ડિજિટલ ફેરફારોને કારણે આ ક્ષેત્રને મજબૂત વ્યવસાયિક પરિણામ મળ્યું છે
પ્રતીકાત્મક તસવીર. ફોટો/આઈસ્ટોક
વિશ્વમાં ઝડપી તકનીકી પ્રગતિને કારણે રિટેલ ઉદ્યોગમાં કારકિર્દીના નવા વિકલ્પો ઊભા થયા છે. ડિજિટલ ફેરફારોને કારણે આ ક્ષેત્રને મજબૂત વ્યવસાયિક પરિણામ મળ્યું છે, જે રોજગારીની તકોને પ્રોત્સાહન આપનાર સાબિત થઈ રહ્યું છે. કોરોના મહામારી બાદ સમગ્ર વિશ્વમાં તેમાં વધુ ઝડપ જોવા મળી રહી છે. આજકાલ ઈ-કોમર્સ સેક્ટરનો વ્યાપ વધ્યો છે. આ ક્ષેત્રમાં 100% FDIની સાનુકૂળ સરકારની નીતિને કારણે, ડિજિટલ ખરીદદારોની સંખ્યા સતત વધી રહી છે. રિટેલ સેક્ટર સતત વધી રહ્યું છે.
આજકાલ રિટેલ બિઝનેસના ક્ષેત્રમાં નાની-મોટી કંપનીઓ ઊતરી રહી છે, જેના કારણે આ ક્ષેત્રમાં કુશળ યુવાનોની માગ પણ વધી રહી છે. આ ક્ષેત્રમાં નોકરીની ઉત્તમ સંભાવનાઓને જોતા, ઘણી સંસ્થાઓ રિટેલ મેનેજમેન્ટ કોર્સ ઓફર કરી રહી છે.
ADVERTISEMENT
રિટેલ મેનેજમેન્ટ એ કંપની અથવા બ્રાન્ડના વ્યવસાય સાથે ગ્રાહક સંતોષ (Customer Satisfaction)ને પ્રોત્સાહન આપવાની પ્રક્રિયા છે. તે સપ્લાય ચેઈન મેનેજમેન્ટનો એક ભાગ છે. એક સમયે તે ડોર-ટુ-ડોર ડિલિવરી સાથે સંબંધિત હતું, પરંતુ હવે તેનો ટ્રેન્ડ સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. ઓનલાઈન શોપિંગ, ડીજીટલ પેમેન્ટ સીસ્ટમ અને કુરીયર સર્વિસ દ્વારા રીટેલ ઈન્ડસ્ટ્રીમાં આવેલા ફેરફારોને કારણે આ ક્ષેત્રના નિષ્ણાતોની માગમાં વધારો થયો છે. સમય બચાવવા ઉપરાંત, રિટેલ મેનેજમેન્ટ એ પણ સુનિશ્ચિત કરે છે કે ગ્રાહકો સંતોષ સાથે તેમની મનપસંદ વસ્તુઓ સરળતાથી ખરીદી શકે.
રિટેલ મેનેજમેન્ટ કોર્સ પાત્રતા, કોર્સ અને લાયકાત
રિટેલ મેનેજમેન્ટમાં એમબીએ, પોસ્ટ-ગ્રેજ્યુએશન ડિપ્લોમા, ડિપ્લોમા, સર્ટિફિકેટ કોર્સ વગેરે જેવા વ્યવસાયિક અભ્યાસક્રમો ઉપલબ્ધ છે. કેટલીક સંસ્થાઓ આંતરરાષ્ટ્રીય વ્યાપાર સાથે વિદેશી વેપારમાં સ્નાતકની ડિગ્રી ઓફર કરે છે. MBA કોર્સમાં પ્રવેશ CAT, MAT, JAT (XAT) વગેરે જેવી પ્રવેશ પરીક્ષાઓ દ્વારા કરવામાં આવે છે. મોટાભાગની સંસ્થાઓ મેરિટ અને ઇન્ટરવ્યુના આધારે પ્રવેશ લે છે.
રિટેલર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (RAI) દ્વારા ભારતમાં દર વર્ષે સામાન્ય પ્રવેશ પરીક્ષા લેવામાં આવે છે. સફળ ઉમેદવારો તેની સાથે જોડાયેલી સંસ્થાઓમાં પ્રવેશ લઈ શકે છે. આ ક્ષેત્રમાં કોઈપણ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે ઉમેદવારે 50% ગુણ સાથે 12મું પાસ કરેલ હોવું જોઈએ. માસ્ટર ડિગ્રી, ડિપ્લોમા અને પીજી ડિપ્લોમામાં પ્રવેશ માટે સ્નાતક હોવું જરૂરી છે. અભ્યાસક્રમમાં પ્રવેશ માટે, પ્રવેશ પરીક્ષા પછી ગ્રુપ ડિસ્કશન અને ઇન્ટરવ્યુ લેવામાં આવે છે.
અહીં કેટલાક ટોચના વિકલ્પો છે. આ ઉપરાંત ઉમેદવારો તેમની લાયકાત મુજબ લોજિસ્ટિક્સ અને વેરહાઉસ મેનેજર, રિટેલ કોમ્યુનિકેશન મેનેજર, રિટેલ માર્કેટિંગ એક્ઝિક્યુટિવ, કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ જેવી પોસ્ટ પર પણ કામ કરી શકે છે.
કસ્ટમર સેલ્સ એસોસિયેટ: રિટેલ મેનેજમેન્ટ કોર્સ પૂર્ણ કર્યા પછી, ઉમેદવારો કસ્ટમર સેલ્સ એસોસિયેટ તરીકે કંપનીમાં નોકરી શરૂ કરી શકે છે. આ એન્ટ્રી લેવલ પોસ્ટ રિટેલ કંપનીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે તેમની વૃદ્ધિ આ વ્યાવસાયિકો પર આધારિત છે. કસ્ટમર સેલ્સ એસોસિયેટ પાસે ઉત્પાદન, દુકાન અને ગ્રાહક વગેરેની સારી સમજ હોવી જોઈએ.
સ્ટોર મેનેજર: સ્ટોર મેનેજરને જનરલ મેનેજર અથવા સ્ટોર ડિરેક્ટર પણ કહેવામાં આવે છે. સ્ટોર મેનેજર કર્મચારીઓને પગાર ચૂકવવાથી માંડીને તેમની ફરજો નક્કી કરવાનું કામ કરે છે. સ્ટોર મેનેજર તેમનાથી વરિષ્ઠ સ્તરે જિલ્લા અથવા પ્રાદેશિક મેનેજરને રિપોર્ટ કરે છે.
રિટેલ મેનેજર: રિટેલ મેનેજર કંપનીના આઉટલેટની યોજના તૈયાર કરવા ઉપરાંત સંકલન અને દૈનિક કામગીરી માટે જવાબદાર છે. તે રિટેલ ઓર્ડર અને સ્ટોક મોનિટરિંગ સાથે સપ્લાય રિપોર્ટ પણ તૈયાર કરે છે.
રિટેલ મર્ચેન્ડાઇઝર્સ: રિટેલ આઉટલેટ માટે તમામ સામાન ખરીદવો, તેમના ભાવ નક્કી કરવા અને ગ્રાહકોની માગને સમજવી એ તેમનું કામ છે. આ વ્યાવસાયિકો વર્તમાન બજારના વલણોની સારી સમજ ધરાવે છે.
વિઝ્યુઅલ મર્ચેન્ડાઇઝર્સ: તેમનું કામ તેમની બ્રાન્ડને પ્રમોટ કરવાનું છે. રિટેલ ઉદ્યોગમાં આ સૌથી મહત્વપૂર્ણ પોસ્ટ છે. સ્ટોર ડિઝાઇન કરવાથી માંડીને ગ્રાહકોને આકર્ષે તેવા રંગો પસંદ કરવા સુધીનું કામ વિઝ્યુઅલ મર્ચેન્ડાઇઝર કરે છે.
ભારતમાં રિટેલ મેનેજમેન્ટની ટોચની સંસ્થાઓ
- નરસી મોંજી ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ એન્ડ હાયર સ્ટડીઝ, મુંબઈ
- કેજે સોમૈયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ એન્ડ રિસર્ચ, મુંબઈ
- આઇટીએમ બિઝનેસ સ્કૂલ, મુંબઈ
- મુદ્રા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્યુનિકેશન, અમદાવાદ
- બીકે સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ
- ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ વેલફેર એન્ડ બિઝનેસ મેનેજમેન્ટ (IISWBM), કોલકાતા
- પર્લ એકેડમી ઑફ ફેશન, નવી દિલ્હી
- ઇન્ડિયન રિટેલ સ્કૂલ, નવી દિલ્હી
- બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ હાયર સ્ટડીઝ, નોઇડા
પગાર ધોરણ
રિટેલ મેનેજરનો સરેરાશ પગાર વાર્ષિક ₹6,00,000 કરતાં વધુ છે. જોકે, આ ઉદ્યોગમાં પગાર કંપની વર્ક પ્રોફાઇલ અને સ્થાન પર આધાર રાખે છે. એન્ટ્રી લેવલ પર દર મહિને 15,000થી 20,000 રૂપિયાનો પગાર મળે છે. શરૂઆતમાં સારી સંસ્થામાંથી MBA કરનારા ઉમેદવારોને દર મહિને 30,000થી 40,000 રૂપિયાની ઓફર કરવામાં આવે છે. આ સિવાય ઘની કંપનીઓમાં બોનસ અને ઈન્સેન્ટિવ પણ મળે છે. આ ક્ષેત્રમાં થોડા વર્ષોના અનુભવ પછી સારી એવી આવક થાય છે.