દીકરાને ખૂબ પ્રેમ કરતો હોવા છતાં તેને સાચા સંસ્કાર આપવા માટે થઈને તેની સામે મારે કડક ચહેરો રાખવો પડે છે. દિલમાં એ કઠે છે, પણ શું કરવું?
સવાલ સેજલને
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક
મારી ફ્રેન્ડનો દીકરો બહુ જ વંઠેલો છે કેમ કે તેને ઘરમાં બધાએ બહુ લાડ લડાવ્યાં છે. તેની ઉદ્ધતાઈ અને તોફાનો જોઈને મેં નક્કી કરેલું કે મારા સંતાનને હું કન્ટ્રોલમાં રાખીશ. જોકે એનું પરિણામ અવળું પડ્યું છે. મારો જ દીકરો મારાથી દૂર રહે છે. ઘરમાં બધા જ લાડ લડાવે છે, પણ જો તે ખોટું કરતો હોય તો બધા મારી જ ધાક દેખાડે. મને ઘણી વાર એવું લાગે કે હું મારા દીકરા માટે રાક્ષસ છું. મને ધંધામાંથી સમય મળતો નથી, પણ જ્યારે મળે ત્યારે હું કહું કે ચાલ આપણે બેઉ રમીએ, તો એ મારી સામે એ રીતે જુએ કે જાણે હું અજનબી છું. દીકરાને ખૂબ પ્રેમ કરતો હોવા છતાં તેને સાચા સંસ્કાર આપવા માટે થઈને તેની સામે મારે કડક ચહેરો રાખવો પડે છે. દિલમાં એ કઠે છે, પણ શું કરવું?
સૌથી પહેલાં તો તમારે એ ડિફરન્સ સમજવાની જરૂર છે કે પ્રેમ કરવો અને લાડ લડાવવાં એ બે જુદી બાબતો છે. તમારા ફ્રેન્ડના દીકરાને ઉદ્ધત થતો જોયો એની પાછળ તેમણે લડાવેલાં લાડ જ હશે, પણ પ્રેમથી બાળકો કદી બગડતાં નથી. મોટા ભાગે જોયું છે કે પુરુષો કામમાં જ રચ્યાપચ્યા રહે છે અને તેમનો ઉપયોગ બાળકને કન્ટ્રોલ રાખવા બીક બતાવવા માટે જ થાય છે. તમે જ્યારે તેને સાચા માટે ટોકો છો કે ખીજાઓ છો ત્યારે તમારે એ ન ભૂલવું જોઈએ કે તે સારી આદત કેળવે ત્યારે તેને વહાલ કરવું પણ જરૂરી છે. પપ્પાનો ઉપયોગ માત્ર બીક માટે કરવામાં આવે તો આવી દૂરી ઊભી થવાની જ. બાળકને બીક તો બાવાની પણ લાગે છે, પણ એ બાવા સાથે બાળકે રોજ નથી રહેવાનું.
તમારાં પરિવારજનો તેને લાડ લડાવવાના નામે દીકરાને બધી જ છૂટ આપે છે ને બધી જ લગામ તમારે રાખવાની છે. જવાબદારીઓનું આવું વિભાજન કદી ન થવું જોઈએ. અને બીજી વાત, ખોટા લાડ લડાવવાની જરૂર જ શું કામ છે? જ્યારે પણ લાગે કે બાળકની માગણી અવાજબી છે ત્યારે તેને પ્રેમથી નકારતાં પણ આવડવું જ જોઈએ. ‘અમે તને ખૂબ પ્રેમ કરીએ છીએ...’ એવું દર્શાવવું જેટલું જરૂરી છે એટલું જ જરૂરી છે તે ખોટું કરે ત્યારે ટોકવાનું. કુંભારના ચાકડા પર ફરતા માટીના ગોળાને જો એક જ જગ્યાએથી ટપાર્યા કરો તો ગોળામાં ઘોબો પડી જાય, એનો શેપ ન બને.