Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > બીજેપી નરમ, સરકાર ગરમ

બીજેપી નરમ, સરકાર ગરમ

Published : 07 June, 2022 08:46 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પયગમ્બર મોહમ્મદ વિશે વાંધાજનક કમેન્ટ્સ કરનારાં પ્રવક્તા નૂપુર શર્માની બીજેપીએ હકાલપટ્ટી કરી, પણ એનો પાકિસ્તાન અને ગલ્ફ દેશોમાં ખૂબ જ વિરોધ થયો તો ભારતે તેમને અરીસો બતાવ્યો

નૂપુર શર્મા

નૂપુર શર્મા


બીજેપીના બે પદાધિકારીઓના પયગમ્બર મોહમ્મદ વિશેના ચોક્કસ નિવેદનને લઈને ભારે વિવાદ જાગ્યો છે. હવે આ મામલે ભારતની ટીકા કરનારા પાકિસ્તાનને ગઈ કાલે ભારત સરકારે અરીસો બતાવ્યો હતો.


વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિન્દમ બાગચીએ જણાવ્યું હતું કે ‘લઘુમતીઓના અધિકારોનો સદંતર અને વારંવાર ભંગ કરનારા દેશ દ્વારા બીજા દેશમાં લઘુમતીઓ સાથેના વર્તાવ પર કમેન્ટ કરવામાં આવે છે, એ મૂર્ખતાથી કોઈને કશો ફરક પડતો નથી. પાકિસ્તાન દ્વારા કેવી રીતે હિન્દુઓ, સિખો અને ખ્રિસ્તીઓ સહિતના લઘુમતીઓ પર સિસ્ટમૅટિક અત્યાચારો થાય છે એ દુનિયાએ જોયું છે.’



પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે બીજેપીના પદાધિકારીઓની વિવાદાસ્પદ કમેન્ટ્સની રવિવારે ટીકા કરી હતી.


બાગચીએ કહ્યું હતું કે ‘ભારત સરકાર તમામ ધર્મો પ્રત્યે સર્વોચ્ચ સન્માનની ભાવના રાખે છે. પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓની પ્રશંસા થાય છે અને તેમના સન્માનમાં સ્મારકો બનાવવામાં આવે છે. ભારતમાં સાંપ્રદાયિક તનાવ સર્જવાની કોશિશ કરવાને બદલે પાકિસ્તાનને એના લઘુમતીઓના કલ્યાણ, સુરક્ષા અને સલામતી પર ફોકસ કરવા અમે જણાવીએ છીએ.’

વિભાજનકારી કમેન્ટ્સ
દેશની ટીકા કરનારા ઑર્ગેનાઇઝેશન ઑફ ઇસ્લામિક કો-ઑપરેશનની પણ ભારત સરકારે ગઈ કાલે ઝાટકણી કાઢી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિન્દમ બાગચીએ જણાવ્યું હતું કે ‘ભારત ઑર્ગેનાઇઝેશન ઑફ ઇસ્લામિક કો-ઑપરેશનની ‘અયોગ્ય અને સંકુચિત માનસિકતાવાળી કમેન્ટ્સ’ને ફગાવી દે છે. સાથે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત તમામ ધર્મોને સર્વોચ્ચ સન્માન આપે છે.’


બાગચીએ જણાવ્યું હતું કે ‘એક ધાર્મિક પૂજનીય વ્યક્તિનું અપમાન કરતી વાંધાજનક કમે​ન્ટ્સ અને ટ્વીટ્સ ચોક્કસ વ્યક્તિઓ દ્વારા અંગત રીતે કરવામાં આવી હતી, જે કોઈ પણ રીતે ભારત સરકારના અભિપ્રાયોનું પ્રતિબિંબ પાડતાં નથી.’

સંબંધિત સંગઠનો દ્વારા આ વ્યક્તિઓની વિરુદ્ધ કડક પગલાં ઑલરેડી લેવામાં આવ્યાં છે. બીજેપીએ પહેલાં જ એનાં રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્માને સસ્પેન્ડ કર્યા છે, જ્યારે પાર્ટીના દિલ્હી યુનિટના મીડિયા હેડ નવીન જિંદલને બરતરફ કર્યા છે.

બાગચીએ વધુ જણાવ્યું હતું કે ‘એ અફસોસજનક છે કે ઑર્ગેનાઇઝેશન ઑફ ઇસ્લામિક કો-ઑપરેશને વધુ એક વખત પ્રેરિત અને ગેરમાર્ગે દોરનારી કમેન્ટ્સ કરવાનું પસંદ કર્યું છે. એ માત્ર સ્વાર્થ ખાતર ચલાવવામાં આવી રહેલા વિભાજનકારી એજન્ડાનો પર્દાફાશ કરે છે.’

ઑર્ગેનાઇઝેશન ઑફ ઇસ્લામિક કો-ઑપરેશને પયગમ્બર વિશેની કમેન્ટ્સ બદલ ભારતની ટીકા કરી હતી અને મુસ્લિમોના અધિકારોનું રક્ષણ થાય એ સુ​નિશ્ચિત કરવા માટે આવશ્યક પગલાં લેવા સંયુક્ત રાષ્ટ્રને અપીલ કરી હતી.

સાઉદી અરેબિયાએ નૂપુરને સસ્પેન્ડ કરવાના બીજેપીના નિર્ણયને આવકાર્યો

સાઉદી અરેબિયાએ પણ પયગમ્બર મોહમ્મદ વિશેની નૂપુર શર્માની કમેન્ટની આકરી ટીકા કરી હતી સાથે જ આ દેશે નૂપુરને બીજેપીના પ્રવક્તા તરીકે સસ્પેન્ડ કરવાના બીજેપીના નિર્ણયને આવકાર્યો હતો. ઉપરાષ્ટ્રપતિ વેન્કૈયા નાયડુ વેપારને મજબૂત કરવાના હેતુથી કતારના પ્રવાસે ગયા એ જ સમયે આ વિવાદ સર્જાયો હતો. સાઉદી અરેબિયા સહિત અખાતી દેશોએ પયગમ્બર મોહમ્મદ વિશેની કમેન્ટની આકરી ટીકા કરી છે. સાઉદી અરેબિયાએ આ કમેન્ટને અપમાનજનક ગણાવી હતી અને સાથે જ ધર્મો પ્રત્યે સન્માનની ભાવના રાખવાની હિમાયત કરી હતી. આ પહેલાં કતાર, કુવૈત અને ઈરાને ભારતીય રાજદૂતને રવિવારે સમન્સ બજાવ્યા હતા, કેમ કે ગલ્ફમાં સોશ્યલ મીડિયા પર ભારતીય ચીજવસ્તુઓના બહિષ્કારની વ્યાપકપણે માગ ઊઠી હતી અને ભારે રોષ વ્યક્ત કરાતો હતો. 

કુવૈતની સુપરમાર્કેટમાંથી ભારતીય પ્રોડક્ટ્સ હટાવાઈ

પયગમ્બર મોહમ્મદ વિશે બીજેપીના બે નેતાઓની કમેન્ટને લઈને અખાતી દેશોમાં રોષ શાંત થવાના બદલે વધી રહ્યો છે. કુવૈતમાં એક સુપરમાર્કેટે એના શેલ્વ્સમાંથી ભારતીય પ્રોડક્ટ્સને હટાવી લીધી છે. બીજેપીના આ નેતાઓની કમેન્ટ્સને ‘ઇસ્લામોફોબિક’ ગણાવીને અલ-અરદિયા કો-ઑપરેટિવ સોસાયટી સ્ટોરે ભારતીય ચા અને અન્ય પ્રોડક્ટ્સનો શેલ્વ્સમાંથી હટાવીને ટ્રોલીઓમાં ઢગલો કર્યો છે. કુવૈત સિટીની બહાર આવેલા આ સુપરમાર્કેટમાં ચોખા, મસાલા અને મરચાંના શેલ્વ્સને પ્લાસ્ટિક શીટ્સથી ઢાંકી દેવામાં આવ્યા છે, જેમાં અરબીમાં લખવામાં આવ્યું છે કે ‘અમે ભારતીય પ્રોડક્ટ્સને હટાવી દીધી છે.’ આ સ્ટોરના સીઈઓ નસીર અલ મુતાઇરીએ જણાવ્યું હતું કે ‘કુવૈતી મુસ્લિમ તરીકે અમે પયગમ્બરનું અપમાન સહન ન કરી શકીએ.’  

Whatsapp-channel Whatsapp-channel

07 June, 2022 08:46 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK