૧૦મા ધોરણની એક્ઝામનું ૬૫.૧૮ ટકા પરિણામ જાહેર થયું
રિક્ષા-ડ્રાઇવરની દીકરીએ ટ્યુશન વગર ૯૫.૧૭ ટકા મેળવ્યા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ૧૦મા ધોરણની એક્ઝામનું ગઈ કાલે ૬૫.૧૮ ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જોકે આ પરિણામમાં ચોંકાવનારી બાબત એ બહાર આવી છે કે ગુજરાતની ૧૨૧ સ્કૂલોનું રિઝલ્ટ ઝીરો આવ્યું છે એટલે કે આ સ્કૂલમાં એક પણ વિદ્યાર્થી પાસ થયો નથી. એટલું જ નહીં, ગુજરાતમાં ૧૦૦૭ સ્કૂલોનું ૩૦ ટકા કરતાં ઓછું પરિણામ આવ્યું છે. જોકે ૨૯૪ સ્કૂલોનું ૧૦૦ ટકા રિઝલ્ટ આવ્યું છે. ગુજરાતમાં ૧૦મા ધોરણમાં રાજકોટ જિલ્લાના રૂપાવટી કેન્દ્રનું સૌથી વધુ ૯૪.૮૦ ટકા પરિણામ અને સૌથી ઓછું દાહોદ જિલ્લાના રૂવાબારી મુવાડા કેન્દ્રનું ૧૯.૧૭ ટકા પરિણામ આવ્યું છે. સુરત જિલ્લાનું સૌથી વધુ ૭૫.૬૪ અને સૌથી ઓછું પાટણ જિલ્લાનું ૫૪.૨૯ ટકા પરિણામ જાહેર થયું છે. ૧૦મા ધોરણમાં પણ વિદ્યાર્થિનીઓ વિદ્યાર્થીઓ કરતાં આગળ રહી છે. વિદ્યાર્થીઓનું ૫૯.૯૨ ટકા જ્યારે વિદ્યાર્થિનીઓનું ૭૧.૬૬ ટકા પરિણામ આવ્યું છે.
૧૦મા ધોરણમાં અંગ્રેજી (ફર્સ્ટ લૅન્ગ્વેજ) વિષયનું ૯૪.૭૩ ટકા પરિણામ આવ્યું છે, જ્યારે હિન્દી (ફર્સ્ટ લૅન્ગ્વેજ) વિષયનું ૯૦.૯૬ ટકા અને ગુજરાતી (ફર્સ્ટ લૅન્ગ્વેજ) વિષયનું ૮૨.૧૫ ટકા રિઝલ્ટ આવ્યું છે.
ADVERTISEMENT
રિક્ષા-ડ્રાઇવરની દીકરીએ ટ્યુશન વગર ૯૫.૧૭ ટકા મેળવ્યા
ગુજરાતમાં ગઈ કાલે ૧૦મા ધોરણનું રિઝલ્ટ ડિકલેર થયું હતું, જેમાં રિક્ષા-ડ્રાઇવરની દીકરી તન્વી ઠાકોરે ટ્યુશન વગર જાતમહેનતથી ૧૦મા ધોરણની એક્ઝામમાં ૯૫.૧૭ ટકા મેળવતાં ઠાકોર ફૅમિલીમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. આર્થિક સંકડામણ વચ્ચે અભ્યાસમાં મન લગાવીને ‘એ વન ગ્રેડ’ મેળવનાર શેઠ સી. એન. વિદ્યાલયની સ્ટુડન્ટ તન્વીને આઇએએસ થઈને કલેક્ટર બનીને તેના જેવા સ્ટુડન્ટ્સની મદદ કરવાની ઇચ્છા છે અને એટલે જ રિક્ષા-ડ્રાઇવર પિતા રાજેશભાઈએ દીકરીના સપનાને સાકાર કરવા કમર કસી છે.
જે સમાજમાં છોકરીઓ બહુ અભ્યાસ કરતી નથી એ સમાજની દીકરી તન્વી ઠાકોરે પોતાની ખુશી ‘મિડ-ડે’ સમક્ષ વ્યક્ત કરતાં કહ્યું કે ‘મારી મહેનતે મને સફળતા અપાવી છે. મારી સ્કૂલના શિક્ષકો અને મારાં માતા-પિતાના આશીર્વાદ મને મળ્યા અને હું આટલું સારું પરિણામ મેળવી શકી છું. હવે મારે આગળ અભ્યાસ કરીને આઇએએસ થઈને કલેક્ટર બનવું છે. જેવું અત્યારે અમે ફેસ કરી રહ્યાં છીએ એ બીજાએ ફેસ કરવું ન પડે એવું કંઈક મારે કરવું છે. હું ગરીબ લોકોને મદદ કરવા ઇચ્છું છું, કેમ કે ફાઇનૅન્શિયલ સ્થિતિ ખરાબ હોય તો નોટબુક–બુક્સ લેવામાં તકલીફ પડે, સારી સ્કૂલમાં ઍડમિશન લેવું હોય તો ફી વધુ હોય, સ્કૂલોમાં અધર ઍક્ટિવિટી હોય તો એની અલગથી ફી આપવાની હોય એટલે ગરીબ બાળકો આ બધી ફી કેવી રીતે ભરી શકે. બાળક ટૅલન્ટેડ હોય, પણ તેની ટૅલન્ટ બહાર ન આવી શકે.’