આ એક ક્લોન ઍપ્લિકેશન છે જેમાં ઘણાં પ્રાઇવસી ફીચર્સની સાથે અન્ય યુઝફુલ ફીચર્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ એનો ઉપયોગ કરવો સેફ છે ખરો?
ટેક ટૉક
વૉટ્સઍપની જગ્યાએ જીબીવૉટ્સઍપનો ઉપયોગ કેમ વધી રહ્યો છે?
ગર્લફ્રેન્ડ સાથે વિડિયો કૉલ હોય કે ઑફિસના કલીગને વૉટ્સઍપ પર ફાઇલ મોકલવાની હોય, લગ્નની કંકોતરી હોય કે પછી શોક સમચાર આપવાના હોય; વૉટ્સઍપનો ઉપયોગ આજે દરેક કામ માટે કરવામાં આવે છે. જોકે વૉટ્સઍપના કેટલાક હાર્ડકોર યુઝર્સ જેમને વધુ ફીચર્સની જરૂર હોય, સિક્યૉરિટીની નહીં તેઓ જીબીવૉટ્સઍપનો ઉપયોગ કરે છે. આ યુઝર્સની સંખ્યા પણ દિવસે-દિવસે વધી રહી છે. જીબીવૉટ્સઍપને પ્લેસ્ટોર પરથી ડાઉનલોડ નથી કરી શકાતું, કારણ કે એ ઑફિશ્યલ ઍપ નથી. આ એક ક્લોન ઍપ્લિકેશન છે જે વૉટ્સઍપના પર્યાય તરીકે કામ કરે છે, પરંતુ વધુ ફીચર્સ આપે છે. જીબીવૉટ્સઍપમાં કેટલાં નવાં ફીચર્સ છે અને એ કેટલું સેફ છે એ વિશે જોઈએ.
કેવી રીતે ઇન્સ્ટૉલ થાય? | જીબીવૉટ્સઍપને ઇન્સ્ટૉલ કરવા માટે ગૂગલ પર સર્ચ કરવું પડશે. વિવિધ વેબસાઇટ પર ઍન્ડ્રૉઇડ માટેની .apk ફાઇલ મળી રહેશે. આ ફાઇલને ડાઉનલોડ કર્યા બાદ એને ઇન્સ્ટૉલ કરવાની રહેશે. આ માટે ફોનના સિક્યૉરિટી ઑપ્શનમાં અનનોન સોર્સ અનેબલ હોવો જરૂરી છે. આ કર્યા બાદ ઍપ ઇન્સ્ટૉલ થઈ જશે અને વૉટ્સઍપની જેમ જ એને પણ રજિસ્ટર કરવાની રહેશે.
શું છે અલગ? | જીબીવૉટ્સઍપમાં એવાં ઘણાં ફીચર્સ છે જે વૉટ્સઍપમાં નથી. ખાસ કરીને પ્રાઇવસીને લઈને ઘણાં ફીચર્સ ઉપલબ્ધ છે. વૉટ્સઍપમાં લાસ્ટ સીન અને રીડ રિસિપ્ટ બંધ કરી શકાય છે. જોકે જીબીવૉટ્સઍપમાં ઑનલાઇન સ્ટેટસને પણ બંધ કરી શકાય છે. યુઝર્સ ઑનલાઇન હશે તો પણ સામેવાળી વ્યક્તિને એ ઑનલાઇન નહીં દેખાડે. તેઓ મેસેજ પર વાત કરી રહ્યા હશે તો પણ જીબીવૉટ્સઍપ યુઝર્સ ઑનલાઇન છે એવું નહીં દેખાડે. તેમ જ આ ઍપ્લિકેશનમાં ઘણા ફોન્ટ અને થીમનો ઉપયોગ કરી શકાય છે. તેમ જ ઍપ્લિકેશનની સાથે જે-તે ચૅટને પણ લૉક કરી શકાય છે. જીબીવૉટ્સઍપમાં ગ્રુપના નામ માટે વધુ કૅરૅક્ટરનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમ જ સ્ટેટસમાં પણ ૨૫૫ કૅરૅકટરનો ઉપયોગ કરી શકાય છે જે વૉટ્સઍપમાં ફક્ત ૧૩૯ કૅરૅક્ટર છે. વૉટ્સઍપમાં એક સમયે ફક્ત ૩૦ ફોટો એટલે કે ડૉક્યુમેન્ટ્સ મોકલી શકાય છે, પરંતુ જીબીવૉટ્સઍપમાં ૧૦૦ ફાઇલ્સને એક સાથે મોકલી શકાય છે. આ સાથે જ 50 એમબી સુધીની ફાઇલને પણ સેન્ડ કરી શકાય છે. જીબીવૉટ્સઍપનો બીજો ફાયદો એ છે કે અન્ય યુઝર્સ દ્વારા શૅર કરેલા સ્ટેટસને કૉપી અને ડાઉનલોડ પણ કરી શકાય છે. તેમ જ અન્ય વ્યક્તિ ડિસ્પ્લે ફોટો ચેન્જ કરે તો પણ એનું નોટિફિકેશન મોકલવામાં આવે છે. ૨૫૦ની જગ્યાએ ૬૦૦ લોકોને બ્રૉડકાસ્ટ મેસેજ કરી શકાય છે. તેમ જ ગ્રુપમાં પણ બ્રૉડકાસ્ટ કરી શકાય છે.
સેફ છે ખરું? | જીબીવૉટ્સઍપ દ્વારા વૉટ્સઍપના સોર્સ કોડનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ એનાં ફીચર્સ માટે એમાં કેટલીક બાંધછોડ કરવામાં આવી છે. આ જ કારણ છે કે એ ઍપ્લિકેશન પ્લેસ્ટોર પર ઉપલબ્ધ નથી. પ્લેસ્ટોર પર ઍપ્લિકેશન ઉપલબ્ધ કરવા માટે સિક્યૉરિટી અને પ્રાઇવસીનું ધ્યાન રાખવું પડે છે, પરંતુ એ ન હોવાથી એને સર્ટિફિકેટ નથી મળ્યું. જીબીવૉટ્સઍપ પર એન્ડ-ટુ-એન્ડ ઇન્ક્રિપ્શન છે કે નહીં એ એક સવાલ છે. તેમ જ યુઝર્સના દરેક કૉન્ટૅક્ટ એક્સપોઝ થઈ શકે છે એટલે કે એનો જીબીવૉટ્સઍપ દ્વારા પર્સનલ યુઝ માટે અથવા તો માર્કેટિંગ માટે ઉપયોગ કરવામાં આવી શકે છે. તેમ જ ફોટો અને વિડિયો જેવા ડેટા પણ લીક થઈ શકે છે. વૉટ્સઍપની પેરન્ટ કંપની ફેસબુક એટલે કે મેટા દ્વારા ઘણા જીબીયુઝર્સને હંમેશાં માટે વૉટ્સઍપ પરથી બૅન કર્યા છે. વૉટ્સઍપ પર બૅન કરવામાં આવે તો પણ એ યુઝર્સ જીબીવૉટ્સઍપનો ઉપયોગ નથી કરી શકતો. જોકે વૉટ્સઍપમાં જીબીવૉટ્સઍપનાં કેટલાંક ફીચર્સ લાવવાની જરૂર છે એવું ઘણા યુઝર્સની ડિમાન્ડ રહી છે. ખાસ કરીને ઑનલાઇન સ્ટેટસ અન્ય યુઝર્સને ન દેખાય એ માટેનું ફીચર વધુ લોકોને આકર્ષે છે.