પ્રતિકૂળ હવામાનને કારણે આ પ્લેન ડાબી બાજુ વળવાને બદલે જમણી બાજુ વળી ગયું અને પર્વત સાથે અથડાયુંT
આ દુર્ઘટનામાં મૃત્યુ પામનારાઓમાં ચાર ભારતીય સહિત બાવીસ જણનો સમાવેશ છે
નેપાલના પર્વતીય મુસ્તાંગ જિલ્લામાં તારા ઍરનું પ્લેન ૨૯ મેએ ક્રૅશ થયું હતું, જેનું કારણ હવે બહાર આવ્યું છે. આ દુર્ઘટનામાં મૃત્યુ પામનારાઓમાં ચાર ભારતીય સહિત બાવીસ જણનો સમાવેશ છે. સિવિલ એવિયેશન ઑથોરિટી ઑફ નેપાલ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસ અનુસાર આ દુર્ઘટનાનું કારણ પ્રતિકૂળ હવામાન હતું. દરમ્યાનમાં આ પ્લેનનું બ્લૅક બૉક્સ મેળવી લેવાયું છે.
કૅનેડિયન કંપની દ્વારા બનાવવામાં આવેલા ટર્બોપ્રોપ ટ્વિન ઓટર ૯એન-એઈટી પ્લેન રવિવારે સવારે પોખરા શહેરમાંથી ઉડાન ભર્યાને થોડીક જ મિનિટ્સમાં નેપાલના પર્વતીય પ્રદેશમાં ગાયબ થયું હતું. આ ફ્લાઇટમાં ચાર ભારતીય સિવાય બે જર્મન, ૧૩ નેપાલી પૅસેન્જર્સ અને ત્રણ નેપાલી ક્રૂ મેમ્બર્સ હતા.
ADVERTISEMENT
આ પ્લેનના ક્રૅશનાં કારણોની શોધ માટે નેપાલ સરકારે સિનિયર એસ્ટ્રોનૉટિકલ એન્જિનિયર રતિશ ચન્દ્ર લાલ સુમનની અધ્યક્ષતામાં પાંચ સભ્યોના તપાસ પંચની રચના કરી હતી.
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે પ્રતિકૂળ હવામાનના કારણે આ પ્લેન ડાબી બાજુ વળવાના બદલે જમણી બાજુ વળી ગયું હતું, જેના પછી પર્વતની સાથે આ પ્લેન ટકરાયું હતું.

