હૉલીવુડની હિસ્ટરીમાં જૉની ડેપ અને ઍમ્બર હર્ડનો કેસ અત્યાર સુધીનો સૌથી હાઈ પ્રોફાઇલ કેસ છે જે પબ્લિક ડમેનમાં આવી ગયો છે
ઍમ્બર હર્ડ
હૉલીવુડની ઍક્ટ્રેસ અને જૉની ડેપની એક્સ-વાઇફ ઍમ્બર હર્ડને જેલની સજા થઈ શકે છે. હૉલીવુડની હિસ્ટરીમાં જૉની ડેપ અને ઍમ્બર હર્ડનો કેસ અત્યાર સુધીનો સૌથી હાઈ પ્રોફાઇલ કેસ છે જે પબ્લિક ડમેનમાં આવી ગયો છે. આ કેસ એપ્રિલથી ચાલી રહ્યો છે અને એમાં અગિયાર જ્યુરી મેમ્બરનો સમાવેશ કરવામાં આવ્યો છે. જૉની ડેપ સાથેના ડિવૉર્સ બાદ ઍમ્બર હર્ડે મીડિયામાં એક ઑપ-એડ પ્રકાશિત કરી હતી. આ ઑપ-એડમાં તેણે જૉની ડેપનું નામ નહોતું લીધું, પરંતુ તેણે એમ કહ્યું હતું કે તે ડોમેસ્ટિક વાયલન્સ અને હૅરૅસમેન્ટનો શિકાર થઈ છે. આ માટે જૉની ડેપે તેના પર ૫૦ મિલ્યન ડૉલરનો કેસ કર્યો હતો, કારણ કે આ ઑપ-એડને કારણે તેને ફિલ્મોની ઑફર નહોતી મળી રહી. જૉની ડેપના કેસની સામે ઍમ્બર હર્ડે પણ સો મિલ્યન ડૉલરનો કેસ કર્યો હતો. જોકે જૉની ડેપની ટીમ ઍમ્બર હર્ડને સતત ખોટી સાબિત કરી રહી છે. આ સાથે જ ઍમ્બર હર્ડ ઘણી વાર ખોટું બોલતાં પણ પકડાઈ છે. કોર્ટમાં કસમ ખાવા છતાં તે ખોટું બોલી રહી છે. તેમ જ પ્રૂફ તરીકે તેણે જે ફોટો આપ્યા છે એમાં પણ છેડછાડ કરી હોવાનું બહાર આવી રહ્યું છે. ઍમ્બર હર્ડે એક ફોટો આપ્યો હતો જેમાં તેના ચહેરા પર વાગેલું હોય એવું દેખાઈ રહ્યું છે. જોકે જૉની ડેપના વકીલ દ્વારા ઍમ્બર હર્ડનો એ જ દિવસનો બીજો ફોટો તેની ફ્રેન્ડ સાથેનો કોર્ટમાં જમા કરાવ્યો હતો. આ ફોટોમાં ઍમ્બરના ચહેરા પર કોઈ ઈજા નહોતી. આથી ઍમ્બરે જમા કરાવેલા ફોટો સાથે તેણે છેડછાડ કરી હતી એ દેખાઈ રહ્યું છે. આ સાથે જ તેણે ઘણાં તથ્યોને તોડીમરોડીને કોર્ટમાં રજૂ કર્યાં છે. આથી જ્યુરી જૂઠું બોલવા અને સબૂત સાથે છેડખાની કરવા બદલ ઍમ્બર હર્ડને જેલની સજા કરી શકે છે એવા ચાન્સ ઘણા છે. જોકે કેસ કોના પક્ષમાં આવે એ તો કોર્ટ જ નક્કી કરશે, પરંતુ જૂઠું બોલવા માટે ઍમ્બર હર્ડ અને અન્ય જુબાની આપનાર લોકોને પણ સજા કરવામાં આવે એના ચાન્સ વધુ છે.