Gujarati Mid-day
° °

ઇ-પેપર

ઇ-પેપર

Gujarati Mid-day
ઇ-પેપર

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > હું, જગેશ અને ગિરગામનું પ્રકાશ દુગ્ધાલય

હું, જગેશ અને ગિરગામનું પ્રકાશ દુગ્ધાલય

Published : 02 June, 2022 02:25 PM | IST | Mumbai
Sanjay Goradia | sangofeedback@mid-day.com

સરસ અને સ્વાદિષ્ટ ખાવાનું મળે તો મારા ચહેરા પર ચમક આવી જાય પણ પહેલી વાર એવું બન્યું કે પ્રકાશ દુગ્ધાલયની સ્વાદિષ્ટ વરાઇટી ખાતી વખતે મારી આંખમાં આંસુ હતાં

સંજય ગોરડિયા

ફૂડ ડ્રાઇવ

સંજય ગોરડિયા


ગયા ગુરુવારે આપણે ગોલ્ડન ભેળનો આસ્વાદ માણ્યો હતો. બહાર નીકળ્યો. પ્રકાશ દુગ્ધાલય રેસ્ટોરન્ટ જોઈ પણ હવે અંદરનો બકાસુર તૃપ્તાસુર થઈ ગયો હતો, મન ભરાઈ ગયું હતું પણ હૃદય નહોતું ભરાયું. થયું કે બને એટલી જલદી પ્રકાશ દુગ્ધાલયની મુલાકાત લેવી અને સંયોગો ઊભા પણ થઈ ગયા. બન્યું એવું કે મારે પારિવારિક કામસર ખેતવાડી જવાનું થયું અને મેં તમને કહ્યું છે, મુંબઈના સી અને ડી વૉર્ડમાં જવાનું બને એટલે હું થોડો ઇમોશનલ હોઉં જ હોઉં. મારા માટે એ આખી જર્ની નૉસ્ટાલ્જિક હોય છે.


ખેતવાડીમાં મારું કામ પતાવીને હું ગિરગામ તરફ આગળ વધ્યો અને પહોંચ્યો પ્રકાશ દુગ્ધાલયમાં. આ પ્રકાશ દુગ્ધાલય મારા જન્મ પહેલાંની છે અને ત્યાં ગયો એટલે ખબર પણ પડી કે આ એનું પંચોતેરમું વર્ષ ચાલે છે.



પ્રકાશની એક બ્રાન્ચ દાદરમાં સેનાભવનની સામે છે એ સહેજ તમારી જાણ ખાતર. પ્રકાશમાં સાબુદાણા વડાં અને એની સાથે જે ચટણી આપે છે એ અદ્ભુત હોય છે. આવી ચટણી મેં બીજે ક્યાંય નથી ખાધી એ એક વાત અને બીજી વાત, એના જેવી ચટણી બનાવવાની અઢળક કોશિશ મેં ઘરે કરી છે પણ ક્યારેય મારાથી બની નથી. લીલાં મરચાં, સિંગનો અધકચરો ભૂકો, નાળિયેરનું દૂધ અને બીજી આઇટમ નાખીને બનાવવામાં આવતી એ ચટણીને લીધે સાબુદાણાનાં વડાંને ચાર ચાંદ લાગી જાય છે.


હથેળી આખી ભરાઈ જાય એવડી સાઇઝનું વડું, નાના હતા ત્યારે તો એક વડું માંડ ખાઈ શકાતું. સાબુદાણા વડામાં બટાટા એકદમ મૅશ કરી નાખવામાં આવે અને એમાં સાબુદાણા ઉમેર્યા હોય તો અંદર સિંગદાણાના ટુકડા પણ હોય. ગરમાગરમ સાબુદાણાનાં વડાં અને મારી ફેવરિટ ચટણી. જલસો જ જલસો.

પ્રકાશનું પીયૂષ પણ બહુ સરસ આવે છે. મરાઠીઓ અને લાંબા સમયથી મુંબઈમાં રહેતા ગુજરાતીઓને તો પીયૂષની ખબર જ હોય પણ જેને ન ખબર હોય એને કહેવાનું કે પીયૂષ એટલે શ્રીખંડનું લિક્વિડ સ્વરૂપ. મીઠા દહીંમાં જાયફળ, એલચી નાખ્યાં હોય. જાયફળનો જેને સ્વાદ ભાવતો હોય એને પીયૂષમાં મજા પડી જાય.


પ્રકાશમાં જ મળતું દહીં મિસળ પણ મને બહુ ભાવે. બીજી જગ્યાએ મળતાં દહીં મિસળ અને પ્રકાશના દહીં મિસળ વચ્ચે ફરક એ કે બીજી જગ્યાએ કોલ્હાપુરી મિસળ હોય છે, જે તીખું હોય છે પણ પ્રકાશમાં પુણેરી મિસળ હોય છે. મિસળના બે પ્રકાર છે, કોલ્હાપુરી અને પુણેરી મિસળ. પુણેરી મિસળમાં મટકી ઉસળ હોય અને એની ઉપર ફરસાણની સાથોસાથ બટાટાની ભાજી પણ હોય. આ પુણેરી મિસળમાં ગળાશ પણ હોય છે એટલે એની તીખાશ આકરી નથી હોતી. પ્રકાશના મિસળનો સ્વાદ અને સાથે મળતું ઠંડું મીઠું દહીં અને એનો લાજવાબ સ્વાદ. એક નંબર. મને લાગે છે કે આ મિસળ સાથે મારું નાનપણ જોડાયેલું હોવાથી પણ મારાં ઇમોશન્સ થોડાં વધારે છે. જોકે આ વખતે એ ઇમોશન્સ ઘૂઘવાતા દરિયા જેવા ઊછળતાં હતાં. આ પહેલી ફૂડ ડ્રાઇવ છે જે કરતાં-કરતાં મારી આંખમાં આંસુ આવ્યાં અને એનું કારણ હતું મારો દોસ્ત જગેશ મુકાતી.

જગેશ મારા ઘરની બાજુમાં જ રહેતો. નાનપણથી અમે ભાઈબંધો. જગેશને પ્રકાશ દુગ્ધાલયની બટેટા પૂરી બહુ ભાવતી. નાનો હતો ત્યારે એ બટેટા પૂરી માટે રીતસર જીદ કરતો. એ જીદ કરે એટલે એની મમ્મી એને કહે કે પરીક્ષામાં તને એંસી ટકાથી વધારે માર્ક્સ આવશે તો તને હું બટેટા પૂરી ખાવા લઈ જઈશ. આવું પ્રૉમિસ કર્યા પછી એની મમ્મીને ટેન્શન એ વાતનું રહેતું કે રિઝલ્ટ બુધવારે ન આવે તો સારું, કારણ કે બુધવારે પ્રકાશ દુગ્ધાલય બંધ રહેતું. જગેશ ભણવામાં હોશિયાર એટલે એંસી ટકા તો એ રમતાં-રમતાં લઈ આવતો. એક વાર સ્કૂલવાળાઓએ રિઝલ્ટ બુધવારે આપ્યું અને કહ્યું એમ, બુધવારે પ્રકાશ બંધ. જગેશ તો પગ પછાડીને બેસી ગયો ઘરમાં કે મને આજે જ બટેટા પૂરી ખાવી છે ને એ પણ પ્રકાશની જ. ઍનીવેઝ જગેશ, તારાં મમ્મી-પપ્પા જેટલો જ અત્યારે હું તને મિસ કરું છું. જો તું અત્યારે હોત તો મને ખાતરી છે કે એકલા કરેલી મારી દરેક ફૂડ ડ્રાઇવ માટે તું મારી સાથે ઝઘડ્યો હોત. જગેશ માટે, અમારા નાનપણની સ્ટ્રગલ માટે અને સ્વાદ માટે એક વાર પ્રકાશ દુગ્ધાલયમાં જઈને આ બધી વરાઇટી ટેસ્ટ કરજો. તમને ભાવશે.

Whatsapp-channel Whatsapp-channel

02 June, 2022 02:25 PM IST | Mumbai | Sanjay Goradia

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK