હાર્દિક પટેલને ગુજરાત બીજેપીના અધ્યક્ષ સી. આર. પાટીલ ખેસ પહેરાવીને તેમ જ ગુજરાતના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ ટોપી પહેરાવીને વધુ સમય ઊભા નહીં રહીને સ્ટેજ પરથી એક્ઝિટ કરી ગયા હતા.
હાર્દિક પટેલને ખેસ પહેરાવીને પક્ષમાં આવકારતા ગુજરાત બીજેપીના અધ્યક્ષ સી. આર. પાટીલ અને અન્ય નેતાઓ.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે એવા સંજોગો વચ્ચે ચોમેરથી થઈ રહેલી ટીકાઓ વચ્ચે ગઈ કાલે બીજેપીએ હાર્દિક પટેલને વિધિવત્ પક્ષમાં સામેલ કર્યો છે. હાર્દિક પટેલને ગુજરાત બીજેપીના અધ્યક્ષ સી. આર. પાટીલ ખેસ પહેરાવીને તેમ જ ગુજરાતના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ ટોપી પહેરાવીને વધુ સમય ઊભા નહીં રહીને સ્ટેજ પરથી એક્ઝિટ કરી ગયા હતા.
પાટીદાર અનામત આંદોલનને કારણે એક સમયે જે પક્ષે ‘હાર્દિક’ શબ્દનો પ્રયોગ કરવાનું ટાળ્યું હતું એ બીજેપીમાં ગઈ કાલે પાટીદાર અનામત આંદોલનથી ચહેરો બનેલા હાર્દિક પટેલને આવકાર મળ્યો હતો. ઢોલ-નગારાં અને કારના કાફલા સાથે હાર્દિક પટેલ રોડ-શો કરીને ગાંધીનગર હાઇવે પર આવેલા ગુજરાત બીજેપીના મુખ્ય પ્રદેશ કાર્યાલય કમલમ પહોંચ્યો હતો. સાધુ-સંતોની ઉપસ્થિતિમાં સી. આર. પાટીલે હાર્દિક પટેલને ખેસ પહેરાવીને અને ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે ટોપી પહેરાવીને પક્ષમાં આવકાર્યો હતો. આ વિધિ પૂરી થતાં બન્ને નેતાઓ સ્ટેજ પરથી ઊતરીને ચાલ્યા ગયા હતા. બીજી તરફ હાર્દિક પટેલના બીજેપીમાં પ્રવેશ દરમ્યાન ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની ગેરહાજરી જોવા મળી હતી.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે આ પહેલાં કૉન્ગ્રેસમાંથી બીજેપીમાં પ્રવેશ મેળવનાર જયરાજસિંહ પરમારના બીજેપી-પ્રવેશ વખતે બીજેપીએ સભા યોજી હતી અને નેતાઓએ સંબોધન પણ કર્યું હતું, પણ હાર્દિક પટેલના બીજેપી-પ્રવેશ સમયે શમિયાણો તો બંધાયો હતો, પણ કોઈએ ભાષણ કર્યાં નહીં અને હાર્દિક પટેલને ખેસ અને ટોપી પહેરાવીને કાર્યક્રમને આટોપી લેવાયો હતો.
હાર્દિક પટેલની બીજેપીમાં એન્ટ્રીથી સોશ્યલ મીડિયામાં દિવસભર વિરોધ, રોષ તેમ જ રમૂજની પોસ્ટ ઠલવાઈ હતી.
હાર્દિક પટેલ પહેલાં કૉન્ગ્રેસનાં શ્વેતા બ્રહ્મભટ્ટને ગુજરાત બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે ખેસ પહેરાવીને તેમ જ ટોપી આપીને પક્ષમાં વિધિવત્ જોડ્યાં હતાં.