સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનએ કહ્યું કે “સૌરાષ્ટ્રના નોંધપાત્ર અને જાણીતા ક્રિકેટર અવી બારોટનું ખૂબ જ આઘાતજનક, અકાળે અને અત્યંત દુખદ નિધન પર સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના દરેકને ખૂબ જ આઘાત લાગ્યો છે.”
પ્રતિકાત્મક તસવીર. ફોટો/આઈસ્ટોક
સૌરાષ્ટ્રના ક્રિકેટર અને ભૂતપૂર્વ ભારતીય અન્ડર-19 કેપ્ટન, 2019-20 સિઝનમાં રણજી ટ્રોફી વિજેતા ટીમના સભ્ય અવી બારોટનું 29 વર્ષની નાની ઉંમરે કાર્ડિયાક અરેસ્ટથી મૃત્યુ થયું છે, તેવી માહિતી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (SCA) એ આપી હતી.
પોતાની કારકિર્દીમાં હરિયાણા અને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરનાર ખેલાડીનું શુક્રવારે અવસાન થયું હતું.
ADVERTISEMENT
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનએ કહ્યું કે “સૌરાષ્ટ્રના નોંધપાત્ર અને જાણીતા ક્રિકેટર અવી બારોટનું ખૂબ જ આઘાતજનક, અકાળે અને અત્યંત દુખદ નિધન પર સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના દરેકને ખૂબ જ આઘાત લાગ્યો છે.”
એસસીએએ બહાર પાડેલી મીડિયા રિલીઝમાં જણાવ્યું હતું કે “ગંભીર કાર્ડિયાક અરેસ્ટને કારણે તે 15 ઓક્ટોબર 2021ની સાંજે સ્વર્ગવાસ પામ્યો હતો.”
અવી બારોટ જમણા હાથનો બેટસમેન હતો, જે ઓફ બ્રેક બોલિંગ પણ કરી શકતો હતો.
અવી બારોટે 38 ફર્સ્ટ ક્લાસ મેચો, 38 લિસ્ટ એ મેચ અને 20 ડોમેસ્ટિક T20 મેચ રમી છે. તે વિકેટકીપર-બેટ્સમેન હતો અને તેણે ફર્સ્ટ ક્લાસ મેચમાં 1,547 રન, લિસ્ટ-એ ગેમ્સમાં 1030 રન અને T20માં 717 રન બનાવ્યા હતા.
અવી બારોટ રણજી ટ્રોફી વિજેતા સૌરાષ્ટ્ર ટીમનો એક ભાગ હતો, જેણે સમીટ મુકાબલામાં બંગાળને હરાવ્યું હતું.
સૌરાષ્ટ્ર માટે, તેણે 21 રણજી ટ્રોફી મેચ, 17 લિસ્ટ એ મેચ અને 11 સ્થાનિક T20 મેચ રમી હતી.
અવી બારોટ 2011માં ભારતના અન્ડર-19 કેપ્ટન હતો અને આ વર્ષની શરૂઆતમાં, તેણે ગોવા સામે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી મેચ દરમિયાન માત્ર 53 બોલમાં 122 રનની શાનદાર ઈનિંગ વડે ધ્યાન ખેંચ્યું હતું. એસસીએના પ્રમુખ જયદેવ શાહે બારોટના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે “અવીના દુખદ નિધનના આ સમાચાર એકદમ આઘાતજનક અને દુખદાયક છે. તે એક મહાન સાથી ખેલાડી હતો અને મહાન ક્રિકેટ કૌશલ્ય ધરાવતો હતો. તાજેતરની તમામ સ્થાનિક મેચોમાં તેણે નોંધપાત્ર રીતે સારું પ્રદર્શન કર્યું હતું.”
તેમણે ઉમેર્યું કે “તે ખૂબ જ મૈત્રીપૂર્ણ અને ઉમદા માનવી હતો. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં અમે બધા ઊંડા આઘાતમાં છીએ.” શાહ પોતે પણ સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ કેપ્ટન હતા.