ગુજરાત સરકારની કૅબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો નિર્ણય
પ્રતિકાત્મક તસવીર
ઉનાળાની શરૂઆત સાથે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પાણીની બૂમો ઊઠતાં આ તકલીફ નિવારવા માટે ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના ડૅમમાં નર્મદા નદીનાં પાણી ઠાલવવાનો નિર્ણય ગુજરાત સરકારે કર્યો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી પ્રધાન મંડળની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની વિગતો આપતાં ગુજરાત સરકારના પ્રવક્તા પ્રધાન જિતુ વાઘાણીએ કહ્યું હતું કે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તાર માટે ૨૦૭૫ એમ.એલ.ડી. (મિનિમમ લિક્વિડ ડિસ્ચાર્જ) નર્મદાના પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. સરકારે બ્રાહ્મણી-૨ જળાશયને નર્મદાના પાણીથી ભરવાનો નિર્ણય કર્યો છે. કચ્છ જિલ્લા માટે પીવાના પાણીનો મુખ્ય સ્રોત એવા ટપ્પર જળાશયમાં પણ જરૂરિયાત જણાયે આગામી સમયમાં કચ્છ શાખા નહેર દ્વારા નર્મદાના પાણીથી ભરવાનું આયોજન છે.