Gujarati Mid-day
° °

ઇ-પેપર

ઇ-પેપર

Gujarati Mid-day
ઇ-પેપર

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ટ્રાવેલ > આર્ટિકલ્સ > સ્કૂટર કી સવારી પડી ભારી

સ્કૂટર કી સવારી પડી ભારી

Published : 18 July, 2020 08:55 PM | IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

સ્કૂટર કી સવારી પડી ભારી

સ્કૂટર કી સવારી પડી ભારી


મુંબઈમાં છેલ્લાં થોડાંક વર્ષોથી ટૂ-વ્હીલર્સની સંખ્યા ઘણી વધી છે. ખાસ તો ગર્લ્સ માટે એ બહુ સહુલિયતવાળું વાહન છે. ગિયર વિનાનું ટૂ-વ્હીલર લઈને આંટાફેરા કરતી કૉલેજ ગર્લ્સ અને નાના-મોટા કામ માટે પોતાના જ રહેણાક વિસ્તારોમાં સ્કૂટર લઈને ફરતી યુવતીઓની સંખ્યા ઘણી વધી છે. હવે તો મુંબઈની ગર્લ્સનો ટૂ-વ્હીલર પરનો કૉન્ફિડન્સ ગુજરાતની મારફાડ કન્યાઓને મૅચ થવા લાગ્યો છે જોકે અહીંના પાર્કિંગના જડબેસલાક નિયમોને કારણે જરા અમથી ચૂક તેમને મોટી મુસીબતમાં મૂકી દે છે. સાવધાની ન રાખો તો પલક ઝપકતાં જ ટૂ-વ્હીલર ટો થઈ જાય તો એને પરત મેળવવા કેવી દોડાદોડી કરવી પડે છે એ અનુભવ કરી ચૂકેલી કન્યાઓને જ પૂછીએ.


સંતાનોને સ્કૂલમાં મૂકવા-લેવા માટે, જીવનજરૂરિયાતની ચીજવસ્તુની ખરીદી માટે બજારમાં જવું હોય કે બહેનપણીઓ સાથે ગોઠડી માંડવાની હોય ત્યારે સેલ્ફ-સ્ટાર્ટ ટૂ-વ્હીલર હાથવગું અને લોકપ્રિય સાધન છે. ગિયર બદલવાની કડાકૂટ ન હોવાથી મહિલાઓ માટે એને ચલાવવું સહેલું છે. સામાન્ય રીતે મહિલાઓનું ડ્રાઇવિંગ સેફ હોવાથી પતિદેવો પણ સ્કૂટર આપીને છૂટી જતા હોય છે. જોકે ડ્રાઇવિંગને લગતા કાયદાઓની અધકચરી જાણકારીના લીધે તેઓ આરટીઓના સકંજામાં જલદી સપડાઈ જાય છે. શાકભાજી લેવા પાંચેક મિનિટ માટે સ્કૂટર સાઇડમાં પાર્ક કરે એટલી વારમાં તો આરટીઓવાળા એને ઊંચકીને ટોઇંગ ગાડીમાં મૂકીને લઈ ગયા હોય એવા કિસ્સા રોજબરોજની ઘટના છે. આજે આપણે એવી મહિલાઓને મળીએ જેમણે સ્કૂટર ટોઇંગના અનુભવોમાંથી બોધપાઠ લીધો હોય.



દસ હજાર રૂપિયા ભરીને અંગ્રેજી ન આવડ્યું પણ ડ્રાઇવિંગ શીખી ગઈ: ભાવના સંઘવી, ઘાટકોપર


મુંબઈમાં સ્કૂટર ચલાવવાના કાયદા બહુ કડક. ઘાટકોપરથી છેક બીકેસી સુધી લાંબા થવું પડ્યું હતું. એ દિવસને યાદ કરતાં ભાવના સંઘવી કહે છે, ‘ગુજરાતમાં તો બિન્દાસ સ્કૂટર ચલાવી શકાય. અમે મુંબઈ શિફ્ટ થયા ત્યારે ઘણા લોકોએ મને કહ્યું હતું કે જો-જો અહીં સ્કૂટર ચલાવવામાં ધ્યાન રાખજો, આ રાજકોટ નથી. એ વખતે મારા હસબન્ડે દસ હજાર રૂપિયા ભરી અંગ્રેજી શીખવા ક્લાસિસ જૉઇન કરાવી આપ્યા હતા. મારા ક્લાસિસ અને દીકરાને સ્કૂલમાં મૂકવા-લેવા સ્કૂટર તો ચલાવવું પડેને. પહેલા જ દિવસે ક્લાસિસમાંથી પાછાં ફરતાં હિંગવાલા લેનમાં બસ-સ્ટૉપની નજીક સ્કૂટર પાર્ક કરીને શાક લેવા ઊભી રહી. પાછળ ફરીને જોઉં તો સ્કૂટર ગાયબ. પહેલાં તો થયું કે મુંબઈમાં નવી છું તો ભૂલથી બીજે પાર્ક કર્યું હશે. આમતેમ નજર દોડાવી ત્યાં સામેની સાઇડ એક ભાઈ ઊભા-ઊભા હસતા હતા. તેમણે કહ્યું કે તમારું સ્કૂટર તો ટો કરીને લઈ ગયા. રોડ પર જુઓ લખ્યું છે બીકેસી લઈ ગયા છે. ફાઇન ભરીને લાવવું પડશે. હસબન્ડની ઑફિસ બીકેસીમાં છે એટલે ફોન કરીને કહ્યું કે તમે જઈ આવો તો મને કહે, તું ક્યારે શીખીશ? તારે જ જવાનું છે. પછી તો જે દોડાદોડી કરી છે. લાઇસન્સ અને ગાડીનાં કાગળિયાં લઈ બીકેસી ગઈ. ત્યાં એક લેડી ઑફિસર ગુસ્સામાં કહે બસ-સ્ટૉપથી એક કિલોમીટરના દાયરામાં પાર્કિંગની મનાઈ છે. તમે નિયમનું ઉલ્લંઘન કર્યું છે. ફાઇન ભરીને રિક્વેસ્ટ કરી કે મુંબઈમાં નવી છું, હવેથી ધ્યાન રાખીશ ત્યારે સ્કૂટર આપ્યું. વાસ્તવમાં નજીકમાં સ્કૂટર ચલાવવાનો ઇરાદો હતો ને ફર્સ્ટ ટાઇમમાં છેક બીકેસીથી ઘાટકોપર ચલાવીને લાવી. મજાની વાત એ થઈ કે દસ હજાર રૂપિયા ભરીને આજ સુધી અંગ્રેજી બોલતાં ન આવડ્યું, પણ મુંબઈમાં સ્કૂટર ચલાવતાં આવડી ગયું.’

દીકરીની સ્પોર્ટ્સ ઇવેન્ટ્સમાંથી બહાર નીકળું ત્યાં સુધીમાં તો સ્કૂટર ઉપાડી ગયા: ચૈતાલી વનમાલી, ખેતવાડી


મરીન ડ્રાઇવ પર મૉર્નિંગ વૉક માટે ઘણી પબ્લિક આવતી હોવાથી સવારે અમુક કલાક દક્ષિણ મુંબઈના કેટલાક વિસ્તારોમાં પાર્કિંગ માટે પરવાનગી આપેલી છે, પરંતુ જો પાછા ફરતાં વાર લાગે તો વેહિકલ ઊપડી જાય. આવા બે અનુભવ કરી ચૂકેલાં ખેતવાડીનાં ચૈતાલી વનમાલી કહે છે, ‘મુંબઈમાં વાહન ચલાવવા માટે શિસ્તબદ્ધતા જોઈએ. સુરતમાં તો અનેક લોકોને લાઇસન્સ વગર પણ સ્કૂટર ચલાવતાં જોયા છે. મારા હસબન્ડને ડર હતો કે અહીં હું સુરતના નિયમો પ્રમાણે વેહિકલ ચલાવીશ તો રોજ ઘરે ઈ-ચલાન આવી જશે. ઝીબ્રા ક્રૉસિંગ પર વાઇટ લાઇનની આગળ ન જવું, સિગ્નલને કઈ રીતે ફૉલો કરવું, યુ-ટર્ન લેવાનો હોય તો કઈ લેનમાં સ્કૂટર રાખવું જેવા નિયમો સારી રીતે સમજાવવા તેઓ મને રોજ રાત્રે ખેતવાડીથી મરીન ડ્રાઇવ લઈ જતા. અત્યાર સુધી આ બધા નિયમોનું પાલન કર્યું છે પણ ટોઇંગમાં બે વાર થાપ ખાઈ ગઈ છું. એક વાર મારી દીકરીની સ્કૂલની સ્પોર્ટ્સ ઇવેન્ટ હતી. સવારમાં પાર્કિંગ અલાઉડ હોવાથી સ્કૂટર મૂકી હું, મારી દીકરી અને નણંદનો દીકરો એમ ત્રણ જણ અંદર જતાં રહ્યાં. ઇવેન્ટ પૂરી થતાં થોડો વધુ સમય લાગી ગયો. બહાર આવીને જોયું તો સ્કૂટર ન મળે. સર્કલમાં લખ્યા પ્રમાણે ગામદેવી જઈને ફાઇન ભરવાનો હતો. ઇવેન્ટના લીધે ક્રાઉડ એટલું હતું કે દરિયા મહલથી ટૅક્સી નહોતી મળતી. બન્ને બાળકોને લઈને લાંબે સુધી ચાલી ત્યારે ટૅક્સી મળી અને સ્કૂટર છોડાવી લાવી. બીજી વાર મારી નાની દીકરી માટે નેપિયન સી રોડ પર આવેલી સ્કૂલમાં ઍડ્મિશનની ઇન્ક્વાયરી કરવા દસ મિનિટ માટે સ્કૂટર બહાર મૂક્યું તો ટો કરીને લઈ ગયા. ફરી ગામદેવી જઈને લાવવું પડ્યું. આરટીઓમાંથી સ્કૂટર છોડાવવામાં બહુ મગજમારી થાય છે. લાઇસન્સ, પીયુસી અને અન્ય પેપર બતાવવામાં બે-અઢી કલાક વેડફાઈ જાય. બે વાર હેરાન થયા બાદ હવે આજુબાજુની બે-ત્રણ શૉપવાળાને પૂછીને પાર્ક કરું છું.’

નજર સામે સ્કૂટરને ટોઇંગ વૅનમાં ચડતું જોઈ આંખમાં આંસુ આવી ગયાં: ફોરમ ધોરડા, મલાડ

ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કર્યા વગર વાહન જપ્ત કરીને લઈ જાય તો ગુસ્સો આવે ને આંખમાં ઝળઝળિયાં પણ આવી જાય. મલાડના ફોરમ ધોરડાને આરટીઓનો આવો જ કડવો અનુભવ થઈ ચૂક્યો છે. તેઓ કહે છે, ‘લૉકડાઉનના દોઢ મહિના પહેલાં અગત્યનું કામ પડતાં ડૉક્યુમેન્ટસની ઝેરોક્સ કઢાવવા જવું પડ્યું. શૉપની બહાર સ્કૂટર મૂકીને અંદર ગઈ. પાંચ મિનિટ પછી બહાર આવીને જોયું તો બે જણ સ્કૂટરને ટોઇંગ વૅનમાં ચડાવતા હતા. મારી નજર સામે સ્કૂટરને અધ્ધર જોઈ બૂમ પાડી કે ભાઈ, નીચે ઉતારો. વાસ્તવમાં ત્યાં નો પાર્કિંગનું કોઈ બોર્ડ મારેલું નહોતું. તેમની સાથે આ બાબત દલીલ કરી તો કહે, એક બાર ગાડી ઉઠા લિયા, અભી નહીં ઉતરેગા. ફાઇન ભરો ઔર લેકે જાઓ. આ લોકોની ભાષા એટલી ખરાબ હોય છે કે તમે વધુ દલીલ કરી ન શકો. વગર વાંકે આવું સાંભળી રડવું આવી ગયું. પછી પપ્પાને ફોન કર્યો. તેમણે કહ્યું કે બેટા, એમાં કંઈ રડવાની જરૂર નથી. મલાડ (વેસ્ટ)માં જા અને પૈસા ભરી દે એટલે સ્કૂટર મળી જશે. આ ઘટના પછી બોધપાઠ લીધો. આપણે ભીડમાં બહાર જઈએ ત્યારે નાનું  બાળક ખોવાઈ ન જાય એટલે તેનો હાથ પકડી રાખીએ એમ ભૂલેચૂકે સ્કૂટરને રેઢું નથી મૂકતા. બે જણ ગયા હોઈએ તો એક વ્યક્તિ સ્કૂટર પાસે ઊભી રહે અને બીજી દુકાનમાં જાય. જો એકલા ગયા હોઈએ તો દસ જણને પૂછીને પાર્ક કરીએ અથવા પે ઍન્ડ પાર્ક ન મળે ત્યાં સુધી સ્કૂટર ફેરવતા રહીએ. મુંબઈમાં પાર્કિંગનો એટલો ઇશ્યુ છે કે વેહિકલને ટો થતાં વાર નથી લાગતી. કેટલીક વાર આ કારણે ગાડી ડૅમેજ થઈ જાય છે.’

ચાર મહિનામાં ત્રણ વાર ફાઇન ભરવાનો અનુભવ લીધા પછી કાન પકડ્યા: હેતલ શાહ, અંધેરી

સ્કૂટર પાર્ક કરીને શૉપિંગ મૉલમાં ઘૂસી જવું કે ચીજવસ્તુ લેવા ઊભા રહેવું એ મહિલાઓ માટે નવી વાત નથી. ચાર મહિનામાં ત્રણ વાર સ્કૂટર ટોઇંગનો અનુભવ કરી ચૂકેલાં અંધેરીનાં હેતલ શાહ કહે છે, ‘ઇર્લા પાસેના મૉલમાં શૉપિંગ કરતી હતી એમાં સ્કૂટર ટો થઈ ગયું. મને એમ કે અંધેરી લઈ ગયા હશે એટલે સર્કલમાં લખેલા ઍડ્રેસ પર ધ્યાન આપ્યા વગર સીધી સ્કૂટર લેવા પહોંચી ગઈ. ત્યાં જઈને ખબર પડી કે સાંતાક્રુઝ લઈ ગયા છે. તરત જ રિક્ષા કરીને ત્યાં ગઈ. હજી સ્કૂટર નીચે ઉતાર્યું નહોતું એટલે રિક્વેસ્ટ કરી કે આપી દો તો મને કહે ચારસો રૂપિયા ભરો તો આપીએ. સ્કૂટર ચલાવતાં વડોદરામાં શીખી છું. ત્યાં આવી મગજમારી અને ટ્રાફિક હોતો નથી તોય અહીંના કાયદાની ખબર છે. સામે દલીલ કરતાં કહ્યું, ગોડાઉનમાં મૂકો તો ચારસો આપવાના હોય. સ્કૂટર હજી ઉપર જ છે. પછી બસો રૂપિયામાં પતાવટ કરી. એવી જ રીતે સ્ટેશનરી શૉપની બહારથી સ્કૂટર ઊપડી ગયું. સ્કૂટર ટો થાય એટલે ખર્ચો આવે. આપણે હૅન્ડલ લૉક કર્યું હોય અને એ લોકો આડેધડ ગાડીમાં ચડાવે એમાં સાઇડના મિરર તૂટી જાય, ટાયરને ઘસારો લાગે. મારું સ્કૂટર તો એટલું ડૅમેજ થઈ ગયું કે ઘસડીને મેકૅનિક પાસે લઈ જવું પડ્યું. એ દિવસે ઘરે પહોંચતાં બહુ મોડું થઈ ગયું ને પાર્સલ મગાવીને જમવાનો વારો આવ્યો. ત્રીજી વાર તો રીતસરનો ઝઘડો કરવો પડ્યો. ગાડીના કાગળ ડિકીમાં જ રાખ્યા હતા પણ ડિકી ખોલવા ન દે તો કઈ રીતે બતાવું. પછી તો ઇન્શ્યૉરન્સ એજન્ટને ફોન કરી વૉટ્સઍપ પર ડૉક્યુમેન્ટ્સના ફોટો મગાવ્યા ત્યારે સ્કૂટર હાથમાં આવ્યું. આટલા બધા કડવા અનુભવો પછી કાન પકડ્યા કે ગમે તે થાય, સ્કૂટર પે ઍન્ડ પાર્ક સિવાય ક્યાંય મૂકવું નહીં.’

Whatsapp-channel Whatsapp-channel

18 July, 2020 08:55 PM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK