નૉર્થ-ઈસ્ટ ઇન્ડિયાની બ્યુટીને જોવાની ચાહમાં ૨૮ વર્ષના રાજ વોરાએ કોઈ પણ બુકિંગ વગર મુંબઈથી પચાસ કલાકની જર્ની કરી નાખી. હવે સોલો ટ્રાવેલિંગનો રોમાંચક અનુભવ લીધા બાદ રખડપટ્ટીનો એવો ચસકો લાગ્યો છે કે મન થાય ત્યારે ડુંગરા ખૂંદવા નીકળી પડે છે
રાજ વોરા
પહાડોમાંથી વહેતા ઝરણા નીચે નહાવા માટે તમે ૨૮૭૮ કિલોમીટર લાંબો પ્રવાસ કરવાનું સાહસ કરો? પ્રી-પ્લાન અને કોઈ પણ બુકિંગ વગર અજાણ્યાં સ્થળોની મુલાકાત લેવાનો તમને ક્યારેય વિચાર આવ્યો છેw? કાંજુરમાર્ગમાં રહેતા ૨૮ વર્ષના ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ રાજ વોરાએ મેઘાલયનો ઉમડિકીઆન વૉટરફૉલ જોવા માટે આવું સાહસ કરી સોલો ટ્રિપ કરી હતી. મંઝિલ વગરના અજાણ્યા રસ્તાઓ પર એક્સપ્લોર કરવાનો રોમાંચક અનુભવ કર્યા બાદ સોલો ટ્રાવેલિંગનો ક્રેઝ વધતો ગયો. ભારતીય સહેલાણીઓમાં ઓછાં જાણીતાં સ્થળોએ આ યુવાને જે મજાની કરેલી રખડપટ્ટીની આજે વાત કરીએ.
મૉન્સૂનમાં મેઘાલય
ADVERTISEMENT
૨૦૧૬માં કાશ્મીર ટ્રેકિંગ ગ્રુપમાં અજાણ્યા યુવાનો સાથે ઘણા દિવસ સુધી રહ્યા બાદ રાજ વોરાના મગજમાં એકલા રખડપટ્ટી કરવાનાં બીજ રોપાયાં હતાં. જોકે કાશ્મીર ટ્રેકિંગ માટે જતાં પહેલાં એક વાર મનમાં થયું હતું ખરું કે કોઈ ફ્રેન્ડ સાથે હોય તો કંપની રહે, પણ ત્યાં નવા દોસ્ત બની જતાં સોલો ટ્રાવેલિંગ કરવાની હિંમત વધી. પ્રથમ સોલો ટૂર મેઘાલયની હતી. પ્રવાસની રોમાંચક વાતો શૅર કરતાં રાજ કહે છે, ‘સુપર્બ એક્સ્પીરિયન્સ! એકલા પણ ફરી શકાય એવું ક્યારેય વિચાર્યું નહોતું. વૉટરફૉલ માટેનાં અટ્રૅક્શન અને લવના કારણે હું કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળી શક્યો. વાત એમ બની કે વરસાદની મોસમમાં ડુંગરા પરથી વહેતા પાણીના ધોધનું જબરું આકર્ષણ હોવાથી ઇન્ટરનેટ પર વિતડિયો ખૂબ જોતો. મેઘાલયમાં ઘણાબધા વૉટરફૉલ્સ છે. એક દિવસ ઉમડિકીઆન વૉટરફૉલનો વિડિયો નજરે ચડ્યો. જાણે તમારો પર્સનલ વૉટરફૉલ હોય એવું લાગે. બસ, પછી તો એને જોવાનું મન થઈ ગયું. ત્યાં કેવી રીતે પહોંચવું એની તપાસ કરવામાં થોડા દિવસ લાગ્યા. ત્યાર બાદ અચાનક બૅકપૅકિંગ ટ્રિપ કરવાનું નક્કી કર્યું. એ વખતે ગુજરાતી ટૂરિસ્ટોમાં મેઘાલયનું ખાસ આકર્ષણ નહોતું. કોઈને પણ પૂછો તો જવાબ મળે, પાણીના ધોધ જોવામાં શું એક્સપ્લોર કરવાનું? પણ મારે તો જવું જ હતું.’
એન્ડ-મોમેન્ટ પર રિઝર્વેશન મળે નહીં તેથી વિન્ડો પરથી ટિકિટ લીધી. એક બૅગ લઈને મેલ ટ્રેનના જનરલ કોચમાં બેસી ગયો. આ મેમરેબલ ટ્રિપ વિશે વાત કરતાં રાજ કહે છે, ‘ટ્રેનની અંદર સતત લોકોની અવરજવર, કોલાહલ અને થોડીઘણી ગંદકી હોવા છતાં મોજ પડી ગઈ. લાઇફમાં પહેલી વાર રિઝર્વેશન વગર પચાસ કલાકની મુસાફરી કરી. જુદા-જુદા પબ્લિક ટ્રાન્સપોર્ટનો પ્રવાસ કરતાં મોસિંગમ નામની જગ્યા પર પહોંચ્યો. બસમાંથી ઊતર્યો ત્યારે લાગ્યું કે હવે ઉમડિકીઆન વૉટરફૉલના પાણીમાં ધુબાકા મારીશ. પણ હાય રે કિસ્મત. વૉટરફૉલ સુધી જવા માટે કોઈ સાધન ન મળે. ઍક્ચ્યુઅલી હું પાંચેક કિલોમીટર પહેલાં ઊતરી ગયો હતો. સવારે બસ ઉતારે અને સાંજે રિટર્ન થાય. વચમાં કોઈ વાહન મળે નહીં તેથી આગળ જવા માટે ગાડી હાયર કરવી પડે એમ હતી. આ જગ્યાએ ટૂરિઝમ એટલું ડેવલપ્ડ નથી. રસ્તામાં એકેય માણસ દેખાય નહીં. અજાણી જગ્યા અને ઉપરથી વરસાદ પડતો હતો. કોને પૂછવું? એવામાં સામેથી એક રહેવાસી આવતો દેખાતાં હરખાઈ ગયો, પણ તેને મેઘાલયની લોકલ લૅન્ગ્વેજ ખાસી સિવાયની કોઈ ભાષા આવડતી નહોતી. થોડી વાર ઇશારાથી સમજાવવાનો પ્રયાસ કરી જોયો. પછી તેણે જ તૂટ્યું ફૂટ્યું અંગ્રેજી આવડતું હોય એવા છોકરાને બોલાવ્યો. બાટિસ્ટા નામ હતું તેનું. મજાનો હસમુખો છોકરો હતો. બે દિવસ માટે તે મારો ગાઇડ બન્યો. ઉમડિકીઆન વૉટરફૉલ રિયલી ઇઝ અમેઝિંગ પ્લેસ. પછી તો પૅરૅડાઇઝ, રેઇનબો, નોહકલિકાઇ સહિત અનેક જાણીતા અને અજાણ્યા વૉટરફૉલ્સ પણ જોઈ લીધા. મેઘાલય ફરવું હોય તો મૉન્સૂનમાં જ જવું જોઈએ. વરસાદના કારણે થોડી મુસીબત વેઠવી પડે, પણ એમાં જ મજા આવે. ઇન્ટરેસ્ટિંગ વાત એ બની કે ફ્રેન્ડ્સને મેઘાલય બતાવવા લઈ ગયો ત્યારે ફરીથી અચાનક બાટિસ્ટા સાથે મુલાકાત થઈ અને સેકન્ડ ટ્રિપમાં પણ એ જ મારો ગાઇડ બન્યો હતો.’
ડબલ ડેકર બ્રિજ
વૉટરફૉલ ઉપરાંત મેઘાલયમાં જોવા જેવું ઘણું છે. અહીંની ગુફાઓ અને પર્વતો જોઈને આશ્ચર્યચકિત થઈ જવાય. એટલે જ એને સ્કૉટલૅન્ડ ઑફ ઈસ્ટ કહે છે. ચેરાપુંજીથી અંદાજે ૧૨ કિલોમીટર દૂર આવેલા ડબલ ડેકર બ્રિજને જોયા વગર મેઘાલયનો પ્રવાસ અધૂરો ગણાય. અદ્ભુત અને અજાયબ બનાવ્યો છે એમ ઉત્સાહપૂર્વક જણાવતાં તેઓ કહે છે, ‘હું તો જોઈને જ અચંબામાં પડી ગયો. ફિકસ એલાસ્ટિકા નામના બે વૃક્ષના રૂટ્સને જૉઇન્ટ કરીને બે બ્રિજ બનાવવામાં આવ્યા છે. આ પ્રકારના ડબલ ડેકર બ્રિજની કલ્પના પણ ન કરી શકાય. લગભગ બસો વર્ષથી એનો ઉપયોગ થાય છે. આપણા દેશના અનોખા રાજ્યના કુશળ કારીગરોની ટૅલન્ટને સૅલ્યુટ કરવાનું મન થઈ આવે. કહે છે કે આ વિશ્વનો એકમાત્ર લિવિંગ રૂટ બ્રિજ છે. એને જોવા માટે ટ્રેકિંગ કરીને નીચે ઊતરવું પડે. સામાન્ય રીતે લોકો ટ્રેક કરીને નીચે જાય ને સેમ ડે પાછા ફરે. ડબલ ડેકર બ્રિજની આજુબાજુ પણ પણ નાનાં-નાનાં ઘણાં ઝરણાંઓ વહે છે. મને એટલું ગમી ગયું કે ત્યાં રોકાઈ ગયો હતો. ઘડીકમાં વૉટરફૉલમાં નહાવા ચાલ્યો જાઉં ને ઘડીકમાં બ્રિજ પર બેસી જાઉં. હું, બ્રિજ અને વૉટરફૉલ આટલી જ દુનિયામાં જે મજા માણી છે એને શબ્દોમાં વર્ણવી શકાય નહીં.’
ખરેખર, પહાડોનું સૌંદર્ય માણવા વિદેશ જવાની જરાય જરૂર નથી એમ જણાવતાં રાજ કહે છે, ‘ઇન્ટરનલ ટ્રાન્સપોર્ટ, સ્ટે અને ફૂડનો ખર્ચ ગણીને ટોટલ સાત હજાર રૂપિયામાં દસ દિવસ સુધી મેઘાલયનાં ઓછાં જાણીતાં સ્થળોએ એક્સપ્લોર કર્યું હતું એવું કહીશ તો તમને નવાઈ લાગશે; પરંતુ ખરેખર આ ટ્રિપ બજેટ-ફ્રેન્ડ્લી હતી. મૉન્સૂનમાં મેઘાલયમાં દિવસોના દિવસો રહો તોય ઓછા પડે એવી બ્યુટિરફુલ જગ્યા છે. આ એક્સ્પીરિયન્સ પછી વર્ષમાં એક વાર સોલો ટ્રાવેલ કરવાનું મન બનાવી લીધું હતું.’
રિયલ ઇન્ડિયા
આપણા દેશના લોકોને ખરેખર મળવાની ઇચ્છા હોય તો સેવન સિસ્ટર ફરો અને એ પણ એકલા જ. તે કહે છે, ‘મંઝિલ અને રસ્તાની ખબર જ ન હોય અને નીકળી પડો આ રોમાંચ સોલો ટ્રાવેલિંગમાં મળે છે. ફૅમિલી અને ફ્રેન્ડ્સ સાથે ફરો ત્યારે તમારું ફોકસ સાઇટ-સીઇંગ અને સ્પેસિફિક લોકેશન હોય છે, જ્યારે સોલો ટ્રાવેલિંગ કલ્ચરલ અને પીપલ સેન્ટ્રિક હોય છે. સોલો ટ્રાવેલિંગની ખાસિયત એ છે કે તમે બીજા રાજ્યના કૉમનમેન અને જગ્યા સાથે વધુ સારી રીતે કનેક્ટ થઈ શકો છો. રિયલ ઇન્ડિયા જોવા નૉર્થ-ઈસ્ટનાં રાજ્યોમાં રખડપટ્ટી કરવા જેવી છે. ભારતનાં નાનાં રાજ્યોના લોકો બહુ મિલનસાર હોય છે. હા, ફૂડમાં થોડું કૉમ્પ્રોમાઇઝ કરવું પડે. હું જૈન હોવાથી થોડો નાસ્તો કૅરી કરી લઉં અને થોડું ઍડ્જસ્ટ કરી લઉં. નૉર્થ-ઈસ્ટમાં મોટા ભાગના લોકોને અંગ્રેજી કે હિન્દી પણ બોલતાં આવડતું નહોતું.’
ખાસ મૉમેન્ટ્સ દિલના કૅમેરામાં
રાજ વોરાએ નૉર્થ-ઈસ્ટ ઇન્ડિયામાં ઘણું ટ્રાવેલ કર્યું છે. પહાડો અને પાણીના ધોધ પ્રત્યે એવો લગાવ છે કે મેઘાલય ઉપરાંત અરુણાચલ પ્રદેશ અને હમ્પી-બદામીનાં દૂર-દૂરનાં સ્થળો ખૂંદી વળ્યા છે. ટૂરિસ્ટ ક્રાઉડ ઓછું હોય એવી તમામ જગ્યા તેમને અટ્રૅક્ટ કરે છે. સોલો ટ્રાવેલિંગના ડિફરન્ટ એક્સ્પીરિયન્સને ઇન્સ્ટાગ્રામ પેજ ગ્રાસહૉપર ડૉટ ઇન પર શૅર કર્યા છે. કુદરતી સૌંદર્યને કૅપ્ચર કરવાનું પણ તે ચૂકતા નથી. જોકે કેટલીક ખાસ મોમેન્ટ્સને તે મોબાઇલના કૅમેરામાં નહીં પણ દિલના કૅમેરામાં કૅપ્ચર કરીને રાખે છે. હવે તે નાગાલૅન્ડ અને મિઝોરમ એક્સપ્લોર કરવાની ઇચ્છા છે.