‘આ દિગ્ગજોએ રન બનાવવાની જરૂર હોય ત્યારે તેઓ આઉટ થઈ જતા હોય છે’
કપિલ દેવ
૧૯૮૩ના વર્લ્ડ ચૅમ્પિયન કૅપ્ટન કપિલ દેવે એક યુટ્યુબ ચૅનલને કહ્યું છે, ‘વિરાટ કોહલી, રોહિત શર્મા, કે. એલ. રાહુલ જેવા ટોચના બૅટર્સે ટી૨૦ વિશે પોતાનો અપ્રોચ નક્કી કરવાની જરૂર છે. તેમણે નિર્ભય બનીને રન બનાવવા પડશે અને આગામી ઑક્ટોબરના ટી૨૦ વર્લ્ડ કપ માટે તૈયાર થવું જોઈશે. તેઓ બહુ મોટા ખેલાડીઓ છે, પરંતુ સામાન્ય રીતે રન બનાવવાનો સમય આવે ત્યારે તેઓ વિકેટ ગુમાવી બેસતા હોય છે. તેઓ ૧૫૦થી ૧૬૦ના સ્ટ્રાઇક રેટે રન બનાવી શકે એમ છે.’
કપિલે વધુમાં કહ્યું, ‘આ ટોચના બૅટર્સ ૮, ૧૦, ૧૨ બૉલમાં સેટ થઈ શકે અને પછી રનગતિ વધારી શકે, પરંતુ મેં જોયું છે કે તેઓ પચીસ બૉલ બાદ આઉટ થઈ જતા હોય છે. તમે યા તો ટીમ માટે ઍન્કર બનો અથવા માત્ર સ્ટ્રાઇકર બનો. રાહુલની વાત કરું તો જો તે તમામ ૨૦ ઓવર રમે અને ૮૦-૯૦ રન બનાવે તો ઠીક કહેવાય, પણ જો ૬૦ રન બનાવી શક્યો હોય તો તેણે ટીમને અન્યાય કર્યો કહેવાય.’