રશિયામાંથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઑઇલ ભારત અને ચીનમાં પહોંચી રહ્યું છે
પ્રતીકાત્મક તસવીર
યુક્રેન પર હુમલા બાદ પશ્ચિમી દેશોએ રશિયા પર આર્થિક પ્રતિબંધો લાદ્યા, જેના કારણે આર્થિક સમીકરણો ઝડપથી બદલાઈ રહ્યાં છે. ક્યારેક ગલ્ફ દેશો પાસેથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઑઇલ ખરીદનાર ભારત હવે રશિયા પર વધુ દારોમદાર રાખી રહ્યું છે. એ સિવાય ચીને પણ રશિયા પાસેથી ક્રૂડ ઑઇલની ખરીદી વધારી દીધી છે. છેલ્લા એક અઠવાડિયામાં રશિયામાંથી ભારત અને ચીનમાં મોકલવામાં આવતા ક્રૂડ ઑઇલનું પ્રમાણ ૭૪ મિલ્યનથી લઈને ૭૯ મિલ્યન બેરલ વચ્ચે હતું. આ આંકડો ખૂબ જ મોટો છે, કેમ કે ફેબ્રુઆરીમાં યુક્રેન પરના રશિયાના યુદ્ધ પહેલાં આ પ્રમાણ માત્ર ૨૭ મિલ્યન બેરલ જ હતું. આ રીતે રશિયા પાસેથી ક્રૂડ ઑઇલની આયાતમાં બમણા કરતાં પણ વધુ વધારો થઈ ચૂક્યો છે.
એટલું જ નહીં, રશિયા પાસેથી ક્રૂડ ઑઇલ ખરીદવામાં પહેલો નંબર અત્યાર સુધી યુરોપનો જ હતો. જોકે એપ્રિલમાં એશિયન દેશો એનાથી આગળ નીકળી ગયા હતા. એટલું જ નહીં, એવો અંદાજ છે કે મે મહિનામાં હજી આ ગૅપ વધશે.
દુનિયામાં બિઝનેસનું સ્વરૂપ પણ ઝડપથી બદલાઈ રહ્યું છે. વાસ્તવમાં યુક્રેન વિરુદ્ધ યુદ્ધ બાદથી અમેરિકા, બ્રિટન અને યુરોપિયન યુનિયને રશિયાની સાથે વ્યાપારિક નાતો તોડી નાખ્યો છે, જેના કારણે રશિયાને એના ક્રૂડ ઑઇલ માટે નવા ગ્રાહકો શોધવાની ફરજ પડી હતી, જેનો લાભ ભારત અને ચીન જેવા દેશોને મળી રહ્યો છે, જેમણે ઝડપથી ઓછી કિંમતે ક્રૂડ ઑઇલ ખરીદવાનું શરૂ કર્યું છે.