સૌથી લાંબી સ્ટ્રીટ પાર્ટીનો રેકૉર્ડ લૅન્કેશરમાં જોવા મળ્યો હતો
શનિવારે મોટી સંખ્યામાં લોકોએ સાથે લંચ લીધું હતું
ઇંગ્લૅન્ડનાં રાણી એલિઝાબેથ-દ્વિતીયે રાજગાદી સંભાળ્યાનાં ૭૦ વર્ષ પૂરાં થયાં એની છેલ્લા એક સપ્તાહથી ઉજવણી થઈ રહી છે, જેમાં શનિવારે મોટી સંખ્યામાં લોકોએ સાથે લંચ લીધું હતું. સ્ટ્રીટ પાર્ટી, પિક્નિક તેમ જ વરંડામાં બાર્બેક્યુઝ રાખવામાં આવી હતી. સૌથી લાંબી સ્ટ્રીટ પાર્ટીનો રેકૉર્ડ લૅન્કેશરમાં જોવા મળ્યો હતો, જેમાં ૫૦૦૦ લોકો દોઢ માઇલથી વધુ લાંબા રસ્તા પર ૫૦૦ જેટલાં ટેબલ લગાવીને જમવા બેઠા હતા. અન્ય એક પાર્ટી અડધો માઇલ જેટલી લાંબી હતી, જે ઑક્સફર્ડશર ગામથી થેમ્સ નદીના પુલ સુધીના રસ્તા પર હતી, જેમાં ૫૫૦ ટેબલ મૂકવામાં આવ્યાં હતાં અને અંદાજે ૩૫૨૦ લોકો જમવા બેઠા હતા. લંચ બાદ એક પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૫૦,૦૦૦ લોકોએ ભાગ લીધો હતો. રાણીએ પોતાના ઘરની પાછળ આવેલા ગાર્ડનમાં એની ઉજવણીની મંજૂરી આપી હતી. સાંજની પાર્ટીમાં વરસાદનું વિઘ્ન નડ્યું હતું છતાં લોકોનો ઉત્સાહ ઓછો થયો નહોતો. લેસ્ટરશરમાં ભારે વરસાદને કારણે પિક્નિક રદ કરવામાં આવી હતી.

