Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > અચાનક કોઈ કૉલૅપ્સ થઈ જાય ત્યારે શું કરવું?

અચાનક કોઈ કૉલૅપ્સ થઈ જાય ત્યારે શું કરવું?

Published : 06 June, 2022 11:40 AM | IST | Mumbai
Sejal Patel | sejal@mid-day.com

જ્યારે વ્યક્તિ અચાનક જ કાર્ડિઍક અરેસ્ટને કારણે ઢળી પડે અને તેના શ્વાસ-પલ્સ બંધ થઈ ગયા હોય ત્યારે ઇમર્જન્સી સર્વિસ મળે ત્યાં સુધીમાં તમે શું કરી શકો જે દરદી માટે લાઇફ-સેવિંગ બની શકે છે એ શીખી લો

અચાનક કોઈ કૉલૅપ્સ થઈ જાય ત્યારે શું કરવું?

હેલ્થ ઇઝ વેલ્થ

અચાનક કોઈ કૉલૅપ્સ થઈ જાય ત્યારે શું કરવું?


સિંગર કેકેના કેસમાં ઑટોપ્સી કરનાર નિષ્ણાતોનું માનવું હતું કે જો તેને સમયસર સીપીઆર આપવામાં આવ્યું હોત તો કદાચ તેને બચાવી શકાયો હોત. જ્યારે વ્યક્તિ અચાનક જ કાર્ડિઍક અરેસ્ટને કારણે ઢળી પડે અને તેના શ્વાસ-પલ્સ બંધ થઈ ગયા હોય ત્યારે ઇમર્જન્સી સર્વિસ મળે ત્યાં સુધીમાં તમે શું કરી શકો જે દરદી માટે લાઇફ-સેવિંગ બની શકે છે એ શીખી લો


સિંગર કેકેના અચાનક મૃત્યુનું કારણ સમજવા માટે કરવામાં આવેલી ઑટોપ્સીમાં એવું જાણવા મળ્યું હતું કે તેને હાર્ટમાં બે જગ્યાએ બ્લૉકેજિસ હતાં. કૉન્સર્ટ દરમ્યાન તેને અનઈઝીનેસ લાગતી હોવા છતાં તેણે ‘શો મસ્ટ ગો ઑન’ વિચારીને પરાણે ગાવાનું ચાલુ રાખ્યું અને સ્ટેજ પરથી ઊતર્યાની ગણતરીની પળોમાં કાર્ડિઍક અરેસ્ટને કારણે તેનો જીવ ચાલ્યો ગયો. 
હૃદય એ શરીરનું એવું વાઇટલ 
ઑર્ગન છે જે પાંચ સેકન્ડ માટે પણ કામ કરતું બંધ થઈ જાય તો જીવન-મરણનો ખેલ થઈ જાય. ભારતમાં કુલ મૃત્યુનાં દસ ટકાથી વધુ કાર્ડિઍક અરેસ્ટને કારણે થાય છે અને આ કન્ડિશન એવી છે જેમાં તમે દરદીને બચાવવા માટે જરૂર કંઈક કરી શકો છો, પણ એ માટે તમારી પાસે બહુ જ ઓછો સમય હોય છે. જ્યારે પણ દરદી કૉલૅપ્સ થઈને ઢળી પડે, અચાનક જ અથવા તો ખૂબ ઝડપથી હૃદય ધબકતું બંધ થઈ જાય એ કન્ડિશનને કાર્ડિઍક અરેસ્ટ કહે છે. આવી કન્ડિશનમાં સીપીઆર એટલે કે કાર્ડિયોપલ્મનરી રિસસિટેશન નામની પ્રક્રિયાથી હૃદયને ફરીથી ધબકતું કરવાની કોશિશ કરવામાં આવે છે. હૉસ્પિટલોમાં તો આ સારવાર અપાય જ છે પણ એ સિવાય આમ જનતાએ પણ સીપીઆર પ્રક્રિયા વિશે જાણી-સમજી લેવું જોઈએ. ન કરે નારાયણને તમારી આસપાસમાં જ કોઈકને તમારી આ જાણકારીનો ખપ લાગે અને કોઈનો જીવ બચાવવામાં નિમિત્ત બની શકાય તો શું ખોટું છે? 
સીપીઆર શું છે?
સીપીઆર એટલે કે કાર્ડિયોપલ્મનરી રિસસિટેશન. મતલબ કે હૃદય અચાનક જ ધબકવાનું બંધ થઈ ગયું હોય ત્યારે તેને ફરીથી ધબકતું કરવા માટે જે પ્રક્રિયા કરવામાં આવે એ. સીપીઆરની જરૂરિયાત ક્યારે અને કોને પડી શકે છે એ વિશે સમજાવતાં કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલના ઇન્ટરવેન્શનલ અને હાર્ટ ફેલ્યર કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. પ્રવીણ કહાલે કહે છે, ‘કોઈ વ્યક્તિ અચાનક જ અનકૉન્શ્યસ થઈ જાય, તેની પલ્સ બંધ પડી ગઈ હોય કે પછી બ્લડપ્રેશર ૬૦-૭૦ કે એથીયે ઓછું થઈ ગયું હોય, શરીર ઠંડું પડી ગયું હોય, શ્વાસ પણ ચાલતા ન હોય એવું જણાય ત્યારે હૃદય પર પ્રેશર આપીને તરત જ રિવાઇવ કરવા માટે સીપીઆર આપવું જોઈએ.’
રિવાઇવલના ચાન્સિસ કેટલા?
અનેક કેસો એવા જોવા મળ્યા છે કે સમયસર સીપીઆર મળવાથી દરદીનો જીવ બચી જાય છે અને એ માટે દરદી હૉસ્પિટલ પહોંચે ત્યાં સુધી ઍમ્બ્યુલન્સ આવે એ પહેલાં કે ઍમ્બ્યુલન્સની અંદર જ પ્રાઇમરી ધોરણે આ પ્રક્રિયા કરી લેવામાં આવી હોય તો વધુ અસરકારક રહે છે. મેડિકલ જર્નલના આંકડાઓ મુજબ જ્યારે હૉસ્પિટલમાં કોઈ વ્યક્તિને હાર્ટ-અટૅક કે અન્ય કોઈ પણ કારણસર કાર્ડિઍક અરેસ્ટ થાય છે ત્યારે દરદીને ફરીથી રિવાઇવ કરવાના ચાન્સિસ ખૂબ ઊજળા હોય છે, પણ જ્યારે વ્યક્તિને નૉર્મલ કન્ડિશનમાં અચાનક જ કાર્ડિઍક અરેસ્ટ થાય છે ત્યારે સીપીઆરનો ફાયદો જોઈએ એવો નથી મળતો. આનું કારણ સમજાવતાં કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલના ઇન્ટરવેન્શનલ અને હાર્ટ ફેલ્યર કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. પ્રવીણ કહાલે કહે છે, ‘જ્યારે હૉસ્પિટલમાં વ્યક્તિ અન્ડરઑબ્ઝર્વેશન હોય ત્યારે તેની ફિઝિકલ કન્ડિશનનો થોડોઘણો આઇડિયા પહેલેથી હોય જ છે એને કારણે એક સેકન્ડ પણ વેડફ્યા વિના સીપીઆર આપવાનું શક્ય બને છે. બહાર જ્યારે દરદી અચાનક કૉલૅપ્સ થાય છે ત્યારે તેની આસપાસના લોકો કેટલી અલર્ટનેસ દાખવે છે એના પર બહુ મોટો મદાર રહે છે. અલબત્ત, સીપીઆર આપ્યા પછી પણ દરદી રિવાઇવ થશે કે નહીં એ તેની અન્ડરલાઇંગ કન્ડિશન પર નિર્ભર રહે છે. ધારો કે સ્મૉલ આર્ટરીમાં બ્લૉકેજ હોય તો તરત દરદી રિસ્પૉન્ડ કરે, પણ લાર્જ આર્ટરીમાં બ્લૉકેજ હોય તો એની અસરકારકતા ઓછી હોય. આવા સંજોગોમાં સીપીઆરથી દરદી રિવાઇવ થયા પછી તરત જ જે આર્ટરીમાં બ્લૉકેજ હતું એની ઍન્જિયોપ્લાસ્ટી કરી લેવામાં આવે તો ઇમિડિયેટલી ફરી કાર્ડિઍક અરેસ્ટ થવાની સંભાવના ઘટાડી શકાય.’
સીપીઆર કિટ હાથવગી 
હવે ઘણી ફાઇવ-સ્ટાર હોટેલો, ઍરપોર્ટ અને જ્યાં વધુ લોકો ભેગા થતા હોય એવાં જાહેર સ્થળોએ સીપીઆર કિટ રાખવામાં આવે છે એમ જણાવતાં ડૉ. પ્રવીણ કહાલે કહે છે, ‘આપણે ત્યાં હજી મૅન્ડેટરી નથી, પરંતુ હવે ઘણી જગ્યાઓએ સીપીઆર કિટ રાખવામાં આવે છે. કેટલીક કૉર્પોરેટ કંપનીઓ કે જ્યાં ૧૦૦-૨૦૦થી વધુ કર્મચારીઓ કામ કરતા હોય ત્યાં પણ આવી કિટ હવે તો રખાય છે. જ્યારે પણ જાહેર જગ્યાએ કોઈ કૉલૅપ્સ થાય તો તરત જ ઍમ્બ્યુલન્સને બોલાવવાની સાથે સ્થાનિક લેવલે આવી કિટ હાથવગી છે કે નહીં એની પૃચ્છા કરીને ઉપયોગ કરવો જોઈએ. આ કિટમાં શૉક આપીને હૃદયની પલ્સ ફરી ચાલતી કરી શકાય એ માટેનું ડીફ્રિબિલેટર પણ હોય છે. એનાથી હૃદય ફરીથી ધબકતું થવાના ચાન્સિસ વધે છે.’
બહુ મોડું ન થાય એ જરૂરી 
સીપીઆર આપવામાં જેટલું જલદી કરવામાં આવે એ કેમ જરૂરી છે એનું કારણ જણાવતાં ડૉ. પ્રવીણ કહે છે, ‘જ્યારે હૃદય બંધ થઈ ગયું છે ત્યારે એને કારણે શરીરમાં લોહીનું ભ્રમણ પણ અટકી જાય છે. ખાસ કરીને વાઇટલ ઑર્ગન ગણાતા બ્રેઇનને લોહી મળતું અટકે છે. મગજ એવો અવયવ છે કે જો એને થોડીક મિનિટો માટે પણ ઑક્સિજનેટેડ લોહી ન મળે તો એ ડૅમેજ થાય છે. એને કારણે ઘણી વાર અડધો-એક કલાક બાદ સીપીઆરથી રિવાઇવ થયેલા દરદીઓમાં કાયમી બ્રેઇન ડૅમેજ રહી જાય છે. ટૂંકમાં સીપીઆરથી દરદીનો જીવ બચાવવામાં પણ તમારે બને એટલી ત્વરા જરૂરી છે. બીજું બહુ જ મહત્ત્વનું એ છે કે કાર્ડિઍક અરેસ્ટમાંથી રિવાઇવ થયેલા દરદીની અન્ડરલાઇંગ કન્ડિશનનું તરત જ નિદાન કરીને એનું નિવારણ લાવવું પણ બહુ જ જરૂરી છે, નહીંતર થોડા જ સમયમાં ફરીથી આવેલા હૃદયના હુમલાને ખમવાનું દરદીના શરીર માટે વધુ કપરું હોય છે.’



 કાર્ડિઍક અરેસ્ટમાંથી રિવાઇવ થયેલા દરદીની અન્ડરલાઇંગ કન્ડિશનનું તરત જ નિદાન કરીને એનું નિવારણ લાવવું પણ બહુ જ જરૂરી છે, નહીંતર થોડા જ સમયમાં ફરીથી આવેલા હૃદયના હુમલાને ખમવાનું દરદીના શરીર માટે વધુ કપરું બની જતું હોય છે. - ડૉ. પ્રવીણ કહાલે, કાર્ડિયોલૉજિસ્ટ, કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલ


કેવી રીતે આપવું?
ચેસ્ટ કૉમ્પ્રેશનઃ દરદીને પીઠ પર સીધા સુવડાવીને ડાબી બાજુના ચેસ્ટ બોન પાસે ૧૦૦ પ્રતિ મિનિટની ગતિએ ૩૦ વાર દબાણ આપો. લગભગ બે ઇંચ જેટલો એ ભાગ નીચો થવો જોઈએ. 
રેસ્ક્યુ બ્રેધઃ એ પછી દરદીની દાઢીથી માથું પાછળ તરફ ઢાળીને એક હાથે એનું નાક બંધ કરવું અને મોં આખું ખોલીને મોંથી બે વાર શ્વાસ ભરવો. 
આ બન્ને સ્ટેપ્સ ત્રણ-ચાર વાર રિપીટ કર્યા કરવાં. 


Whatsapp-channel Whatsapp-channel

06 June, 2022 11:40 AM IST | Mumbai | Sejal Patel

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK