વધુ વૉટનું ચાર્જર વધુ સારું હોય એ જરૂરી નથી. યુઝર્સે તેમના ઉપયોગ અને જરૂરિયાત મુજબનું ઍડપ્ટર ખરીદવું જોઈએ
ટેક ટૉક
ચાર્જરની પણ કરો સ્માર્ટ ખરીદી
વેહિકલ માટે જે રીતે પેટ્રોલ-ડીઝલના ભાવની સમસ્યા ખૂબ જ મોટી છે એવું જ કંઈક સ્માર્ટફોન માટે બૅટરીનું છે. આજે મોબાઇલમાં ગમેએટલી મોટી કૅપેસિટીની બૅટરી કેમ આપવામાં આવી ન હોય, એ નાની જ પડે છે. આજે ખૂબ જ ઝડપથી ભાગતી દુનિયામાં કોઈની પાસે મોબાઇલ ચાર્જ કરવા મૂકવાનો સમય બહુ ઓછો છે. એટલા માટે જ મોટા ભાગની કંપની ફાસ્ટ ચાર્જિંગ ટેક્નૉલૉજી પર કામ કરી રહી છે. મોટા ભાગની મોબાઇલ કંપનીઓએ હવે હેડફોનની સાથે ચાર્જિંગ ઍડપ્ટર આપવાનું બંધ કરી દીધું છે. હવે માર્કેટમાંથી એની અલગથી ખરીદી કરવી પડે છે. જોકે હવે દરેક કંપની પોતાનાં અલગ ચાર્જર બનાવી રહી છે તો એમાંથી કયું લેવું એના પર એક નજર કરીએ.
ઍપલ | ઍપલ દ્વારા ચાર્જિંગ ઍડપ્ટર ન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે ઘણી હોહા થઈ હતી. જોકે કંપની ટસની મસ નહોતી થઈ અને એણે એ આપવાનું બંધ કરી દીધું. આ માર્કેટિંગ સ્ટ્રૅટેજી હશે કે શું રામ જાણે, પરંતુ હવે ચાર્જર અલગથી વેચે છે. ઍપલ ઘણાં ચાર્જર વેચી રહ્યું છે. એમાં 5W, 12W, 20W, 30Wનો સમાવેશ થાય છે. 5W અને 12W ચાર્જર યુનિવર્સલ યુએસબી ઍડપ્ટર છે જેની કિંમત ૧૯૦૦ રૂપિયા છે. એ દરેક આઇફોન, આઇપૅડ અને આઇવૉચમાં ચાલે છે. જોકે એ ચાર્જ થવા માટે ખૂબ જ સમય લે છે. આજે દરેક કંપની હવે યુએસબી ટાઇપ-સીને યુનિવર્સલ બનાવી રહી છે, જ્યારે યુએસબી પોર્ટવાળું ચાર્જર લેવું યોગ્ય નથી. જો હવે નવું ચાર્જર લેવું હોય તો 20W યુએસબી ટાઇપ-સીની ખરીદી કરવી. આ ઍડપ્ટરની કિંમત પણ ૧૯૦૦ રૂપિયા જ છે. આઇફોન 8 બાદના દરેક મોબાઇલમાં એ સપોર્ટ કરે છે તેમ જ આઇપૅડ, ઍરપૉડ અને આઇવૉચ ચાર્જ કરી શકાય છે. 5W કરતાં ચારગણી સ્પીડ અને 12W કરતાં ડબલ સ્પીડમાં આ ચાર્જર કોઈ પણ ગૅજેટને ચાર્જ કરશે. જોકે યુઝર મેકબુકનો પણ ઉપયોગ કરતો હોય તો તેના માટે 30W ચાર્જર બેસ્ટ ઑપ્શન છે. આ ચાર્જર આઇફોન, આઇપૅડ, આઇવૉચ અને આઇપૉડની સાથે મેકબુક પણ ચાર્જ કરી શકે છે. એક જ ચાર્જરનો ઉપયોગ ઘણાં ડિવાઇસને ચાર્જ કરવા માટે કરી શકાય છે અને એ પણ ખૂબ જ સ્પીડમાં. જોકે એની કિંમત ૪૯૦૦ રૂપિયા છે.
સૅમસંગ | દુનિયામાં આજે આઇઓએસ અને ઍન્ડ્રૉઇડ એમ બે મોબાઇલ ઑપરેટિંગ સિસ્ટમ ખૂબ જ કાર્યરત છે. ઍન્ડ્રૉઇડમાં સૅમસંગનું માર્કેટ ખૂબ જ મોટું છે. સૅમસંગ પણ હવે ધીમે-ધીમે એના મોબાઇલની સાથે ચાર્જિંગ ઍડપ્ટર બંધ કરી રહી છે. એણે હાલમાં જ 45Wનું ચાર્જિંગ ઍડપ્ટર લૉન્ચ કર્યું છે. આ ઍડપ્ટરની ચાર્જિંગ સ્પીડ સારી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જોકે જેટલા વૉટ વધુ એટલું ચાર્જર સારું હોય એ જરૂરી નથી. 45Wનું ચાર્જર સૅમસંગ ગૅલૅક્સી 22 અલ્ટ્રાને ફુલ ચાર્જ કરવા માટે ૬૨ મિનિટનો સમય લે છે, જ્યારે 25Wનું ચાર્જર એ માટે ૬૯ મિનિટનો સમય લે છે. 45Wનું ચાર્જર યુએસબી ટાઇપ-સી પોર્ટ સાથે આવે છે અને એની કિંમત ૨૯૯૯ છે, જ્યારે 25Wમાં પણ યુએસબી ટાઇપ-સી પોર્ટ આવે છે અને એની કિંમત ૧૯૯૯ છે. સાત મિનિટના ચાર્જિંગ ડિફરન્સ માટે એક હજાર રૂપિયા એક્સ્ટ્રા ખર્ચ કરવા વાજબી નથી. આ ચાર્જરનો ઉપયોગ ઍન્ડ્રૉઇડના દરેક મૉડલની સાથે ઍપલમાં પણ કરી શકાય છે. જોકે જે-તે ફોનનું ચાર્જર જે-તે કંપનીનું જ ઉપયોગ કરવું વાજબી રહેશે. ટાઇપ-સી પોર્ટ ન હોય એવા યુઝર્સ ટાઇપ-બી ચાર્જર વાપરે છે જે 10Wનું આવે છે અને એની કિંમત ૮૯૯ રૂપિયા છે.
પોર્ટ્રોનિક્સ | યુએસબી અને ટાઇપ-સીની ઝંઝટમાં ન પડવું હોય તો પોર્ટ્રોનિક્સ ઍડેપ્ટો 22 બેસ્ટ ઑપ્શન છે. આ ચાર્જિંગ ઍડપ્ટરમાં ટાઇપ-સી અને યુએસબી એમ બે પોર્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે જેથી દુનિયાના દરેક મોબાઇલ માટે એનો ઉપયોગ થઈ શકે. એમાં ટાઇપ-એ ક્વીક-ચાર્જિંગ 3.0 અને ટાઇપ-સી 18Wનો સમાવેશ કરવામાં આવ્યો છે. દરેક ઍન્ડ્રૉઇડ, આઇઓએસ કે પછી વિન્ડોઝ ફોન્સ માટે આ ચાર્જરનો ઉપયોગ કરી શકાય છે. આ ચાર્જરની કિંમત ઍમેઝૉન પર હાલમાં ૪૨૫ રૂપિયા છે. એમાં ઍન્ટિ-ઇન્ટરફેરન્સ ચિપ, ઓવર-ટેમ્પરેચર પ્રોટેક્શન ચિપ, ઓવર-કરન્ટ પ્રોટેક્શન ચિપ અને શૉર્ટ સર્કિટ ચિપ પણ છે. મોટા ભાગના ચાર્જરમાં આ સુવિધા હોય છે, પરંતુ આ ચાર્જર એ બધામાં સૌથી સસ્તું છે. રસ્તા પરના ફેરિયા પાસેથી ૧૦૦ રૂપિયામાં ચાર્જર ખરીદવા કરતાં આ ચાર્જર ખરીદવું સો દરજ્જે વધુ યોગ્ય છે.
યુએસબી અને ટાઇપ-સીની ઝંઝટમાં ન પડવું હોય તો પોર્ટ્રોનિક્સ ઍડેપ્ટો 22 બેસ્ટ ઑપ્શન છે.