પોસ્ટ-ઑફિસ ઉપરાંત મ્યુચ્યુઅલ ફન્ડ અને પ્રાઇવેટ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને પાંચ વર્ષમાં પૈસા ડબલ કરી આપવાની લાલચ આપનારાં મલાડમાં રહેતાં ગુજરાતી પતિ અને પત્નીની પોલીસે સુરતમાંથી કરી ધરપકડ
સુરતમાં પકડાયેલાં મલાડનાં ગુજરાતી પતિ-પત્ની મનીષ અને વંદના ચૌહાણ
પોસ્ટ-ઑફિસની રિકરિંગ ડિપોઝિટમાં રોકાણ કરીને સારું વળતર મળતું હોવાથી મધ્યમ વર્ગના લોકો પોસ્ટના એજન્ટ મારફત પોસ્ટ-ઑફિસમાં રોકાણ કરતા હોય છે. મલાડમાં રહેતી ગુજરાતી પોસ્ટ-એજન્ટોએ અસંખ્ય લોકો પાસેથી રૂપિયા લીધા બાદ પોસ્ટમાં જમા ન કર્યા હોવાની ફરિયાદ મલાડના દિંડોશી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી. પોલીસે છ મહિના આરોપી પતિ-પત્નીની હિલચાલ પર નજર રાખ્યા બાદ તેમની ગયા રવિવારે સુરતના રાંદેર વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. પોલીસે કોર્ટમાંથી તેમને સાત દિવસની પોલીસ-કસ્ટડીમાં રાખવાનો ઑર્ડર મેળવ્યો હતો. આ મામલામાં અત્યાર સુધીમાં ૫૦ જેટલા લોકોએ ફરિયાદ નોંધાવી છે. આરોપીઓએ ૨૦૦થી વધુ લોકોના લાખો રૂપિયા તફડાવ્યા હોવાની શંકા પોલીસે વ્યક્ત કરી હતી.
પોલીસના જણાવ્યા મુજબ મલાડમાં વંદના ચૌહાણ અને તેનો પતિ મનીષ ૧૦ વર્ષથી પોસ્ટ-ઑફિસની રિકરિંગ ડિપોઝિટના એજન્ટ તરીકે કામ કરતાં હતાં. તેઓ પોસ્ટની સાથે પ્રાઇવેટ કંપનીની ફિક્સ્ડ ડિપોઝિટ અને મ્યુચ્યુઅલ ફન્ડમાં રોકાણ કરવાના નામે લોકો પાસેથી રૂપિયા લેતાં હતાં. ગયા વર્ષના ડિસેમ્બર મહિનાની શરૂઆત સુધી આરોપી પતિ-પત્ની લોકો પાસેથી રેગ્યુલર રૂપિયા લેવા જતાં હતાં, પરંતુ બાદમાં તેઓ રિકરિંગ ડિપોઝિટનું કલેક્શન કરવા ન આવતાં રોકાણકારોએ તેમને ફોન કરતાં તેમના બધા નંબર બંધ આવતા હતા. આથી ગરબડ હોવાની શંકાથી કેટલાક લોકોએ તેમના ઘરે તપાસ કરતાં ધ્યાનમાં આવ્યું હતું કે તેઓ ઘર વેચીને પરિવાર સાથે પલાયન થઈ ગયા છે. આથી કેટલાક લોકોએ દિંડોશી પોલીસ સ્ટેશનમાં વંદના અને મનીષ ચૌહાણ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. રોકાણકારોએ પોસ્ટ-ઑફિસમાં તપાસ કરતાં જણાયું હતું કે તેમણે આપેલા રૂપિયામાંથી અમુક રકમ જ આરોપીઓએ પોસ્ટના અકાઉન્ટમાં જમા કરાવી છે.
બોગસ સ્લીપ બનાવી
આ કેસની તપાસ કરી રહેલા દિંડોશી પોલીસ સ્ટેશનના અસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર અતુલ માળીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી પાસે ફરિયાદ નોંધાવનારી પચાસ જેટલી મહિલાઓએ જણાવ્યું હતું કે તેમણે આરોપી વંદના અને મનીષ ચૌહાણને જે રૂપિયા આપ્યા હતા એમાંથી અમુક રકમ જ પોસ્ટ-ઑફિસના અકાઉન્ટમાં જમા કરાવ્યા છે. તેઓ રિકરિંગ ડિપોઝિટની બોગસ સ્લિપ બનાવીને રોકાણકારોને આપતા હતા અને કહેતા કે તેમના રૂપિયા પોસ્ટ-ઑફિસમાં જમા થઈ ગયા છે. આવી સ્લિપ જોઈને રોકાણ કરનારાને વિશ્વાસ થતો હતો કે તેમના રૂપિયા અકાઉન્ટમાં ભરાઈ ગયા છે. જોકે આરોપીઓ ગાયબ થઈ ગયા બાદ પોસ્ટ-ઑફિસમાં તપાસ કરતાં ખ્યાલ આવ્યો હતો કે તેમની સાથે ચીટિંગ થઈ છે.’
ADVERTISEMENT
પાંચ વર્ષમાં ડબલની ઑફર
આરોપી પતિ-પત્નીએ પોસ્ટ-ઑફિસ ઉપરાંત મ્યુચ્યુઅલ ફન્ડ અને પ્રાઇવેટ કંપનીમાં રોકાણ કરીને પાંચ વર્ષમાં ડબલ કરી આપવાની ઑફર કરી હોવાનું પોલીસની તપાસમાં જણાયું છે. આરોપીઓને રોકાણકારો લાંબા સમયથી ઓળખતા હોવાથી તેમણે પચાસ હજારથી માંડીને ત્રણ લાખ રૂપિયા સુધીની રકમ આવી કંપનીઓમાં રોકાણ કરવા માટે આપી હોવાનું તેમણે ફરિયાદમાં નોંધ્યું છે.
છ મહિના વૉચ રાખી
મુંબઈમાંથી પલાયન થઈ ગયા બાદ આરોપીઓએ તેમના તમામ નંબરો બંધ કરી દીધા હતા. આ વિશે તપાસ અધિકારી અતુલ માળીએ કહ્યું હતું કે ‘ડિસેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં અમારી પાસે ઉર્વશી પટેલ સહિતની કેટલીક મહિલાઓએ પોસ્ટનાં એજન્ટ પતિ-પત્ની મનીષ અને વંદના ચૌહાણે તેમની સાથે ચીટિંગ કરી હોવાની રજૂઆત કરી હતી. અમે આ મામલે ચકાસણી કર્યા બાદ ૧૫ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ આઇપીસીની કલમ ૩૪, ૪૦૬, ૪૦૯ અને ૪૨૦ અંતર્ગત વંદના અને મનીષ ચૌહાણ સામે એફઆઇઆર નોંધીને તપાસ હાથ ધરી હતી. તેમના બધા નંબરો બંધ હતા. જોકે અમે તેમના પર સતત વૉચ રાખી હતી. આખરે ચાર મહિના બાદ એક નંબર તેમણે શરૂ કરવાથી ટ્રેસ થયા. તેઓ સુરતના રાંદેર પોલીસ સ્ટેશનની હદમાં હોવાની માહિતી હાથ લાગ્યા બાદ અમે સુરત પોલીસની મદદથી રવિવારે તેમની ધરપકડ કરી હતી. સોમવારે કોર્ટમાં રજૂ કરીને તેમની સાત દિવસની પોલીસ-કસ્ટડી મેળવી હતી.’

