અમદાવાદ: સંતાનો માટે મમ્મી બન્યા મૂળજીભાઈ
દીકરી દીપિકા સાથે મળીને રસોઈ બનાવી રહેલા અને દીકરા પારસ તથા દીકરી સાથે મૂળજીભાઈ ખુમાણ.
મૂળ મુંબઈના અને અમદાવાદ સ્થાયી થયેલા ૭૨ વર્ષના મૂળજીભાઈ ખુમાણ જેઓ પત્નીના મૃત્યુ પછી સંતાનો માટે મમ્મીની ગરજ સારી રહ્યા છે. પિતાની જવાબદારી નિભાવવા ઉપરાંત છેલ્લાં પચીસેક વર્ષથી ગૃહિણીની જેમ કોઈ પણ જાતની શરમ કે નાનમ અનુભવ્યા વગર રસોઈ બનાવવા સહિતની ઘરની તમામ જવાબદારી ઉપાડી લેનાર મૂળજીભાઈની દીકરી દીપિકા અને દીકરો પારસ તેમની આ ‘મુછાળી માતા’ના વાત્સલ્યને પ્રણામ કરીને તેમની છત્રછાયામાં શાંતિ અનુભવી રહ્યાં છે. મધર્સ ડે પર દીકરી દીપિકાએ કર્યા પપ્પાને લાખ-લાખ સલામ.
મુંબઈમાં જન્મેલા, મહાલક્ષ્મી વિસ્તારમાં રહેતા તેમ જ પછીથી અમદાવાદને કર્મભૂમિ બનાવનાર ૭૨ વર્ષના મૂળજીભાઈ ખુમાણ સંતાનો માટે ‘મુછાળી મા’ બન્યા છે. વિશ્વઆખું આજે મધર્સ ડેની ઉજવણી કરશે ત્યારે એક પિતાની જવાબદારી નિભાવવા ઉપરાંત છેલ્લાં પચીસેક વર્ષથી એક ગૃહિણીની જેમ કોઈ પણ જાતની શરમ કે નાનમ અનુભવ્યા વગર ઘરની તમામ જવાબદારી ઉપાડી લેનાર મૂળજીભાઈની દીકરી દીપિકા અને દીકરો પારસ તેમની આ ‘મુછાળી માતા’ના વાત્સલ્યને પ્રણામ કરીને તેમની છત્રછાયામાં શાંતિ અનુભવી રહ્યાં છે.
ADVERTISEMENT
મુંબઈમાં રહેતા મૂળજીભાઈ ૧૯૭૦માં પત્ની પ્રેમીલાબહેન સાથે અમદાવાદ આવ્યા હતા અને નોકરીની શરૂઆત કરી હતી. અમદાવાદમાં ‘જનસત્તા’માં પ્રૂફ-રીડર તરીકે સેવા આપનાર મૂળજીભાઈ ૪૦ વર્ષના થયા ત્યારે તેમને ત્યાં પારણું બંધાયું હતું. સમય વીતતો ગયો અને તેમનાં પત્નીની તબિયત નાદુરસ્ત રહેવા માંડી. ૧૨ વર્ષ સુધી તેમનાં પત્ની બીમાર રહ્યાં. ડાયાબિટીઝનો પ્રૉબ્લેમ થવા ઉપરાંત બન્ને કિડની ફેલ થઈ ગઈ હતી. નોકરી કરવા ઉપરાંત બીમાર પત્નીને સાચવવી તેમ જ બે સંતાનોનો ઉછેર એકલા હાથે કરવો સહેલો નહોતો. સંઘર્ષભર્યા જીવનમાં ઘરના બે છેડાને સમતોલ રાખવા મૂળજીભાઈ માટે પડકારજનક હતું, પરંતુ તેમણે હિંમત હાર્યા વગર ઘરમાં રસોઈ બનાવવાથી માંડીને કચરા વાળવા સહિત ઘરની, પત્નીની અને બે સંતાનોની જવાબદારી ઉપાડી લીધી. બે સંતાનોને તૈયાર કરીને સ્કૂલ મોકલવાં, તેમને માટે ચા-નાસ્તો તૈયાર કરવો અને રસોઈ બનાવવા સહિતનાં કામ તેઓ હસતા મોઢે કરવા લાગ્યા.
એ દરમ્યાન તેમનાં પત્ની ૨૦૦૬માં મૃત્યુ પામ્યાં અને મૂળજીભાઈ પર જાણે વજ્રાઘાત થયો. જોકે બે નાનાં સંતાનોને નજર સામે જોઈને તેમની જિંદગી બને એ માટે હિંમત એકઠી કરીને સંતાનો માટે પિતા મટીને માતા બન્યા. બાળકો નાનાં હોવાથી ફરીથી લગ્ન કરી લેવા માટે ફૅમિલીએ મૂળજીભાઈને સલાહ આપી, પરંતુ તેઓએ લગ્ન કર્યાં નહીં અને બાળકોના ïઉછેરમાં ધ્યાન આપ્યું અને પત્નીના મૃત્યુ પછી આજે ૧૩ વર્ષ બાદ દીકરી-દીકરાને ઉચ્ચ અભ્યાસ કરાવી પગભર બનાવ્યાં છે. દીકરી દીપિકા અને દીકરો પારસ અત્યારે ઇલેક્ટ્રૉનિક મીડિયામાં કામ કરી રહ્યાં છે.
પિતાની જવાબદારી સાથે એક કુશળ ગૃહિણીની જેમ ઘરની તમામ જવાબદારી ઉપાડી લઈ એકલા હાથે બે સંતાનોનો ઉછેર કરનાર મૂળજીભાઈ ખુમાણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું મારા ઘરમાં રસોઈ બનાવું, સંતાનોને મોટાં કરવાની સાથે ઘરની જવાબદારીનું વહન કરું એ માટે મને શરમ આવતી નથી અને એમાં શરમાવા જેવુ કશું છે પણ નહીં. હું મુંબઈથી અમદાવાદ એકલો આવ્યો હતો. મારી પત્ની મારી સાથે હતી. આપણી જિંદગીમાં એક સ્ત્રી આપણા ભરોસે આવે છે તો આપણે પણ એ જવાબદારી નિભાવવી જ રહી અને એટલે જ મારી પત્નીને મેં છેલ્લે સુધી સાચવી હતી. મારી પત્ની ૧૨ વર્ષ સુધી બીમાર રહી હતી. એ સમયે હું નાઇટ શિફ્ટમાં કામ કરતો જેથી દિવસ દરમ્યાન પત્નીની દેખરેખ રાખી શકાય અને બાળકોને પણ સંભાળી શકાય. બાળકો નાનાં હતાં જેથી તેમને સવારે ઉઠાડીને નાસ્તો કરાવી સ્કૂલ મોકલવા સહિત એક ગૃહિણી કરે એ તમામ કામ હું કરતો.’
મૂળજીભાઈએ વધુમાં કહ્યું હતું કે ‘મારી પત્નીના મૃત્યુ પછી બાળકો નાનાં હોવાથી પુનર્લગ્ન કરવાની વાત આવી, પરંતુ મેં કર્યાં નહીં, કેમ કે મારાં બે બાળકોની જિંદગી બને એ મારું લક્ષ્ય હતું. આજે મારી દીકરી દીપિકા અને દીકરો પારસ અભ્યાસ કરીને પગભર થયાં છે એનો મને ઘણો આનંદ છે.’
મૂળજીભાઈની દીકરી દીપિકાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારી મમ્મી બીમાર રહેતી હોવાથી સવારે વેકઅપ કૉલ પપ્પા જ આપતા હતા. સવારે અમારા માટે નાસ્તો તૈયાર કરતા અને અમને સ્કૂલ મોકલતા હતા. મારા પપ્પાએ ઘરની તમામ જવાબદારી પોતાના ખભે ઉપાડી લીધી હતી. મને રોટલી બનાવતાં પણ પપ્પાએ શીખવાડ્યું હતું. રસોડામાંથી માતાના ગુણ દીકરીમાં આવે, પણ મારા પપ્પાએ મને માતાની જેમ રોટલી બનાવવા ઉપરાંત શાક, સ્વીટ, વિવિધ ફરસાણ બનાવતાં શીખવ્યું હતું. દિવાળીના દિવસોમાં તો ખાસ નાસ્તાની આઇટમ બનાવતાં શીખવ્યું છે.’
મમ્મીને યાદ કરતાં દીપિકાએ કહ્યું હતું કે ‘હું કૉલેજના ફસ્ર્ટ યરમાં હતી ત્યારે મમ્મી મૃત્યુ પામી હતી. મમ્મી મૃત્યુ પામ્યા પછી ઘરની જવાબદારી નિભાવતાં-નિભાવતાં પપ્પાએ અમને મમ્મીની ઊણપ લાગવા દીધી નહોતી. પપ્પા અમારે માટે એક શ્રેષ્ઠ મમ્મી બનીને રહ્યા છે. મમ્મીના મૃત્યુ બાદ અમારી ફૅમિલીમાં મા શબ્દ સચવાયો અને પિતાસ્વરૂપે અમને મા મળી.’
પોતાની અને ભાઈની બીમારીને યાદ કરતાં દીપિકાએ કહ્યું હતું કે ‘એક વખત ભાઈને ડેંગી થયો હતો અને મને ચિકનગુનિયા થયો હતો. આવી બીમારીમાં પણ અમારા પપ્પાએ મા બનીને વાત્સલ્ય વરસાવ્યું હતું અને હૂંફ આપીને અમને બીમારીમાંથી ઊભાં કર્યાં હતાં. મને અને મારા ભાઈને પપ્પા માટે ગર્વ છે. આજે મધર્સ ડે છે ત્યારે ભલે અમારી મમ્મી આ દુનિયામાં નથી, પરંતુ ભગવાને અમને પિતારૂપે મમ્મી આપી છે. આવા પિતાને મધર્સ ડે નિમિત્તે લાખ લાખ સલામ.’
મારા બનેવી પર ગર્વ અનુભવું છું
મૂળજીભાઈ ખુમાણનાં સાળી નંદુબહેને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું મારા બનેવી પર બહુ ગર્વ અનુભવું છું. માત્ર તેમનાં બે સંતાનોને જ નહીં, મારા દીકરા રાજેશને પણ તેમના ઘરે રાખીને મોટો કર્યો છે, સારા સંસ્કાર આપ્યા છે. તેઓ પોતાના બળે જીવ્યા છે. કોઈનો સહારો લીધો નથી. સ્વાભિમાની માણસ છે. રસોઈ બનાવનાર, ઘરકામ કરનાર અને છોકરાઓનો ઉછેર કરનાર મારા બનેવી જેવું દુનિયામાં બીજું કોઈ ના હોય.’
આ પણ વાંચો : સ્ટૅચ્યુ ઑફ યુનિટીની પ્રવેશ-ટિકિટ સાથે ચેડાં : વધુ ભાવ વસૂલાયાની ફરિયાદ
મૂળજીભાઈનું ગુજરાત સરકારે સન્માન કર્યું
મૂળજીભાઈએ આવા સંઘર્ષ વચ્ચે પણ પુસ્તકો લખવાની તેમ જ પુસ્તકોના અનુવાદ કરવાની પ્રવૃત્તિ ચાલુ રાખી છે. ખાસ કરીને તેઓએ ડૉ. બાબાસાહેબ આંબેડકરનાં મરાઠી અને અંગ્રેજીમાં લખાયેલાં પુસ્તકોના ગુજરાતીમાં અનુવાદ કર્યા છે. ૨૦૧૬માં ગુજરાતનાં તત્કાલીન મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે મૂળજીભાઈ ખુમાણને ડૉ. બાબાસાહેબ આંબેડકર અવૉર્ડથી સન્માનિત કર્યા હતા. મૂળજીભાઈ મુંબઈમાં રહેતા હતા ત્યારે ‘ચાંદની’, ‘સજની’, ‘ચેત મછંદર’ સહિતનાં મૅગેઝિનમાં કામ કરતા હતા.