મેસી મેન્સ સોકરમાં નૅશનલ ટીમ વતી સૌથી વધુ ગોલ કરનાર ફોર્થ-હાઇએસ્ટ સ્કોરર બન્યો છે
લિયોનેલ મેસી
સ્પેનમાં રવિવારે ફ્રેન્ડ્લી ઇન્ટરનૅશનલ મૅચમાં આર્જેન્ટિનાએ એસ્ટોનિયાને ૫-૦થી હરાવ્યું હતું અને એ પાંચેપાંચ ગોલ લિયોનેલ મેસીએ કર્યા હતા. મેસી મેન્સ સોકરમાં નૅશનલ ટીમ વતી સૌથી વધુ ગોલ કરનાર ફોર્થ-હાઇએસ્ટ સ્કોરર બન્યો છે. મેસીએ ફર્સ્ટ હાફમાં બે ગોલ (૮, ૪૫મી મિનિટે) અને સેકન્ડ હાફમાં ત્રણ ગોલ (૪૭, ૭૧, ૭૬મી મિનિટે) કર્યા હતા. મેસીએ પહેલી વાર આર્જેન્ટિના વતી કોઈ એક મૅચમાં પાંચ ગોલ કર્યા છે. મેસીના ૮૬ ગોલ કુલ ઇન્ટરનૅશનલ ગોલ કરનાર ખેલાડીઓમાં ચોથા ક્રમે છે. તેણે ૮૪ ગોલ કરનાર હંગેરીના મહાન ફુટબોલર ફૅરેન્ક પુષ્કાશને પાછળ રાખી દીધો છે. પોર્ટુગલનો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (૧૧૭ ગોલ) પ્રથમ નંબરે, ઈરાનનો અલી દાઇ (૧૦૯) બીજા નંબરે અને મલેશિયાનો મોખાર દહારી (૮૯) ત્રીજા નંબરે છે.
યુક્રેનની આશા પર પાણી ફરી વળ્યું : વેલ્સ ૬૪ વર્ષે વર્લ્ડ કપમાં
ADVERTISEMENT
આ વર્ષે આરબ દેશ કતારમાં યોજાનારા ફિફા વર્લ્ડ કપ માટેના ક્વૉલિફાઇંગ રાઉન્ડમાં રવિવારે વેલ્સ સામેની મહત્ત્વની મૅચમાં ૦-૧થી થયેલા પરાજય સાથે વર્લ્ડ કપમાં બીજી વખત રમવાની યુક્રેનની આશા પર પાણી ફરી વળ્યું છે. બીજી તરફ યુરોપના રાષ્ટ્ર વેલ્સને ૧૯૫૮ પછી (૬૪ વર્ષે) બીજી વાર વિશ્વકપમાં રમવાનો મોકો મળ્યો છે. ફર્સ્ટ હાફમાં ૩૪મી મિનિટે વેલ્સના ગારેથ બેલની ફ્રી કિકમાં યુક્રેનના કૅપ્ટન ઍન્ડ્રી યાર્મોલેન્કોથી જ વેલ્સ માટેના ગોલ-પોસ્ટમાં ગોલ થઈ ગયો હતો. યાર્મોલેન્કોનું આ હેડર યુક્રેનને છેક સુધી નડ્યું હતું, કારણ કે એ પછી યુક્રેન એકેય ગોલ ન કરી શકતાં છેવટે એની ૦-૧થી હાર થઈ હતી અને વર્લ્ડ કપ માટેના દાવેદાર દેશોની યાદીમાંથી બહાર થઈ ગયું હતું.
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના બે ગોલ : પોતાનો જ વર્લ્ડ રેકૉર્ડ સુધાર્યો
સ્વિટ્ઝરલૅન્ડના જીનિવામાં રવિવારે નેશન્સ લીગમાં પોર્ટુગલે યજમાન સ્વિસની ટીમને ૪-૦થી હરાવી હતી અને એ ચારમાંથી બે ગોલ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ કર્યા હતા. એ સાથે રોનાલ્ડોના ઇન્ટરનૅશનલ ગોલની સંખ્યા ૧૧૫થી વધીને ૧૧૬ અને ૧૧૭ થઈ છે. તેણે પોતાના જ વિશ્વવિક્રમને સુધાર્યો છે. રોનાલ્ડોએ પાંચ ઇન્ટરનૅશનલ મૅચ પછી અને નવ મહિના બાદ પહેલો ઇન્ટરનૅશનલ ગોલ કર્યો છે. તેણે રવિવારની મૅચમાં ફર્સ્ટ હાફમાં બે ગોલ કર્યા હતા, પરંતુ સેકન્ડ હાફમાં વધુ બે ગોલ કરવાની તક ગુમાવી હતી.