દેશમાં કોરોનાના કેસમાં વધારો થયો તો બીજી બાજુ કેરલામાં નોરોવાઇરસની એન્ટ્રી થઈ અને એની સાથે જ દેશનાં અનેક રાજ્યમાં સ્વાઇન ફ્લુના કારણે મોતથી ચિંતા વધી
ફાઇલ તસવીર
નોરોવાઇરસ ખરેખર કેટલી ગંભીર બીમારી છે?
કેરલાની રાજધાની તિરુવનંતપુરમમાં બે બાળક નોરોવાઇરસથી સંક્રમિત થયાં હોવાનું કન્ફર્મ થયું છે. રાજ્યનાં આરોગ્યપ્રધાન વીણા જ્યૉર્જે જણાવ્યું હતું કે આ બીમારી અત્યંત ચેપી છે અને તેમણે રાજ્યના લોકોને સ્વચ્છતાનું પાલન કરવા જણાવ્યું હતું.
ADVERTISEMENT
નોરોવાઇરસ શું છે?
અમેરિકામાં સેન્ટર્સ ફૉર ડિસીસ કન્ટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન અનુસાર આ અત્યંત ચેપી રોગ છે, જેના કારણે વૉમિટિંગ અને ડાયેરિયા થાય છે. નોરોવાઇરસને સ્ટમક ફ્લુ પણ કહેવામાં આવે છે. જોકે આ બીમારી ફ્લુને સંબંધિત નથી.
લક્ષણો કયાં છે?
બ્રિટનની નૅશનલ હેલ્થ સર્વિસ અનુસાર નોરોવાઇરસની શરૂઆત દરદી માટે ખૂબ જ પીડાદાયક હોઈ શકે છે, પરંતુ દરદી લગભગ બે દિવસમાં સ્વસ્થ થઈ જાય છે. નોરોવાઇરસના કારણે પેટ કે આંતરડામાં બળતરા થાય છે. નોરોવાઇરસથી સંક્રમિત થયાને ૧૨થી ૪૮ કલાકમાં સામાન્ય રીતે લક્ષણો જોવાં મળે છે. આ બીમારીનાં સામાન્ય લક્ષણોમાં ડાયેરિયા, વૉમિટિંગ, ઊબકા અને પેટમાં દુખાવો છે. જોકે તાવ, માથામાં દુખાવો અને શરીરમાં દુખાવો જેવાં લક્ષણો પણ જોવા મળી શકે છે. નોરોવાઇરસના કારણે નાનાં બાળકો અને વૃદ્ધોને ડિહાઇડ્રેશન થઈ શકે છે.
સ્વાઇન ફ્લુએ પણ ચિંતા વધારી
કેરલા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં સ્વાઇન ફ્લુના કારણે તાજેતરમાં થયેલાં મૃત્યુના કારણે ચિંતા વધી ગઈ છે. કેરલામાં ઝોઝિકોડની ૧૨ વર્ષની બાળકીનું સ્વાઇન ફ્લુના કારણે મૃત્યુ થયું હતું. તેનું મૃત્યુ ૨૯ મેએ જ થયું હતું, પરંતુ લૅબોરેટરીની ટેસ્ટ આવ્યા બાદ તેને સ્વાઇન ફ્લુ હોવાનું કન્ફર્મ થયું હતું. ઉત્તર પ્રદેશના કાનપુરમાં પણ સ્વાઇન ફ્લુના કારણે એક વેપારીનું મોત થયું હતું, જેના પછી હવે મધ્ય પ્રદેશના ઇન્દોરમાં સ્વાઇન ફ્લુના ત્રણ કેસ અને ઓડિશામાં બે કેસ આવ્યા છે. રાજસ્થાનમાં છેલ્લા બે મહિનામાં સ્વાઇન ફ્લુના ૯૦થી વધારે કેસ આવ્યા છે. એકલા જયપુરમાં જ ૭૦ કેસ નોંધાયા છે.
કોરોનાના નવા ૪૫૧૮ કેસ, નવનાં મૃત્યુ
ભારતમાં કોરોનાના નવા ૪૫૧૮ કેસ નોંધાયા હતા. ઍક્ટિવ કેસની સંખ્યા વધીને ૨૫,૭૮૨ થઈ છે. વધુ નવ મોતની સાથે કોરોનાના કારણે મરનારાઓની સંખ્યા વધીને ૫,૨૪,૭૦૧ થઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગઈ કાલે જણાવ્યું હતું કે દેશનો રિકવરી રેટ ૯૮.૭૩ ટકા છે. છેલ્લા ૨૪ કલાકમાં ઍક્ટિવ કેસમાં ૧૭૩૦ કેસનો વધારો થયો છે. દૈનિક પૉઝિટિવિટી રેટ ૧.૬૨ ટકા નોંધાયો હતો, જ્યારે વીકલી પૉઝિટિવિટી રેટ ૦.૯૧ ટકા નોંધાયો હતો. ભારતમાં કેરલા, મહારાષ્ટ્ર અને તામિલનાડુ સહિત કેટલાંક રાજ્યમાં કોરોનાના કેસમાં તાજેતરમાં વધારો થયો છે.