય.
(૫) પ્રત્યેક મૅચ ૨૦ મિનિટની હોય છે. ૧૦ મિનિટ પછી બે મિનિટનો બ્રેક પડે છે.