યુવાનોને માર્ગદર્શન આપતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે કહ્યું હતું કે આપણા માટે સંસ્કારનો અર્થ શિક્ષા, સેવા અને સંવેદનશીલતા છે.
વડોદરામાં શિબિરને વર્ચ્યુઅલી સંબોધન કરી રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંતો અને મહાનુભાવો.
અમદાવાદ : ગુજરાતની સંસ્કાર નગરી વડોદરાના કારેલીબાગમાં આવેલા શ્રી સ્વામીનારાયણ મંદિર દ્વારા આયોજિત સપ્તદિનાત્મક સત્સંગ જ્ઞાનયજ્ઞમાં સંસ્કાર અભ્યુદય શિબિરમાં ભાગ લઈ રહેલા યુવાનોને માર્ગદર્શન આપતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે કહ્યું હતું કે આપણા માટે સંસ્કારનો અર્થ શિક્ષા, સેવા અને સંવેદનશીલતા છે. આપણા માટે સંસ્કારનો અર્થ સમર્પણ, સંકલ્પ અને સામર્થ્ય છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે વડોદરામાં સંસ્કાર અભ્યુદય શિબિરમાં યુવાનોને વર્ચ્યુઅલ રીતે સંબોધન કર્યું હતું. તેમણે સભામાં ઉપસ્થિત સૌકોઈને જય સ્વામીનારાયણ કહીને તેમના સંબોધનની શરૂઆત કરી હતી. યુવાનોને સંબોધતાં તેમણે કહ્યું હતું કે આપણા ઉત્કર્ષનું માધ્યમ પણ બીજાના કલ્યાણનું હોવું જોઈએ. આપણે સફળતાનાં શિખરોને સ્પર્શીએ પરંતુ આપણી સફળતા એ બધાની સેવાનું સાધન પણ હોવું જોઈએ. આપણા સંતોએ, આપણાં શાસ્ત્રોએ આપણને શીખવાડ્યું છે કે કોઈ પણ સમાજનું નિર્માણ સમાજની દરેક પેઢીમાં નિરંતર ચરિત્ર નિર્માણથી થાય છે. એની સભ્યતા, એની પરંપરા, એના આચારવિચાર, વ્યવહાર એક પ્રકારથી આપણી સાંસ્કૃતિક વિરાસતની સમૃદ્ધિથી થાય છે. આ શિબિરમાં જ્ઞાનજીવનદાસ સ્વામી સહિતના સંતો, ગુજરાતના પ્રધાન વિનુ મોરડિયા, ગુજરાત બીજેપીના અધ્યક્ષ સી. આર. પાટીલ સહિતના મહાનુભાવો અને હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.