‘તું તો ખૂબ સુકલકડી છે, તારામાં તાકાત નથી, કઈ રીતે દુર્ગમ પહાડો ચડીશ?’ એવી ચિંતા લોકોને જ નહીં, વીસ વર્ષની ખુશી સાવલાને ખુદને પણ હતી. પરંતુ ‘હું કરીને જ રહીશ’ એવા જઝ્બા સાથે ખુશીએ અઢળક સાહસો કર્યાં છે.
ખુશી સાવલા
પહાડ ચડવા, દુર્ગમ ટ્રેક્સ કરવા, ઊછળતી નદીઓમાં બોટિંગ કરવું કે ઊંડી ખીણને દોરડાના ઝૂલતા પુલ પરથી પાર કરવી, કેદાર કંઠની માઇનસ બે ડિગ્રી ઠંડીમાં બરફ પરથી ચાલવાનું દરેક વ્યક્તિના બસની વાત તો હોતી નથી. એમાં પણ ફિઝિકલી ખાસ ફિટ ન હોય, પાતળી હલકીફુલકી છોકરી હોય, જેનાથી ઘરમાં પંખા કે એસીની ઠંડી પણ સહન ન થતી હોય, ઉંમર પણ ખાસ્સી નાની હોય એ છોકરી માટે તો આ બધું વધુ અઘરું બની જતું હોય છે. પરંતુ તનની શક્તિ કરતાં મનની શક્તિ આવા સમયે વધુ કામ કરી જાય છે. જ્યારે વ્યક્તિ મનથી ઠાની લે છે કે કરીને જ રહેશે ત્યારે એ એવું કંઈ કરી બતાવે છે જેની આશા દુનિયાને તો શું એને ખુદને પણ ખુદથી હોતી નથી.
આવી જ કંઈક વાત છે મુલુંડમાં રહેતી ૨૦ વર્ષની ખુશી સાવલાની. ખુશી ૩ વર્ષની હતી ત્યારથી તેના પિતા સાથે ફરવા જતી, થોડુંઘણું ટ્રેકિંગ પણ નાની ઉંમરથી જ ચાલુ કરી દીધું હતું. પર્વતો ચડવાનું હજી શીખતી જ હતી ત્યાં નાની જ ઉંમરે તેનો સામનો ડરથી થયો. ૧૦-૧૨ વર્ષની હતી ત્યારે તે મહારાષ્ટ્રની સંધાન વૅલી ગયેલી. એ બનાવ યાદ કરીને ખુશી કહે છે, ‘આ જગ્યાએ બર્મા બ્રિજ નામનું ઍડ્વેન્ચર કરવાનું હતું. સંધાન વૅલી પર એક દોરડા વડે બ્રિજ બનાવવામાં આવે. એ બ્રિજ પરથી ચાલીને આખી વૅલી પાર કરવાની હતી. પાર કરતી વખતે નીચે જુઓ ત્યારે હાજાં ગગડી જાય એટલી બીક લાગે. પડી ગયા તો કેમેય પાછા નહીં આવી શકાય. મને એ દિવસે ખૂબ બીક લાગેલી. હું ભયંકર ડરી ગયેલી. પણ ત્યાં એ કરવા જ તો ગયેલી. ખુદને ખૂબ પ્રિપેર કરીને આ ટાસ્ક પૂરો કર્યો હતો. એ સમયે વધી ગયેલી ધડકનનો અહેસાસ હજી પણ મારી અંદર છે. પણ મહત્ત્વનું એ છે કે એ ડરની સાથે-સાથે ડર પરનો વિજય પણ મને વધુ યાદ છે.’
એક્સપ્રેસ કરતાં શીખી
ખુશીના પપ્પા અને મોટી બહેન બન્ને ખૂબ સારા ટ્રેકર છે. તેમને જોઈને ખુશી હંમેશાં પ્રેરણા પામી છે. ‘મેં હંમેશાં જાતને પુશ કરી છે અને ખુદને યાદ દેવડાવ્યું છે કે હું પણ કરી શકું. ખરેખર તો ટ્રાવેલિંગ હોય કે ટ્રેકિંગ એ બન્ને તમને એટલું શીખવી જાય છે જે બીજે ક્યાંય શીખી શકાય નહીં. વળી તમારો કુદરત સાથે એક મજબૂત સંબંધ પણ એવો જોડાય છે જેને કારણે ખુદને તમે વધુ સારી રીતે ઓળખી શકો છો. હું એક અત્યંત શરમાળ છોકરી હતી. ઇન્ટ્રોવર્ટ હતી. ટ્રાવેલિંગ અને ટ્રેકિંગના શોખને કારણે ધીમે-ધીમે હું ખૂલી છું. ખુદને એક્સપ્રેસ કરતાં શીખી છું. નવા લોકોને મળીને મને ખૂબ આનંદ થાય છે. તેમની પાસેથી અઢળક શીખી શકાય છે. કોઈ પણ અજાણી વ્યક્તિઓ સાથે વાત કરવામાં કોઈ ખચકાટ નથી થતો. ઊલટું કમ્યુનિકેશન સ્કિલ એટલી સુધરી છે કે કોઈ પણ વ્યક્તિ સાથે વાત કરવામાં વાંધો નથી આવતો.’
જોશ અને જીદ
મહારાષ્ટ્રમાં નાના ટ્રેક્સ તો એ નાનપણથી કરતી રહી હતી પરંતુ ૧૯ વર્ષની ઉંમરે તેને એક તક મળી કેદારકંઠ જવાની. એ વિશે વાત કરતાં ખુશી કહે છે, ‘હું ખૂબ ખુશ હતી કે મને કેદારકંઠ જેવા અઘરા ટ્રેકમાં જવા મળે છે. પણ મને બધાએ ખૂબ ના પાડી. મારાથી ઘરમાં પંખો કે એસી પણ સહન નથી થતા ત્યાં હું કેદારકંઠની ઠંડી કેવી રીતે સહન કરી શકવાની હતી? આ સિવાય હું ફિઝિકલી એટલી સ્ટ્રૉન્ગ નથી. એટલે પણ મને બધા ના પડતા હતા કે તું ત્યાં ન જા. પરંતુ હું ખૂબ જોશમાં હતી. જોશ-જોશમાં ખાસ્સી ઉપર સુધી હું ચડી તો ગઈ પરંતુ સમિટના ટાઇમ પર મારી હાલત ખરાબ થઈ ગયેલી. શ્વાસ ફૂલવા લાગ્યો હતો. મારા પગ ઊપડતા જ નહોતા. હું ખુદને કોસી રહી હતી કે શું કામ હું અહીં આવી. મેં ખોટી જીદ કરી. પણ હવે મને ઉપર નથી જવું. પાછી જતી રહું. જેવા કેટલાય વિચાર મને આવવા લાગેલા.’
પરંતુ આ વિચારો સામે ખુશી ઝૂકી નહીં. શારીરિક ક્ષમતા નહોતી પરંતુ માનસિક રીતે તેણે પોતાની જાતને તૈયાર કરી, જે વિશે વાત કરતાં તે કહે છે, ‘ખૂબ અઘરું હતું પરંતુ મેં ખુદને કહ્યું કે અહીં સુધી આવી છું. હવે પાછા જવાનો કોઈ અર્થ નથી. આગળ જ જવાનું છે અને સર કરીને જ પાછું ઊતરવાનું છે. લક્ષ્યને અડધેથી છોડવાની જરૂર નથી. આમ મેં આ ટ્રેક પૂરો કર્યો. એ દિવસે મારી અંદર ગજબનો આત્મવિશ્વાસ છલકાઈ રહ્યો હતો. બીજા વર્ષે કેદારકંઠનો આ ટ્રેક મેં ફરીથી કર્યો અને એ પણ ટીમ લીડરના રૂપે. હું મારી નીચે ૯ જણને લઈને ગઈ હતી. જે ટ્રેક સર કરવાની મારી હિંમત નહોતી એ જ ટ્રેક સર કરવા માટે બીજા વર્ષે મેં લોકોને હિંમત આપી. આ એક અચીવમેન્ટથી ઓછું તો ન જ કહી શકાય.’
ફરવાનું કામ કરવું છે
ખુશી મહારાષ્ટ્રના કોરીગઢ, ભીવગઢ, ભીમાશંકર, નાનેઘાટ, પેબ ફોર્ટ, કરનાલ ફોર્ટ, કલસુબાઈ, સંધાન વૅલી જેવી જગ્યાઓએ ટ્રેક કરી ચૂકી છે. આ સિવાય ઉત્તરમાં લેહ-લદાખ, નૈનીતાલ, મનાલી, કાશ્મીરમાં શ્રીનગર, સોનમર્ગ, ગુલમર્ગ, પહલગામ, ઉત્તરાખંડમાં કેદારકંઠ અને હિમાચલમાં ડેલહાઉઝી જેવી જગ્યાઓએ ફરી પણ છે અને ટ્રેક પણ કર્યા છે. મહારાષ્ટ્રમાં આદરાઈ જંગલ ટ્રેલ અને અજન્તા-ઇલોરા ગુફાઓ અને આ સિવાય કર્ણાટક, ગોવા, ઊટી, કોનુર, કોઇમ્બતુર, કચ્છનું રણ, જયપુર, આગરા પણ ફરી આવી છે જેમાંથી ઘણી જગ્યાઓએ તે એકલી પરિવાર વગર પણ ગઈ છે. ખુશી હાલમાં ગ્રૅજ્યુએશનના ત્રીજા વર્ષમાં છે અને ટ્રાવેલિંગ ફીલ્ડમાં જ આગળ વધવા માગે છે. એ એવું કામ કરવા માગે છે જેમાં તે ખૂબ ફરી શકે.
૪૫ દિવસમાં ૯૯ જાત્રા
એવી જ એક એની યાત્રા હતી પાલિતાણાની. ખુશી ફક્ત ૧૮ વર્ષની હતી ત્યારે જૈન સંઘની સાથે પાલિતાણા ગઈ હતી. આ યાત્રામાં ૪૫ દિવસ ત્યાં જ રહેવાનું હતું. દરરોજ એકાસણાં કરવાનાં હતાં અને આ ૪૫ દિવસમાં ૯૯ વાર પાલિતાણાની યાત્રા કરવાની હતી. એમાં ૩ ગાઉ, ૬ ગાઉ અને ૧૨ ગાઉ યાત્રા પણ આવી જાય. એનો અર્થ એ થયો કે એક જ ટંક ખાઈને દરરોજ પહાડ ચડવાનો. આવું ૪૫ દિવસ કરવાનું. આ કઠિન યાત્રા એ વિશે ખુશી કહે છે, ‘મારો ટ્રેકિંગનો અનુભવ મને અહીં ખૂબ કામ લાગ્યો. મને બીજા લોકો જેવી કોઈ તકલીફ ન પડી. ધાર્મિક કાર્ય પણ ખૂબ સારી રીતે પાર પડ્યું. એકટાણાં કરવા છતાં પાણી પર હું રહી શકી.’
ફિઝિકલી સ્ટ્રૉન્ગ ન હોવાથી બધા ખુશીને અઘરા ટ્રેક કરવાની ના પાડતાં, પણ આજે તે એટલી સ્ટ્રૉન્ગ છે કે તે ટીમ લીડર તરીકે અઘરામાં અઘરા ટ્રેક લીડ કરે છે.