પરિવારજનોએ તેમનો આભાર વ્યક્ત કર્યો
ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ગઈકાલે સુરતમાં ગ્રીષ્મા વેકરિયાના પરિવારજનોને મળીને સાંત્વના આપી હતી.
દક્ષિણ ગુજરાતના સુરતમાં કામરેજ તાલુકાના પાસોદ્રામાં જાહેરમાં કરાયેલી ગ્રીષ્મા વેકરિયાની હત્યાના કેસમાં આરોપી ફેનિલ ગોયાણીને ફાંસીની સજા થયા બાદ ગઈ કાલે ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મૃત્યુ પામનાર ગ્રીષ્માના ઘરે જઈને તેના પરિવારજનોને મળ્યા હતા અને ગ્રીષ્માને શ્રદ્ધાસુમન અર્પણ કરી પરિવારજનોને સાંત્વના આપી હતી.
હર્ષ સંઘવી ગ્રીષ્માનાં માતા-પિતા સહિત અન્ય પરિવારજનોને મળ્યા હતા. પરિવારજનોએ તેમનો આભાર વ્યક્ત કર્યો ત્યારે લાગણીસભર દૃશ્યો સર્જાયાં હતાં. આ તબક્કે હર્ષ સંઘવી પણ ભાવુક થયા હતા અને આંસુને રોકી શક્યા નહોતા. હર્ષ સંઘવીએ કહ્યું કે ‘સુરતની દીકરીને સૌથી ઝડપી ન્યાય મળ્યો છે એ જ ગ્રીષ્માને સાચી શ્રદ્ધાંજલિ છે. ગ્રીષ્માના પરિવારને ન્યાય અપાવવા અને આરોપીને કડક સજા કરવા પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને તેમની ટીમે રાત-દિવસ મહેનત કરીને પરિણામ આપ્યું છે.’

