આજે વાંચો આ ત્રણ રેસિપી
પ્રતીકાત્મક તસવીર
બોબા મિલ્ક ટી
ADVERTISEMENT
નિયતિ રાજેન્દ્ર ઓઝા, ભાઈંદર-વેસ્ટ
સામગ્રી : બોબા પલ્સ બનાવવા માટે સાબુદાણાનો લોટ ૧૫૦ ગ્રામ, બ્રાઉન શુગર ૪૦ ગ્રામ, ગરમ પાણી ૬૦ મિલી., ફૂડ કલર બે ટીપાં (બ્લૅક, બ્રાઉન, પર્પલમાંથી કોઈ પણ એક કલર તમારી ચૉઇસનો લેવો)
રીત : એક બાઉલમાં સાબુદાણાનો લોટ, શુગર, કલર અને ગરમ પાણી ઉમેરીને લોટ બાંધવો (લોટ મીડિયમ નરમ રાખવો - પરોઠા જેવો). હવે લોટમાંથી નાની-નાની ગોળી બનાવો (જીરાગોળી જેવી). એક કડાઈમાં પાણી ગરમ કરવા મૂકો. પાણી ઊકળી જાય એટલે સાબુદાણાની ગોળી ઊકળતા પાણીમાં નાખો. ૩થી ૪ મિનિટ રાખો (ગોળી એની જાતે જ ઉપર આવી જશે). ગૅસ બંધ કરીને ચાળણીમાં નાખો જેથી પાણી નીતરી જાય. હવે આ બાફેલી ગોળીને સાઇડ પર રાખો.
બ્રાઉન શુગર સીરપ : બ્રાઉન શુગર ૭૫ ગ્રામ, પાણી ૭૫ ગ્રામ. બ્રાઉન શુગર અને પાણી મિક્સ કરીને ગૅસ પર ઊકળવા મૂકો. સાકર પીગળી જાય પછી બોબા પલ્સ (ગોળી) સીરપમાં ઉમેરો અને હલાવતા રહો. સીરપ થીક થાય એટલે ગૅસ બંધ કરો.
મિલ્ક ટી : બે કપ પાણી, ૩ ટીબૅગ (બ્લૅક ટી), સાકર જરૂર મુજબ, બે કપ દૂધ. એક તપેલીમાં સાકર, પાણી અને ટીબૅગ નાખીને ઉકાળો. સરખું ઊકળે એટલે દૂધ ઉમેરો. એક કે બે ઊકળા આવે એટલે ગૅસ બંધ કરો અને ટીબૅગને કાઢી લો.
સર્વિગ માટે : એક ગ્લાસમાં બરફના ટુકડા નાખો. બોબા પલ્સ નાખો અને તૈયાર કરેલી ચા ઉમેરીને સર્વ કરો. (ફ્લેવર માટે તમે તમારી પસંદગીની ફ્લેવરવાળી ચા ઉમેરી શકો)
મૅન્ગો ક્રશ કોકોનટ શેક
શીતલ ભાવિક પરમાર, વી. પી. રોડ, મુંબઈ
સામગ્રી : ૧ લીલું નારિયેળ મલાઈવાળું, કેરી ૧ નંગ, વૅનિલા આઇસક્રીમ બે સ્કૂપ, મિલ્કમેડ બે સ્પૂન, અમૂલ ક્રીમ ૩ સ્પૂન, પાંચથી સાત નંગ કાજુ, પાંચથી સાત નંગ બદામ, બે કપ દૂધ, સાકર, બરફ
રીત : સૌપ્રથમ નાળિયેરમાંથી વ્યવસ્થિત રીતે બધી મલાઈ કાઢી લો. એ મલાઈને એક ડિશમાં કાઢીને સાઇડ પર મૂકી રાખો. કેરીને ધોઈને એના ટુકડા કરી લો. હવે મિક્સર જારમાં નાળિયેરની મલાઈ, કેરીના ટુકડા, કાજુ, બદામ સાથે થોડું દૂધ ઉમેરી પહેલા બે રાઉન્ડ ફેરવી થોડું ક્રશ કરી લો. હવે એમાં વૅનિલા આઇસક્રીમ, અમૂલ ક્રીમ, બરફ, સાકર નાખીને વ્યવસ્થિત પીસી લો. સાવ એકરસ થઈ જાય એટલે એમાં ફરી થોડું અમૂલ ક્રીમ નાખીને સ્મૂધી જેવું ઘટ બનાવો. એકદમ સ્મૂધ થઈ જાય એટલે આ મિશ્રણને જે નાળિયેરમાંથી મલાઈ કાઢેલી એ નાળિયેરમાં નાખી દો. એના ઉપર ગાર્નિશ માટે એક સ્કૂપ આઇસક્રીમ, કેરીના ટુકડા, કાજુ, બદામ અને મિલ્કમેડ નાખીને પીરસો.
મિરૅકલ ઑફ મસ્કમેલન
રીટા ધર્મેન્દ્ર શાહ, ગ્રાન્ટ રોડ-ઈસ્ટ
સામગ્રી : સક્કરટેટીનો બિયાંવાળો ભાગ ૧ ટેબલસ્પૂન, ૧ ટેબલસ્પૂન મિલ્ક પાઉડર, બે ટેબલસ્પૂન દૂધની મલાઈ, ૧ ટેબલસ્પૂન ખડી સાકરનો ભૂકો, ૧ ટીસ્પૂન તકમરિયાં.
રીત ; સક્કરટેટીને વચમાંથી કાપી એનાં બિયાંવાળો ભાગ કાઢીને વાસણમાં લેવો. એમાં મિલ્ક પાઉડર, દૂધની મલાઈ, ખડી સાકરનો ભૂકો અને ૧ ગ્લાસ પાણી નાખીને ચર્ન કરી લેવું અને ગાળી લેવું.
સર્વિંગ : ગ્લાસની કિનારીને સાકરવાળા પાણીમાં ડીપ કરવી. એક ડિશમાં સંચળ મીઠું લઈ ગ્લાસની કિનારીને એમાં ફેરવી લેવી. ગ્લાસમાં બરફના ટુકડા નાખી તૈયાર થયેલો મિલ્કશેક રેડવો. તકમરિયાં નાખીને સર્વ કરવું.