કાંદિવલીની ૧૪ વર્ષની થિયાની મમ્મી ખુશ્બૂ મહેતાને હળવો ટીબી હોવાથી ફૅમિલી મેમ્બર્સ મૂંઝવણમાં હતા, પણ ડૉક્ટરોની પરવાનગી આવ્યા બાદ પરિવારે તેમની સામે નમતું જોખવું પડ્યું, ફૅમિલી પ્રેશરની ઐસીતૈસી
લિવર ટ્રાન્સપ્લાન્ટની સફળતા પછી આઇસીયુમાંથી બહાર આવેલી પુત્રી થિયાને ગળે લગાડી રહેલી ખુશ્બૂ મહેતા.
કાંદિવલીની ૧૪ વર્ષની નાઇન્થ સ્ટાન્ડર્ડમાં અભ્યાસ કરતી થિયા મહેતા જેની કૂખે જન્મી અને જેણે થિયાને તેના લિવરનો ભાગ ડોનેટ કરીને નવજીવન આપ્યું એ થિયાની ૩૮ વર્ષની મમ્મી ખુશ્બૂ મહેતા અને પરેલની ગ્લોબલ હૉસ્પિટલના મેડિકલ સ્ટાફે ગઈ કાલે સવારે મધર્સ ડે નિમિત્તે થિયા સાથે કેકકટિંગ કર્યું હતું. થિયાએ આ પ્રસંગે તેની મમ્મીનો હરખનાં આંસુ સાથે આભાર માન્યો હતો અને મમ્મીનાં વખાણ કરતાં કહ્યું હતું કે હું મમ્મીનો મારા માટેનો પ્રેમ જોઈને મંત્રમુગ્ધ થઈ ગઈ છું.
થિયા તેનાં મમ્મી-પપ્પા, ૧૬ વર્ષના ભાઈ અને દાદી સાથે રહે છે. ગઈ દિવાળીના બીજા દિવસે એટલે કે નૂતન વર્ષના દિવસે થિયાએ તેની મમ્મીને તેને ગળામાં દુખે છે એવી ફરિયાદ કરી હતી. થિયાને ગળામાં સખત દુખાવો હતો, પરંતુ નવા વર્ષને ધ્યાનમાં રાખીને તેમણે ડૉક્ટર પાસે જવાનું ટાળ્યું હતું. ત્યાર પછી તેમણે એક ઈએનટી સર્જ્યનની મુલાકાત લીધી હતી. થિયાની બાયોપ્સી કરતાં ડૉક્ટરને નેક લિમ્ફનું ટ્યુબરક્યુલોસિસ મળી આવ્યું હતું અને તેની ઍન્ટિ-ટ્યુબરક્યુલર દવાઓ શરૂ કરવામાં આવી હતી. જોકે દસ દિવસમાં જ તેનું આખું શરીર પીળું થઈ ગયું હતું અને તેને નિદાનમાં કમળો હોવાની જાણકારી મળી હતી. એટલે તેને એક નર્સિંગ હોમમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. માર્ચ ૨૦૨૧માં થિયા અચાનક નીચે પડી ગઈ હતી. થિયાને તરત જ તેના પિતા પ્રીતેશ અને તેની મમ્મી ખુશ્બૂ હૉસ્પિટલમાં લઈ ગયાં હતાં, જ્યાં તપાસ દરમ્યાન થિયાને કમળો અને કોગ્યુલોપૅથી (આ સ્થિતિમાં લોહી ગંઠાઈ નથી શકતું) હોવાનું જાણવા મળ્યું હતું. ડૉક્ટરોએ થિયાનું લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવું પડશે એમ કહ્યું હતું.
ADVERTISEMENT
ડૉક્ટરની વાત સાંભળતાં જ થિયાની મમ્મી તરત જ લિવર ડોનેટ કરવા આગળ આવી હતી, પણ ખુશ્બૂ માટે અમારા આખા પરિવારની જવાબદારી હતી એમ જણાવતાં પ્રીતેશ મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જવાબદારી સિવાય બીજી પણ એક સમસ્યા હતી. ખુશ્બૂને લસિકા ગાંઠોમાં પણ હળવો ટીબી હતો. આ સંજોગોમાં અમે પરિવારજનો મૂંઝવણમાં હતા. અમે અસમંજસ પરિસ્થિતિમાં હતા. અમે ખુશ્બૂની તંદુરસ્તી અને મારી પુત્રીના ભાવિની ચિંતા કરી રહ્યા હતા, પણ ખુશ્બૂ થિયાને લિવર ડોનેટ કરવાના નિર્ણય પર અડગ હતી. અમારી અનેક સમજાવટ પછી પણ તે ટસની મસ થઈ નહોતી.
જે પુત્રીને જન્મ આપવાની મેં નવ મહિના પીડા સહન કરી હતી એ પુત્રી માટે લિવર ડોનેટ કરીને તેને નવજીવન આપવું મારા માટે એટલું જ મહત્ત્વનું હતું અને હું કોઈ સંજોગોમાં મારા નિર્ણય પર પીછેહઠ કરવા તૈયાર નહોતી એમ કહીને પોતાના હૃદયની ભાવનાઓ જણાવતાં આંસુથી ભરેલી આંખો સાથે ખુશ્બૂ મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારો પરિવાર, ડૉક્ટરો બધા માટે લિવર ટ્રાન્સપ્લાન્ટ માટે તબીબી અને કાનૂની પ્રોટોકૉલનું પાલન કરવું એટલું જ મહત્ત્વનું હતું. આખરે મારી જીત થઈ હતી. મને માઇલ્ડ ટીબી હોવાથી ડૉક્ટરોએ મને લિવર ડોનેટ કરવાની પરવાનગી આપી હતી. મને પ્રીતેશ અને મારા પરિવાર તરફથી થિયાને લિવર ડોનેટ કરવા માટે મંજૂરી મળી હતી, જેનાથી હું અનહદ આનંદમાં આવી ગઈ હતી. થિયા મારી પુત્રી નહીં, સારી મિત્ર પણ છે. મારે તેને ફરીથી તેની સૌથી મનપસંદ રમત બાસ્કેટબૉલ રમતાં જોવી હતી. આખરે ૧૮ માર્ચે થિયાનું લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું.’
મારા માટે મારી બીમાર પડેલી દીકરીના કરમાયેલા ચહેરા પર સ્માઇલ જોવું હતું એમ જણાવતાં ખુશ્બૂ મહેતાએ કહ્યું હતું કે ‘થિયાનું લિવર ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક પાર પડ્યું હતું. તેના ચહેરા પર ફરીથી એક વાર ખુશનુમા સ્માઇલ જોવા મળી હતી. પહેલાં આઇસીયુમાં અને હવે થિયા તેના રૂમમાં પાછી આવી ગઈ છે. થોડા દિવસમાં થિયા અમારા ઘરે પાછી ફરશે.’
ગ્લોબલ હૉસ્પિટલના હેપેટોલૉજી વિભાગના વડા ડૉ. સમીર શાહે થિયાના લિવર ટ્રાન્સપ્લાન્ટ વિશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આજે એક બાલિકા તેની માતાના અવિરત પ્રયત્નો અને બહાદુરીથી ફરીથી તેના રેગ્યુલર જીવનને જીવી શકશે. મા-દીકરીનો પ્રેમ મારા હૃદયને સ્પર્શી ગયો છે. ખુશ્બૂએ માતાની સાથે ફિઝિયોથેરપિસ્ટ અને નર્સનો રોલ પણ જવાબદારીપૂર્વક નિભાવ્યો છે. એચપીબી સર્જરી અને લિવર ટ્રાન્સપ્લાન્ટ ઘણા જીવનમાં ખુશી ફેલાવે છે.’
લિવર ટ્રાન્સપ્લાન્ટ અને એચપીબી સર્જ્યન ડૉ. રવિ મોહનકાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘લિવર ફેલ્યર એ માનવજીવન માટે જોખમી બીમારી છે. જ્યારે સારી સારવાર કરવામાં આવે ત્યારે મોટા ભાગના દરદીઓ ટૂંકા ગાળામાં સામાન્ય જીવનમાં પાછા ફરે છે. થિયાના લિવર ટ્રાન્સપ્લાન્ટ માટે ખુશ્બૂએ અનેક લોકોને સમજાવવા પડ્યા હતા. આખરે એક માતા તેની પુત્રીને લિવર ડોનેટ કરવામાં સફળ રહી હતી.’
સિનિયર કન્સલ્ટન્ટ પીડિયાટ્રિક લિવર ટ્રાન્સપ્લાન્ટ અને એચપીબી સર્જરી અને ઍડલ્ટ પૅનક્રિયાટિક સર્જ્યન ડૉ. અનુરાગ શ્રીમાળે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘થિયા અને તેની માતા ખુશ્બૂ વાસ્તવિક લડવૈયા છે. થિયાનો કેસ અપવાદરૂપે પડકારજનક છે. તેની મમ્મી આગળ આવી અને તમામ અવરોધો સામે તેના લિવરનો એક ભાગ દાનમાં આપીને તેની દીકરીને નવજીવન આપ્યું છે. તેના લિવર ટ્રાન્સપ્લાન્ટના બે અઠવાડિયાંમાં જ થિયા આઇસીયુમાંથી બહાર આવી ગઈ હતી. માતાનો પ્રેમ, તેની હિંમત અને દૃઢતા થિયાને નવા જીવન તરફ લઈ ગઈ છે.’
મને પરિવાર તરફથી થિયાને લિવર ડોનેટ કરવા માટે મંજૂરી મળતાં હું અનહદ આનંદમાં આવી ગઈ હતી. થિયા મારી પુત્રી નહીં, સારી મિત્ર પણ છે. મારે તેને ફરીથી તેની સૌથી મનપસંદ રમત બાસ્કેટબૉલ રમતાં જોવી છે.
ખુશ્બૂ મહેતા