ગિરગામવાળા ગેટની પાસે ઊભા રહેતા ગોલ્ડન ભેલપૂરી હાઉસની ગોલ્ડન ભેળનો સ્વાદ અદ્ભુત છે અને એની સાથે જોડાયેલી યાદો પણ અનન્ય છે
એક સમયે ગોલ્ડન ભેળ ખાવા માટે ખૂબ ભૂખ હતી પણ ખિસ્સાં ખાલી હતાં અને આજે...
આમ તો આપણી ફૂડ ડ્રાઇવ ગયા વીકની સાથે કનેક્ટેડ જ છે પણ એમ છતાં સેપરેટ છે. સમજાવું કઈ રીતે?
લાસ્ટ વીકમાં જે પોંગલ એક્સપ્રેસના સાઉથ ઇન્ડિયન ફૂડની વાત કરી એ જ પોંગલ એક્સપ્રેસથી હું આગળ વધ્યો અને આજની આ ફૂડ ડ્રાઇવનું એમાંથી સર્જન થયું. બન્યું એમાં એવું કે પોંગલ એક્સપ્રેસમાં મસ્ત મજાનું સાઉથ ઇન્ડિયન ખાધા પછી પણ મારી અંદરનો બકાસુર તૃપ્ત નહોતો થયો. આવું શું કામ બન્યું એનું કારણ કહું. મૂળ હું ટાઉનનો જીવ, પ્રૉપર મુંબઈના ડી અને સી વૉર્ડમાં આવું એટલે ત્યાંની બધી આઇટમ મને ખાવા જોઈએ, જો એ ખાઉં નહીં તો મને પેટમાં દુખે અને ખાધા વિના પેટમાં દુખે એના કરતાં ખાઈને પેટનો દુખાવો સહન કરવો સારો.
પોંગલ એક્સપ્રેસથી મારી ગાડી તો પહોંચી ગિરગામના સિક્કાનગરમાં. સિક્કાનગર બહુ જૂની સોસાયટી છે. આ સિક્કાનગરમાં બીજા ગેટની બહાર નીકળીએ એ પહેલાં જમણી બાજુએ ગોલ્ડન ભેલપૂરી હાઉસ છે. રસ્તા પર જ ઊભો રહે છે આ ગોલ્ડનવાળો ભાઈ. મારી ધારણા છે કે આ ગોલ્ડન ભેળ મારા જન્મ પહેલાંથી અહીં છે. એનો આસ્વાદ મેં અસંખ્ય વાર કર્યો છે. મજાની વાત એ છે કે એની ક્વૉલિટીમાં આજ સુધીમાં કોઈ ફરક નથી આવ્યો. આ ગોલ્ડન ભેળની તમને ખાસિયત કહું.
એ મમરાની ભેળ નહીં પણ ચેવડાની ભેળ છે. આપણો જે પૌંઆનો ચેવડો છે એ એમાં વાપરવામાં આવે છે. પૌંઆ પણ પેલા ખરબચડા પૌંઆ, જાડા કે નાયલૉન પૌંઆ નહીં. ગોલ્ડન ભેળવાળો આ જે માણસ છે એ રાજસ્થાની છે. એને ત્યાં બધા મસાલા રાજસ્થાનથી જ આવે છે. ગોલ્ડન ભેળની બીજી ખાસિયત કહું તમને. એમાં મીઠી ચટણી પડતી નથી. હા, તમે કહો તો તમને નાખી આપે પણ એ ન નખાવો તો ખાવાની વધારે મજા આવે છે, કારણ કે એમાં પડતી પેલી પીળી ચટણીની મજા કંઈક જુદી છે.
પૌંઆનો ચેવડો, કાંદા અને બટાટા અને કહ્યું એમ, પેલી યલો ચટણી. આ સિવાય પણ અહીં જૈન ભેળ, સૂકી ભેળ, મીઠી ચટણીવાળી ભેળ એમ ભેળમાં પણ અનેક વરાઇટી મળે છે પણ એ બધામાં ગોલ્ડન ભેળ શિરમોર છે. ગોલ્ડન ભેળ સાથે મારી તો નાનપણની પણ ઘણી યાદો જોડાયેલી છે. અત્યારે ચાલીસ રૂપિયામાં મળતી આ ગોલ્ડન ભેળ એક રૂપિયામાં મળતી ત્યારથી હું ખાતો આવ્યો છું. એ સમયનો એક રૂપિયો આજના ચાલીસ રૂપિયા જેવડો થઈ ગયો પણ ગોલ્ડન ભેળનો આસ્વાદ ડિટ્ટો એ જ જે નાનપણમાં આવતો હતો. ગોલ્ડન ભેળની બીજી પણ એક ખાસિયત કહું. હું એ ખાતો હોઉં ત્યારે મારા મનમાં એક ગીત ગુંજતું હોય.
નન્હે મુન્ને બચ્ચે તેરી
મુઠ્ઠી મેં ક્યા હૈ,
મુઠ્ઠી મેં હૈ તકદીર હમારી...
કિસ્મતના ખેલ છે સાહેબ. એક સમય હતો ગોલ્ડન ભેળ ખાવા માટે ખૂબ ભૂખ હતી પણ ખિસ્સાં ખાલી હતાં અને આજે, આજે પૉકેટ ભરેલું છે પણ ભૂખ...
જીવનમાં અફસોસ ન કરવો હોય તો એક વખત ગોલ્ડન ભેળ ખાઈ આવજો સાહેબ, પછી બહુ અફસોસ થશે.

