ન્યુ ઝીલૅન્ડે ઇંગ્લૅન્ડને જીત માટે ૨૭૭ રનનો પડકાર આપતાં પહેલી ટેસ્ટ મૅચ પહોંચી રસપ્રદ તબક્કામાં
NZ vs ENG
કાઇલ જેમિસન
લૉર્ડસમાં રમાતી ઇંગ્લૅન્ડ અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચેની મૅચ ત્રીજા દિવસે જ રસપ્રદ તબક્કામાં પહોંચી ગઈ હતી. ન્યુ ઝીલૅન્ડે ગઈ કાલે સવારના સેશનમાં ૪૯ રનની અંદર જ છ વિકેટ ગુમાવતાં ઇંગ્લૅન્ડને આ ટેસ્ટ જીતવા માટે ૨૭૭ રનની જરૂર છે. બીજી તરફ ન્યુ ઝીલૅન્ડ તરફથી કાઇલ જેમિસને આ લખાય છે ત્યાં સુધી ત્રણ વિકેટ ઝડપી હતી. તો સાઉધીએ પણ એક વિકેટ ઝડપતાં ઇંગ્લેન્ડે ૧૩૩ રનમાં જ ૪ વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ જો રૂટ (૩૩) અને કૅપ્ટન બેન સ્ટોક્સ વચ્ચે પાંચમી વિકેટ માટે ૬૫ રનની પાર્ટનરશિપે યજમાન ટીમને આ મૅચ જીતવાનો આત્મવિશ્વાસ આપ્યો છે.
પહેલી ટેસ્ટના ત્રીજા દિવસે ન્યુ ઝીલૅન્ડ મજબૂત સ્થિતિમાં જણાતી હતી, પરંતુ નવો બૉલ લીધા બાદ પરિસ્થિતિ બદલાઈ હતી. માત્ર ૩૪ રનની અંદર જ છ વિકેટ પડી ગઈ હતી, જેમાં ઇંગ્લૅન્ડના અનુભવી બોલર જેમ્સ ઍન્ડરસન (૨૧ ઓવરમાં ૨ વિકેટ) અને સ્ટુઅર્ટ બોર્ડે (૨૬ ઓવરમાં ૩ વિકેટ) મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે જ ૧૮૦ રનની પાર્ટનરશિપ કરનાર ડેરી મિશેલ (૧૦૮ રન) અને ટોમ બ્લન્ડેલ (૯૬ રન)ની વિકેટ ઝડપી હતી. ત્યાર બાદ ન્યુ ઝીલૅન્ડે બહુ ઝડપથી વિકેટ ગુમાવી હતી.