આજે વાંચો આ ત્રણ રેસિપી
પ્રતીકાત્મક તસવીર
હેલ્ધી વીટ ઍન્ડ ઑર્ગેનિક જેગરી કુકીઝ
ADVERTISEMENT
પલક વિજય ગાલા - વિક્રોલી-ઈસ્ટ
સામગ્રી : ૬૦ મિલી દૂધ (ઉકાળેલું), ૧૫ ગ્રામ ઘી, ૧૫૦ ગ્રામ ગોળ, ૧૫૦ ગ્રામ ઘઉંનો લોટ, ૪૫ ગ્રામ રવો, ૨૯ ગ્રામ નારિયેળ પાઉડર, ૨૦ ગ્રામ નારિયેળનું સૂકું ખમણ, અડધી ટીસ્પૂન બેકિંગ પાઉડર, ૨૦ ગ્રામ બદામની કતરણ, ચપટીક એલચી પાઉડર
ડેકોરેશન માટે : ચૉકલેટ ચૉકો ચિપ્સ
રીત : સૌપ્રથમ એક પૅનમાં દૂધ, ઘી, ગોળ ઉમેરી સ્લો ગૅસ પર દૂધને ઉકાળ્યા વગર ગોળ પીગળે ત્યાં સુધી ગરમ કરો. બીજા એક બાઉલમાં ઘઉંના લોટ અને બેકિંગ પાઉડરને ચાળી લો. આ ચાળેલા લોટમાં રવો, નારિયેળનો પાઉડર, નારિયેળનું ખમણ, એલચી પાઉડર અને બદામની કતરણ ઉમેરો. હવે મેલ્ટ થયેલા ગોળવાળા દૂધને ઠંડું કરીને આ ડ્રાય સામગ્રી ઉમેરી નરમ લોટ તૈયાર કરો. આ લોટમાંથી ૩૦થી ૩૫ નાના લૂઆ કરી એને કુકીઝનો શેપ આપી એના પર ચૉકલેટ ચૉકો ચિપ્સ લગાવી અવનમાં ૧૧૦ ડિગ્રી સેલ્સિયસ પર ૧૦થી ૧૫ મિનિટ બેક કરો.
વધેલી રોટલીનાં ઢોકળાં
પ્રેમલતા જગતકુમાર શાહ - કાંદિવલી-વેસ્ટ
સામગ્રી : ૪ રોટલી, ૧ વાટકી છાશ, ૧ વાટકી રવો, ઇનો, મીઠું, લાલ મરચું.
વઘાર માટે : બે ચમચી તેલ, રાઈ, કડી પત્તાં, લીલાં મરચાં.
સજાવટ : ઝીણી સમારેલી કોથમીર
રીત : સૌપ્રથમ રોટલીના ટુકડા કરી છાશમાં પલાળવા. ૧૦થી ૧૫ મિનિટ પલળી ગયા પછી એને મિક્સરમાં ક્રશ કરી લેવા. હવે એમાં રવો નાખી બરાબર પલાળો. જરૂર પડે તો થોડું પાણી નાખી ૧૦ મિનિટ રહેવા દો. ત્યાર બાદ મીઠું તથા ઇનો નાખીને ઇનો પર ૧ ચમચી પાણી નાખી એક જ દિશામાં હલાવવું. ગૅસ પર એક વાસણમાં પાણી ગરમ કરવા મૂકવું અને જે થાળીમાં ઢોકળાં મૂકવાં હોય એ થાળી તેલવાળી કરીને એમાં ખીરું પાથરવું અને એના પર લાલ મરચું છાંટવું. ૧૦ મિનિટમાં ઢોકળાં તૈયાર થાય એટલે થાળી ઉતારી લેવી. ત્યાર બાદ વઘાર માટેના તેલમાં રાઈ ઉમેરી રાઈ તતડે એટલે મરચાં, કડીપત્તાં નાખી આ વઘાર ઢોકળાં પર પાથરી દેવો અને સમારેલી કોથમીરથી એને સજાવવું.
ઘઉંના પોપ પોપ
કિશોર પરિમલ ભટ્ટ - કાલબાદેવી રોડ
સામગ્રી : ૨૦૦ ગ્રામ ઘઉં, ૧ ચમચી બટર, ૧ ચમચી ખારેક પાઉડર, દોઢ લીંબુનો રસ, ચપટીક મરી પાઉડર, ત્રણ નંગ લીલાં મરચાં, કટકો આદું પીસેલું, પ્રમાણસર મીઠું.
ડેકોરેશન માટે : કોથમીર, દાડમના દાણા અને કઢીપત્તાં
બનાવવાની રીત : ઘઉંને ત્રણ-ચાર વાર ધોઈ, ૨૪ કલાક માટે પલાળી રાખો. પછી કુકરમાં બાફી લો. ઠંડા પડે એટલે અધકચરા પીસી લો. ત્યાર બાદ ઉપર જણાવેલી સામગ્રી મિક્સ કરો. લોયામાં બટર નાખી ગૅસ પર મૂકો. બટર ગરમ થાય એટલે બધી સામગ્રી નાખીને પાંચ મિનિટ પકાવા દો. બધી ચીજો બરાબર એકરસ ભળી જાય એટલે પ્લેટમાં કાઢીને એમાં કોથમીર અને દાડમના દાણા વડે ડેકોરેશન કરવું.