ગુરુવારે ભારત-સાઉથ આફ્રિકાની પ્રથમ ટી૨૦
સાઉથ આફ્રિકા
કે. એલ. રાહુલના સુકાનમાં ભારત અને ટેમ્બા બવુમાની કૅપ્ટન્સીમાં સાઉથ આફ્રિકાની ટીમ વચ્ચે ગુરુવાર, ૯ જૂને પાંચ મૅચની ટી૨૦ સિરીઝ શરૂ થઈ રહી છે અને ટીમ ઇન્ડિયાએ ગઈ કાલે પ્રથમ મૅચના સ્થળ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમના ગ્રાઉન્ડ પર પ્રૅક્ટિસ શરૂ કરી હતી. હેડ-કોચ રાહુલ દ્રવિડ અને બોલિંગ-કોચ પારસ મ્હામ્બ્રેની દેખરેખમાં ભારતીય ખેલાડીઓએ ફિટનેસના ડ્રિલ પૂરા થયા પછી નેટ સેશન શરૂ કર્યું હતું. એમાં ગઈ કાલે ખાસ કરીને બોલર્સના પર્ફોર્મન્સ પર ભાર મૂકવામાં આવ્યો હતો. જમ્મુ અને કાશ્મીરનો નવોદિત ઉમરાન મલિક અત્યારે ભારતનો ફાસ્ટેસ્ટ બોલર છે. તાજેતરમાં સનરાઇઝર્સ હૈદરાબાદ વતી રમીને ૧૪ મૅચમાં ફોર્થ-હાઇએસ્ટ બાવીસ વિકેટ લેનાર ઉમરાન મલિક કરતાં પંજાબ કિંગ્સ વતી રમેલા અર્શદીપ સિંહનો દેખાવ ગઈ કાલે સારો હતો. આઇપીએલની ૧૪ મૅચમાં ૧૦ વિકેટ લેવા ઉપરાંત ડેથ ઓવર્સમાં અસરદાર રહી ચૂકેલા અર્શદીપે ગઈ કાલે ઉમરાન કરતાં વધુ સારા યૉર્કર ફેંક્યા હતા.
ટીમ ઇન્ડિયામાં ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, હાર્દિક પંડ્યા અને અવેશ ખાન હોવાથી ઉમરાન અને અર્શદીપે કદાચ થોડી રાહ જોવી પડશે, પરંતુ ઉમરાને બને એટલા ફાસ્ટ બૉલ ફેંકવા પર ધ્યાન આપ્યું હતું અને રિષભ પંતે એમાં ફટકાબાજી કરી હતી ત્યારે બીજી તરફ અર્શદીપે બોલિંગ-કોચ મ્હામ્બ્રે દ્વારા યૉર્કર માટે ફ્રન્ટ ક્રીઝ પર જે બેઝબૉલ મિટ્સ (ગ્લવ્ઝ) અને વાઇડ યૉર્કર માટે એનર્જી ડ્રિન્કની બૉટલ ગોઠવી હતી એને અચૂક નિશાન બનાવ્યાં હતાં.
ADVERTISEMENT
દિલ્હીનો રોનક વાઘેલા બન્યો સાઉથ આફ્રિકા ટીમનો નેટ બોલર
દિલ્હીમાં ભારત સામેની આગામી ટી૨૦ સિરીઝ માટે દિલ્હીમાં પ્રૅક્ટિસ કરી રહેલી સાઉથ આફ્રિકાની ટીમે રોનક વાઘેલા નામના ૧૪ વર્ષના સ્થાનિક બોલરની નેટ બોલર તરીકે મદદ લીધી છે. લેફ્ટ-આર્મ સ્પિનર વાઘેલા થોડા સમયથી દિલ્હીની સ્થાનિક ક્રિકેટમાં ધૂમ મચાવી રહ્યો છે. વાઘેલાએ ક્વિન્ટન ડિકૉક તેમ જ કૅપ્ટન ટેમ્બા બવુમા સહિતના બૅટર્સ સામે બોલિંગ કરી હતી અને પછી તેમની સાથે ફોટો પણ પડાવ્યો હતો. વાઘેલાએ કહ્યું, ‘મને નેટ બોલર બનીને સાઉથ આફ્રિકન બૅટર્સના શૉટ સિલેક્શન અને લાઇન ઍન્ડ લેન્ગ્થ ત્વરિત પારખી લેવાની આવડત જાણવા મળી. બીજું પણ ઘણું મને તેમની બૅટિંગ પરથી જાણવા મળી રહ્યું છે.’