આજે વાંચો આ ત્રણ રેસિપી
પ્રતીકાત્મક તસવીર
કોળું લાપસી બાઇટ્સ
ADVERTISEMENT
પૂજા મિહિર ઠક્કર, ઘાટકોપર-વેસ્ટ
સામગ્રી : ૧ વાટકી કોળાનું છીણ, બે ચમચી ઘી, પા ચમચી કાજુની કતરી, અડધી વાટકી ફાડા, અડધી વાટકી ગોળ પાઉડર, અડધી વાટકી કોપરાનું છીણ, પા વાટકી ખસખસ
રીત : સૌપ્રથમ ફાડાને અડધો કલાક પલાળી રાખો. હવે કડાઈમાં ઘી નાખીને કોળાનું છીણ શેકી લો. ત્યાર બાદ એમાં પલાળેલા ફાડા સરખી રીતે શેકી લો. હવે એમાં ગોળ નાખીને સતત હલાવતા રહો અને કોપરાનું છીણ ઉમેરો. હવે આ મિશ્રણ ઠંડું થાય એટલે એની નાની પૅટીસ બનાવીને ખસખસ અને કાજુની કાતરી લગાડીને તવી પર શેકી લો. આપણા ટેસ્ટી બાઇટ્સ તૈયાર છે.
હેલ્ધી વેજ સૅન્ડવિચ કેક
પરેશા જયંત અજાણી, પુણે
સામગ્રી : ૧૨ મોટા સૅન્ડવિચ બ્રેડ, અડધો કપ ઝુકીની, અડધો કપ કોબી, અડધો કપ કાંદા, અડધો કપ કૅપ્સિકમ, અડધો કપ ગાજર, અડધો કપ ફણગાવેલા મગ, બે કપ દહીંનો મસકો, બે ચમચી ઑલિવ ઑઇલ, બે ચમચા શેઝવાન સૉસ, ૧ ચમચી ચાટ મસાલો, ૧ ચમચી પેરી પેરી પાઉડર, બેસીલ લીવ્સ પાઉડર (ઑપ્શનલ), બટર, બે ક્યુબ ચીઝ, બે ચમચી ટમૅટો સૉસ.
ડેકોરેશન માટે : ચેરી ટમૅટો, ઝુકીની, કોથમીરનાં પાન, ગાજર
રીત : ફણગાવેલા મગને મીઠું નાખી બાફી લેવા. ઝુકીની, કોબી, કાંદા અને કૅપ્સિકમને ઝીણાં સમારી લેવાં. અડધો કપ દહીંના મસકામાં ઑલિવ ઑઇલ, શેઝવાન સૉસ, ચાટ મસાલો, પેરી પેરી મસાલો અને ટમૅટો સૉસ નાખી બરાબર મિક્સ કરી લો. બેસિલ પાઉડર નાખી મિક્સ કરો. હવે એમાં સમારેલું સૅલડ અને બાફેલા ફણગાવેલા મગ ઉમેરો. બ્રેડની કિનાર કાપી લો. ચાર બ્રેડને ચોરસ ગોઠવી દો અને ત્યાર બાદ એ ચાર બ્રેડને ગોળ (સર્કલ) આકારમાં કાપી લો. હવે ગોળાકારમાં કાપીને ગોળાકારમાં ગોઠવેલા બ્રેડ પર બટર લગાવી એના પર સૅલડવાળું મિક્સર પાથરી ચીઝ ખમણો. એના પર બીજા ચાર બ્રેડની ગોળાકાર કાપેલી સ્લાઇસ ગોઠવી દો. ફરીથી સૅલડનું મિક્સર પાથરી બીજી બટર લગાવેલી બ્રેડની સ્લાઇસ મૂકો. હવે એના પર બાકીના દહીંના મસકાનું આઇસિંગ કરો. ચેરી ટમૅટો, ઝુકીની, ગાજર અને કોથમીરનાં પાનથી ગાર્નિશિંગ કરો. તૈયાર છે હેલ્ધી વેજ સૅન્ડવિચ કેક.
શુગરકેન ડિલાઇટ
આશા મહેન્દ્ર ભાયાણી, ઘાટકોપર-વેસ્ટ
સામગ્રી : દોઢ વાટકી બરફ વિનાનો શેરડીનો તાજો રસ, ૨ વાટકા નાચણીના મમરા, ૪ ટેબલસ્પૂન કાજુના ટુકડા, અડધી ટીસ્પૂન એલચી પાઉડર, ૧ ટેબલસ્પૂન ઠંડું
દૂધ, ૫ ટેબલસ્પૂન ઘી, ૨ ટેબલસ્પૂન મિલ્ક પાઉડર (ઘરે બનાવેલો), ગ્રીસ કરેલી ટ્રે
રીત : નૉન-સ્ટિક કડાઈને ધીમા તાપે ગૅસ પર મૂકીને બે ટેબલસ્પૂન ઘીમાં નાચણીના મમરા શેકવા. મમરા કડક થઈ જાય એટલે ગૅસ બંધ કરી ઠંડા થયા પછી મિક્સરમાં એનો પાઉડર કરી લેવો. ચારણીમાં મિલ્ક પાઉડર અને મમરાનો પાઉડર ચાળી લેવો. હવે ગૅસ પેટવી નૉન-સ્ટિક કડાઈમાં શેરડીના રસને ઉકાળવા મૂકો. રસ ઊકળે એટલે એમાં દૂધ નાખી રસનો મેલ ઉતારવો. ગૅસને સ્લોથી મીડિયમ કરી મમરા અને મિલ્ક પાઉડર ઉમેરવા. એકરસ થાય ત્યાં સુધી હલાવતા રહેવું જેથી ગાંઠા ન પડે. થોડી વારે માવો ઘટ થવા માંડે એટલે એક ટેબલસ્પૂન ઘી ઉમેરવું અને હલાવતા રહેવું એટલે માવો ઘટ થવા માંડશે. ફરી પાછું એક ટેબલસ્પૂન ઘી નાખી હલાવવું. થોડી વારમાં માવો કડાઈ છોડશે. હવે ઘી, કાજુના ટુકડા અને એલચી પાઉડર નાખી હલાવવું. માવો ટ્રાન્સપરન્ટ દેખાવા માંડે ત્યારે ગૅસ બંધ કરી દેવો. હવે ગ્રીસ કરેલી ટ્રેમાં માવો પાથરી દેવો. ટ્રેને એક કલાક ફ્રિજમાં ઠંડી કરવા મૂકવી. હવે ટ્રેને બહાર કાઢી છરીની ધાર પર ઘી લગાવી ચોસલા પાડવા. કાજુના ટુકડાથી ગાર્નિશ કરવું. તો ચાલો માણીએ કુદરતી મીઠાશથી ભરપૂર હેલ્ધી શુગરકેન ડિલાઇટ.