બીજેપીના નેતાએ કહ્યું કે શહીદ પરિવારોના યુવાનોને વૈકલ્પિક ધોરણે નોકરીની વ્યવસ્થા બે મહિનામાં કરી આપીશું
બીજેપીમાં પ્રવેશ પહેલાં હાર્દિક પટેલ રોડ-શો કરીને ગાંધીનગર હાઇવે પર આવેલા ગુજરાત બીજેપીના પ્રદેશ કાર્યાલય કમલમ પર સાથીદારો સાથે પહોંચ્યો હતો.
ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનથી ચર્ચામાં આવેલા હાર્દિક પટેલે ગઈ કાલે બીજેપીમાં પ્રવેશ કર્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમ જ કેન્દ્રીય ગૃહપ્રધાન સહિતના આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો. બીજેપીમાં પ્રવેશ બાદ પ્રેસ-કૉન્ફરન્સમાં હાર્દિક પટેલે કહ્યું હતું કે ‘આંદોલનની શરૂઆત થઈ હતી ત્યારે સત્તા સામે આંદોલન હતું, પણ જ્યારે આજે સાથે બેસીને રાષ્ટ્રના હિત માટે કે રાજ્યના હિત માટે કામ કરવાની વાત આવે ત્યારે મન મોટું રાખીને જ્યારે એકબીજા સાથે બેસીને રાષ્ટ્રના ભગીરથ કાર્યમાં જ્યારે જોડાયા છીએ ત્યારે બીજેપીના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ સહિત તમામ લોકોનો આભાર માનું છું. રાષ્ટ્રના હિત માટે નરેન્દ્રભાઈ મોદી હોય, અમિતભાઈ શાહ હોય, જે. પી. નડ્ડા હોય, ભૂપેન્દ્રભાઈ પટેલ કે સી. આર. પાટીલ હોય આ બધા લોકો રાષ્ટ્રના હિત માટે ભગીરથ કાર્ય કરે છે એ ભગીરથ કાર્યની અંદર રામસેતુની ખિસકોલી બનીને કામ કરવાનો પ્રયાસ કરીશ.’
પાટીદાર અનામત આંદોલન સમયે ગુજરાતમાં તોફાનો થયાં હતાં એ સંદર્ભમાં પુછાયેલા પ્રશ્નનો જવાબ આપતાં હાર્દિક પટેલે સામે પ્રશ્ન કરતાં કહ્યું હતું કે ‘મેં જાતે સળગાવ્યું હતું? હું થોડો સળગાવવા ગયો હતો? જે અસામાજિક તત્ત્વો હોય, જેણે આ કામ કર્યું છે તેની વિરુદ્ધ કાર્યવાહી થાય છે, કેસ થયા છે.’
ADVERTISEMENT
જોકે હાર્દિક પટેલે અસામાજિક તત્ત્વો કહેતાં પાટીદાર અનામત આંદોલન સમયે તેની સાથે જોડાયેલા પાટીદાર યુવાનોનું અપમાન કર્યું હોવાની લાગણી યુવાનોમાં ફેલાઈ છે. પાટીદાર આંદોલનમાં ૧૪ યુવાનોનાં મૃત્યુ થયાં હતાં એ મુદ્દે હાર્દિક પટેલે કહ્યું હતું કે ‘આંદોલન સમયે જે યુવાનોનાં મૃત્યુ થયાં હતાં એ યુવાનોના પરિવારને મદદ થાય એના માટે પૂરો પ્રયાસ કરીશું. આવતા બે મહિનાની અંદર શહીદ પરિવારોના યુવાનોને વૈકલ્પિક ધોરણે નોકરીની વ્યવસ્થા કરી આપીશું.’