રોહતકમાં રહેતી ૩૧ વર્ષની મહિલાની છેલ્લાં પાંચ વર્ષથી બન્ને કિડની નિષ્ક્રિય હતી ત્યારે ભાઈએ આપ્યું નવજીવન
પ્રતીકાત્મક તસવીર
હરિયાણાના એક ભાઈએ તેની મોટી બહેનને બળેવ-રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ નવજીવન આપ્યું હતું. રાખડી બાંધવા બદલ ભાઈઓ તરફથી રોકડ રકમ, દાગીના કે વસ્તુની ભેટના દાખલા સમાજમાં છે, પરંતુ અંગદાન કરીને જીવ બચાવવાની ઘટના ગઈ કાલે દિલ્હીમાં બની હતી. હરિયાણાના રોહતકની રહેવાસી ૩૧ વર્ષની મહિલાની બન્ને કિડની નિષ્ક્રિય થતાં ટ્રાન્સપ્લાન્ટની જરૂર હતી. તેને ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે નાના ભાઈએ કિડની આપી હતી.
દિલ્હીની ‘આકાશ હેલ્થકૅર’ હૉસ્પિટલના ડૉક્ટરોએ જણાવ્યું હતું કે ‘ત્રણ વર્ષ પહેલાં તબિયત સાવ કથળી જતાં તેમને હૉસ્પિટલના આઇસીયુમાં દાખલ કરવા પડ્યાં હતાં. એ વખતે તેમને ટીબી પણ હોવાનું નિદાન કરાયું હતું. સ્વાભાવિક રીતે જ રોગપ્રતિકારકતા ઘટી ગઈ હતી. હાર્ટ ફેઇલ્યરને કારણે ફેફસાંમાં પાણી ભરાયું હતું, કારણકે ડાયાલિસિસમાં વિલંબ અને બ્લડપ્રેશર પર કન્ટ્રોલ નહીં રહેવાને કારણે હૃદય નબળું પડ્યું હતું. તાત્કાલિક ડાયાલિસિસ તથા અન્ય સારવાર શરૂ કરવામાં આવી હતી. ડૉક્ટરોની સૂચના પ્રમાણે સારો ખોરાક આપવાની શરૂઆત કરી. તબિયતમાં નોંધપાત્ર સુધારો થયા પછી તેમને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની સલાહ આપવામાં આવી હતી. તેમના સગા ભાઈએ કિડની ડૉનેટ કરવાની તૈયારી દાખવી અને બધા ટેસ્ટ અનુકૂળ રહેતાં તાજેતરમાં ટ્રાન્સપ્લાન્ટની સર્જરી કરાવાઈ અને મહિલાના શરીરે નવી કિડની સ્વીકારી લેતાં સર્જરી સફળ થઈ છે.’