લાંબા સમય સુધી ગરમીમાં રહેવાથી અને તે દરમિયાન પૂરતું પાણી ન પીવાથી ડિહાઇડ્રેશનની સમસ્યા થાય છે
Health Tips
પ્રતીકાત્મક તસવીર
ઉનાળામાં તમે બધાએ અનુભવ્યું જ હશે કે તમને ખૂબ તરસ લાગે છે પરંતુ પાણી પીધા પછી પણ આ તરસ છીપાતી નથી. હકીકતમાં આવું શરીરમાં પાણીની ઉણપ (Dehydration)ને કારણે થાય છે. ડિહાઈડ્રેશન ઉનાળામાં થતો સામાન્ય રોગ છે જે ઉનાળાના દિવસોમાં થાય છે. આપણા શરીરમાં લગભગ ૭૦ ટકા પાણી હોય છે. ઉનાળાની ઋતુમાં ઓછું પાણી પીવાથી અને પરસેવો થવાથી શરીરમાં પાણી અને મીઠાનું સંતુલન બગડી જાય છે પછી અનેક સમસ્યાઓ ઉભી થાય છે. જેમાં ડિહાઈડ્રેશનનો ભોગ લોકો વારંવાર બનતા હોય છે.
આપણા શરીરમાં રહેલા કોષોને યોગ્ય રીતે કામ કરવા માટે ઓક્સિજનની જરૂર હોય છે અને આ ઓક્સિજન તેમને પાણીમાંથી જ મળે છે. આવી સ્થિતિમાં જો શરીરમાં પાણીની ઉણપ હોય તો ઓક્સિજનના પ્રમાણ પર ખરાબ અસર પડે છે અને શારીરિક સ્વાસ્થ્ય બગડવા લાગે છે. જો તમે યોગ્ય સમયે ડિહાઈડ્રેશનની સારવાર ન કરો તો ભવિષ્યમાં સમસ્યાઓ વધી શકે છે.
ADVERTISEMENT
ડિહાઈડ્રેશનના કારણો :
શરીરમાં પાણીની ઉણપ ઘણા કારણોસર હોઈ શકે છે. સામાન્ય રીતે, લાંબા સમય સુધી ગરમીમાં રહેવાથી અને તે દરમિયાન પૂરતું પાણી ન પીવાથી ડિહાઇડ્રેશનની સમસ્યા થાય છે. આ સિવાય લાંબા સમય સુધી વ્યાયામ કરવાને કારણે, વારંવાર પેશાબ થવાથી, વધુ તાવ આવવાને કારણે, ઘણી વખત ઝાડા અને અન્ય કેટલીક બીમારીઓને કારણે પણ શરીરમાં પાણીની અછત સર્જાય છે. પછી વ્યક્તિ ડિહાઇડ્રેશનનો ભોગ બને છે.
ડિહાઈડ્રેશનના લક્ષણો :
ડિહાઈડ્રેશનને કારણે વ્યક્તિને ઘણી તરસ લાગે છે અને પાણી પીધા પછી પણ આ તરસ છીપાતી નથી. આ સિવાય લો બ્લડ પ્રેશર, શ્વાસ ઝડપી થવા, હોઠ અને જીભ સૂકાઇ જવા, પેશાબ ઓછો થવો, કબજિયાત રહેવી, સ્નાયુઓમાં ખેંચાણ અને દુખાવો, તીવ્ર થાક લાગવો એ ડિહાઇડ્રેશનના મુખ્ય લક્ષણો છે. ડિહાઇડ્રેશનને કારણે કેટલાક લોકોને માથાનો ગંભીર દુખાવો પણ થતો હોય છે. એટલા માટે જો તમને ઉનાળાના દિવસોમાં ક્યારેય માથાનો દુખાવો થતો હોય તો તેને અવગણશો નહીં.
બાળકોમાં ડિહાઈડ્રેશનના લક્ષણોની વાત કરીએ તો આના કારણે બાળકોના હોઠ સુકાવા લાગે છે અને તેઓ ઘણા કલાકો સુધી પેશાબ કરતા નથી. ઉલ્ટી કે અતિસારને કારણે શરીરમાં પોટેશિયમ, સોડિયમ જેવા મહત્વના મિનરલ્સનું પ્રમાણ ખૂબ જ ઘટી જાય છે.
ડિહાઇડ્રેશનથી બચવાના ઘરગથ્થુ ઉપાય :
જો શરીરમાં પાણીની ઉણપ હોય તો તમે કેટલાક ઘરગથ્થુ ઉપાય અપનાવીને ડિહાઇડ્રેશનની સમસ્યામાંથી રાહત મેળવી શકો છો.
- પાણીનું સેવન વધુમાં વધુ કરો. દિવસમાં ઓછામાં ઓછું આઠથી દસ ગ્લાસ પાણી પીવો.
- લીંબુ પાણી, નારિયેળ પાણી, શિકંજી અથવા અન્ય પૌષ્ટિક પીણાંનું સેવન કરો.
- જે ફળોમાં પાણી હોય તેવા ફળોનું સેવન કરો. કેળા, તરબૂચ, ટેટી, કાકડી, પપૈયું, નારંગી વગેરે ફળો રોજ ખાઓ. ફણ એક બાબતનું ધ્યાન રાખજો કે, કાપેલા ફળ ન ખાવા. કારણ કે તે ચેપનું જોખમ વધારે છે.
- ઉનાળામાં દરરોજ ઓછામાં ઓછું એક વાટકી દહીં અથવા એક ગ્લાસ છાશનું સેવન કરો. દહીં શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને દહીંના સેવનથી શરીરમાં પાણીની કમી પણ નથી થતી.
- વ્યાયામ અથવા જીમ દરમિયાન શરીરમાંથી ઘણો પરસેવો નીકળે છે, જેના કારણે શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સની ઉણપ સર્જાય છે. તેની ભરપાઈ કરવા માટે કસરત કર્યા પછી તરત જ તાજા ફળોનો રસ પીવો.
- ઘરમાં જ ઓઆરએસ બનાવીને દિવસમાં ત્રણથી ચાર વાર પીવો. ડિહાઇડ્રેશનથી રાહત મેળવવા માટે આ એક સૌથી અસરકારક ઘરગથ્થુ ઉપાય છે.
પણ હા, એટલું યાદ રાખજો કે જો પરિસ્થિતિ ખૂબ જ ગંભીર હોય તો આ ઘરગથ્થુ ઉપચારો રાહત નહીં આપે. આવી પરિસ્થિતિમાં ડૉક્ટરનો તાત્કાલિક સંપર્ક જરુરી છે.
ડૉક્ટર શું કહે છે :
ડિહાઇડ્રેશન કેટલું ઘાતક સાબિત થઇ શકે છે તે વિશે વાત કરે છે ૪૫ વર્ષથી પ્રેક્ટિસ કરતા ફૅમેલી ફિઝિશ્યન ડૉક્ટર સંજય ત્રિવેદી. ડૉ. ત્રિવેદીએ જણાવે છે કે, “આપણે સહુ ડિહાઇડ્રેશનની સમસ્યા બહુ જ હળવાશથી લઈએ છીએ અથવા તો નજરઅંદાજ કરીએ છીએ. પરંતુ એમ કરવાની જરુર નથી. કે;લિક પરિસ્થિતિમાં ડિહાઇડ્રેશન ઘાતકી સાબિત થઈ શકે છે. વ્યક્તિ વારંવાર ડિહાઇડ્રેટ થાય તેને કારણે શરીરમાંથી સોડિયમ, પોટેશિયમ, કૅલ્શિયમ, ક્લૉરાઇડ વગેરે ઓછું થઈ જાય છે. જેની અસર પછીથી શરીરના વાયટલ ઓર્ગન હૃદય, ફેફસાં, કિડની અને યકૃત પર થાય છે.”
ગરમીની ઋતુમાં બાળકો અને સિનિયર સિટિઝને કાળજી રાખવાની ખુબ જરુર છે તેમ જણાવતા ડૉ. ત્રિવેદીએ કહ્યું કે, “વધતી ઉંમરે પાણીની તરસ ઓછી થઈ જાય છે. પરંતુ આ સમયે સિનિયર સિટિઝને સતત પાણી પીતા રહેવું જોઈએ. તરસ લાગે કે ન લાગે પાણી પીતા જ રહેવું જોઈએ. તેમજ પ્રવાહીનું સેવન સમયાંતરે કરવું જોઈએ. જેથી તેઓ ડિહાઇડ્રેટ ન થાય. જો સિનિયર સિટિઝન ડિહાઇડ્રેટશનની સમસ્યાનો વારંવાર ભોગ બને તો તેમને પૅરાલિસિસ, હાર્ટ અટૅક, લોહી જાડું થવું, પગની નસ બ્લૉક થવી વગેરે મુશ્કેલીઓ થવાની સંભાવના રહે છે.”
બાળકોએ શું ધ્યાન રાખવું તે વિશે ડૉ. ત્રિવેદીએ કહ્યું કે, “બાળકોને સખત ગરમી-ઠંડી વાળા વાતાવરણમાં લઈ જવાનું ટાળવું જોઈએ. બાળકો પાણીની તરસ વિશે જલ્દી ન બોલે તો પણ તેમને પાણી પીવડાવતા રહેવું. નાળિયેર પાણી અને જ્યુસ પીવડાવતા રહેવું જેથી શરીરમાં પાણીની ઉણપ ન થાય.”
તેમજ દરરોજ સુતા પહેલા અને સવારે ઉઠીને એક ગ્લાસ પાણી પીવાની સલાહ ડૉક્ટર સંજય ત્રિવેદીએ આપી છે.