૭૫ લાખ રૂપિયાના આ રોલેબલ ટીવીની સ્ક્રીન એટલી પાતળી છે કે સાઇડમાંથી જોઈને માની જ ન શકાય કે આ ટેલિવિઝન સ્ક્રીન છે
મારી પાસે પણ હોય
મર્સિડીઝ કરતાં પણ મોંઘા આ ટીવીમાં એવું તો શું મઢ્યું છે?
છેલ્લા ઘણા દિવસોથી એવી ચર્ચા ચાલી રહી છે કે શાહરુખ ખાનના ઘરમાં ફક્ત ૪૦ લાખ રૂપિયાનાં તો ટીવી છે. શાહરુખે પણ હાલમાં કહ્યું હતું કે તે તેના ઘરની ડિઝાઇન ચેન્જ નથી કરી શકતો, પરંતુ ટેક્નૉલૉજીને લગતી બાબતોમાં તે બહુ રસ લે છે. કયા રૂમમાં કયું ટીવી હોય એ તે પોતે નક્કી કરે છે. શાહરુખ હંમેશાં નવી ટેક્નૉલૉજીમાં વિશ્વાસ રાખે છે અને હવે તેના ઘરના ટીવીની કિંમત લાખની જગ્યાએ કરોડોમાં થઈ જાય તો પણ નવાઈ નહીં. ૦આવું જ એક ટીવી હાલમાં એલજી દ્વારા ઇન્ડિયામાં લૉન્ચ કરવામાં આવ્યું છે. આ ટીવીને તેમના સિગ્નેચર સેગમેન્ટ હેઠળ લૉન્ચ કરવામાં આવ્યું છે. આ ટીવીનું નામ એલજી રોલેબલ OLED TV R આપવામાં આવ્યું છે. આ ટીવીમાં ઘણાં ફીચર્સ છે પરંતુ એની કિંમત મર્સિડીઝ, બીએમડબલ્યુ અને આઉડી જેવી કેટલીક બેઝ લક્ઝુરિયસ કાર કરતાં પણ વધુ એટલે કે ૭૫ લાખ રૂપિયા છે. આ ટીવીને ત્રણ વર્ષ પહેલાં લાસ વેગસમાં થતા કન્ઝ્યુમર ઇલેક્ટ્રૉનિક શોમાં એલજીએ રજૂ કર્યું હતું. જોકે એમાં જરૂરી ફેરફાર કરીને હવે એને લક્ઝુરિયસ લાઇફ જીવતા લોકો માટે લૉન્ચ કરવામાં આવ્યું છે. સામાન્ય માણસ આટલા લાખમાં એક આલિશાન ઘર બનાવી શકે છે.
શું છે રોલેબલ? | આ ટીવીને રોલેબલ નામ આપવામાં આવ્યું છે, કારણ કે એની સ્ક્રીન રોલ થઈ જાય છે. ઘરની બારી પર લગાવેલા પડદા કે પછી કોઈ શૉપનું શટર જરૂર હોય ત્યારે ખોલીને રોલ કરવામાં આવે છે એ જ રીતે આ ટીવીની સ્ક્રીનને પણ રોલ કરી શકાય છે. જરૂર પડ્યે સ્ક્રીન બહાર કાઢવી અને જરૂર ન હોય ત્યારે સ્ક્રીનને અંદર રોલ કરી દેવી. ઘર કોઈ સુંદર વ્યુની સામે હોય અને ત્યાં આ ટીવી મૂકવામાં આવે તો વ્યુનો વ્યુ પણ રહે છે અને જરૂર પડ્યે ટીવી પણ જોઈ શકાય છે. સ્ક્રીન માટે ત્રણ મોડ આપવામાં આવ્યાં છે. ઝીરો વ્યુમાં સ્ક્રીન અંદર રહેશે. લાઇન વ્યુમાં સ્ક્રીન થોડી જ બહાર આવશે અને એમાં જરૂરી અપડેટ મળતી રહેશે. ફુલ વ્યુમાં સ્ક્રીન સંપૂર્ણ રીતે બહાર આવશે અને એક થિયેટર કરતાં પણ લક્ઝુરિયસ અને રિચ એક્સ્પીરિયન્સ મળશે. એની સ્ક્રીન એટલી પાતળી છે કે સાઇડ પરથી જોઈએ તો કહેવું મુશ્કેલ છે કે એ ટીવી છે. આ ટીવીને બેડરૂમ, હૉલ, કિચન, સ્વિમિંગ-પૂલ પાસે કે પછી ટેરેસ પર આકાશની મજા લેતાં જોવું હોય તો પણ ત્યાં મૂકી શકાય છે.
કેટલી વાર રોલ કરી શકાય? | ફોલ્ડેબલ ફોન હોય કે રોલેબલ સ્ક્રીન, એની પણ એક લિમિટ હોય છે. ફોલ્ડેબલ ફોનમાં હંમેશાં એક ફરિયાદ આવતી રહે છે કે સ્ક્રીન પર કરચલી આવી જાય છે અને સમયની સાથે વધુમાં વધુ ફોલ્ડ કરતાં રહેતાં એ બગડી પણ જાય છે. આ રોલેબલ ટીવીની સ્ક્રીનને પચાસ
હજાર વાર રોલ કરવામાં આવે ત્યાં સુધી કંઈ નહીં થાય એવો કંપનીનો દાવો છે. એક દિવસમાં ટીવીને દસ વાર રોલ કરવામાં આવે તો પણ એ લગભગ ૧૩.૬૯ વર્ષ સુધી એની સ્ક્રીનને કંઈ નહીં થાય.
નવી ટેક્નૉલૉજી | આ ટીવીની અલ્ટ્રા-થિન સ્ક્રીનમાં સેલ્ફ-લિટ પિક્સેલ ટેક્નૉલૉજીનો સમાવેશ કરવામાં આવ્યો છે. LEDમાં બૅકલિટ ટેક્નૉલૉજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ટેક્નૉલૉજીમાં પિક્સેલને પાછળથી લાઇટ મળે છે. જોકે આ OLED ટીવીમાં સેલ્ફ-લિટ પિક્સેલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ટેક્નૉલૉજીમાં પિક્સેલ એના વિડિયો અનુસાર પોતે જરૂરિયાત મુજબની લાઇટ આપે છે જેથી ડાર્ક પિક્ચર પણ વધુ સાઇન કરે. આ ટેક્નૉલૉજી વિઝ્યુઅલને એકદમ ઇમ્પ્રેસિવ બનાવે છે. સ્પોર્ટ્સ અને ગેમિંગ માટે પણ આ ટીવી જોરદાર એક્સ્પીરિયન્સ પૂરો પાડી શકે છે.
અન્ય ફીચર્સ | આ રોલેબલ ટીવીમાં પણ 4K રેઝોલ્યુશન, 120Hz રિફ્રેશરેટ, 2.1 HDMI, ડૉલ્બી વિઝન, HDR અને વૉઇસ અસિસ્ટન્ટ જેવાં ઘણાં ફીચર્સ છે. આ રોલેબલ ટીવી એક બૉક્સ જેવું દેખાય છે. એ બૉક્સમાં ડૉલ્બી એટ્મોસ 100 Wના 4.2 ઇંચનાં સ્પીકર્સ આવે છે, જે એક અદ્ભુત સાઉન્ડ એક્સ્પીરિયન્સ આપે છે. આ સાથે જ એમાં ઍમેઝૉન ઍલેક્સા અને ગૂગલ અસિસ્ટન્ટ પણ છે. આ સ્માર્ટ ટીવી યુઝર્સના અવાજને રેકગ્નાઇઝ કરી એના કમાન્ડ પર કાર્ય કરશે. આથી ટીવીને કમાન્ડ આપતાં એ ઑટોમૅટિક કામ કરશે.
અન્ય ટીવી | LG 2022 OLED TVની એક લાઇન અપ લૉન્ચ કરવામાં આવી છે. આ ટીવીની શરૂઆતની કિંમત ૮૮,૯૯૦થી ૭૫ લાખ રૂપિયા સુધીની છે. જોકે આ ટીવી શાહરુખ ખાન અને તેના જેવી સેલિબ્રિટીઝ અને બિઝનેસમેન જ અફૉર્ડ કરી શકે એમ છે. આમ છતાં કંપનીનું માનવું છે કે ૭૫ લાખનું ટીવી ઇન્ડિયામાં સારો બિઝનેસ કરશે.