બ્રાઇડલ આઉટફિટ્સમાં પરંપરાગત રંગો અને ટ્રેડિશનલ જ્વેલરીને સાઇડ ટ્રૅક કરી અભિનેત્રીએ નવો ચીલો ચાતરતાં હવે અપકમિંગ વેડિંગ સીઝનમાં બ્રાઇડના ઓવરઑલ ગેટઅપમાં નવું શું જોવા મળી શકે છે જાણીએ
શાદી મેં ઝરૂર આના
આલિયાનો વેડિંગ લુક નવો ટ્રેન્ડ લાવશે?
લગ્નના દિવસે આઇવરી રંગની સાડી વિથ દુપટ્ટા, અનકટ ડાયમન્ડ જ્વેલરી અને ન્યુડ મેકઅપમાં આલિયાનો લુક જોઈને તેના ફૅન્સ આફરીન થઈ ગયા છે. બ્રાઇડલ આઉટફિટ્સમાં પરંપરાગત રંગો અને ટ્રેડિશનલ જ્વેલરીને સાઇડ ટ્રૅક કરી અભિનેત્રીએ નવો ચીલો ચાતરતાં હવે અપકમિંગ વેડિંગ સીઝનમાં બ્રાઇડના ઓવરઑલ ગેટઅપમાં નવું શું જોવા મળી શકે છે જાણીએ
ADVERTISEMENT
અપકમિંગ સીઝનમાં વેડિંગ ઇન્ડસ્ટ્રી અને બ્રાઇડલ ગેટઅપમાં રેવલ્યુશન જોવા મળવાનું છે એવી વાત કરતાં ક્રિશવી બ્રૅન્ડનાં ક્રીએટિવ ડિઝાઇનર અનીતા પટેલ કહે છે, ‘પરંપરાગત ભારતીય લગ્નોમાં બ્રાઇડના ડ્રેસઅપમાં ઘણા ચડાવ-ઉતાર આવ્યા છે. અત્યાર સુધી દરેક બદલાતી સીઝનમાં નવા ટ્રેન્ડની સાથે રેડ, ગ્રીન, પિન્ક જેવા કેટલાક કલર્સે પોતાનું સ્થાન જાળવી રાખ્યું હતું. આલિયાએ આખા કન્સેપ્ટને ચેન્જ કરી નાખ્યો છે. ડ્રેસિંગની સાથે તેનો ઓવરઑલ સિમ્પલ ઍન્ડ સોબર લુક જોઈને હરકોઈ ફિદા થઈ ગયા છે. લાઇટ કલરની સાડી પહેરીને તેણે જે નવો ટ્રેન્ડ સેટ કર્યો છે એને અપકમિંગ સીઝનમાં અનેક બ્રાઇડ ફૉલો કરતી જોવા મળી શકે છે. આજકાલની ગર્લ્સને આમ પણ સિમ્પલ રહેવું પસંદ છે. ભપકાદાર ડ્રેસિંગ સાથેના બિગ ફૅટ ઇન્ડિયન વેડિંગ ધીમે-ધીમે આઉટ થઈ જશે. સિમ્પલ સ્ટેટમેન્ટ લેહંગામાં બેબી પિન્ક, પીચ, પિસ્તા અને લૅવન્ડર કલર બે-ત્રણ સીઝનથી ટ્રેન્ડમાં આવી ગયા છે. હવે વાઇટ, આઇવરી ગોલ્ડ અને ક્રીમ જેવા એકદમ લાઇટ કલર્સ પણ ઍડ થવાના છે. પોતાની નૅચરલ બ્યુટીને હાઇલાઇટ કરવાનો કૉન્ફિડન્સ હશે અને એને કૅરી કરી શકશે એવી બ્રાઇડ-ટૂ-બી લાઇટ કલર્સ ટ્રાય કરવાની છે. લેહંગાની જગ્યાએ તેઓ સિમર બ્લાઉઝ સાથે સાડી પહેરવાનું પ્રિફર કરશે. ડ્રેપ સાડીની ડિમાન્ડ પણ વધશે. કેટલાક ક્લાયન્ટ્સે પૂછતાછ પણ કરી છે. લાઇટ કલર, હૅન્ડ પ્રિન્ટેડ કસ્ટમાઇઝ્ડ વર્ક, જ્વેલરીનું સ્પેશ્યલ ઍડિશન વિથ મિનિમમ મેકઅપ અપકમિંગ ટ્રેન્ડ છે. નવા જમાનાની બ્રાઇડ માને છે કે મટીરિયલિસ્ટિકની તુલનામાં નૅચરલ લુક એલિગન્ટ અને ગ્લૅમરસ લાગે છે.’
ન્યુડ નહીં પણ લાઇટ મેકઅપ
દરેક બ્રાઇડને પોતાનાં લગ્નના દિવસે રોજ કરતાં જુદા અને સુંદર દેખાવું છે. ગ્લૅમર ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી યુવતીઓ કાયમ મેકઅપમાં જોવા મળે છે, જ્યારે સામાન્ય યુવતીઓ ડે-ટુ-ડે લાઇફમાં ડાર્ક મેકઅપ કરતી નથી. બ્રાઇડની બ્યુટીને એન્હૅન્સ કરવા માટે મેકઅપનો મોટો રોલ હોય છે તેથી સામાન્ય યુવતીઓ ખાસ દિવસે ન્યુડ મેકઅપના ટ્રેન્ડને અપનાવે એવું લાગતું નથી એવી વાત કરતાં ભિવંડીનાં બ્રાઇડલ મેકઅપ આર્ટિસ્ટ જીની ગુઢકા કહે છે, ‘ફિલ્મ અને શો માટે આલિયાને ડાર્ક મેકઅપ કરવો પડે છે. તેણે મર્યાદિત મહેમાનોની ઉપસ્થિતિમાં લગ્ન કર્યાં હોવાથી પોતાના કુદરતી સૌંદર્યને હાઇલાઇટ કરવાનું પસંદ કર્યું હતું, જે તેના માટે રૂટીન લાઇફ કરતાં નવું જ હતું. આ પહેલાં યામી ગૌતમે પણ મિનીમમ મેકઅપ સાથે પોતાની બ્યુટીને એન્હૅન્સ કરી હતી. ન્યુડ મેકઅપ એટલે તમારા સ્કિન ટોન સાથે મૅચ થતો હોય એવો મેકઅપ. એમાં કન્સીલર અને ફાઉન્ડેશન નહીંવત અથવા વેરી લો અમાઉન્ટમાં વપરાય છે. ફેસ કરેક્શન જેવી ટેક્નિક્સનો યુઝ થતો નથી. ચહેરાને નિખારવા આઇલાઇનર અને ન્યુડ લિપ્સ્ટિકનો ઉપયોગ કરવામાં આવે છે. સેલિબ્રિટીઝના લુકથી બ્રાઇડ-ટૂ-બી ઘણી પ્રભાવિત થઈ જાય છે. ન્યુડ મેકઅપ માટે ઇન્ક્વાયરી આવે ત્યારે અમારું ફોકસ તેના ચહેરાની શાર્પનેસ અને ફીચર્સ પર હોય. ચહેરો સુંદર હોય તો મિનિમમ મેકઅપ સાથે એને હાઇલાઇટ કરી શકાય પણ ઍવરેજ લુક ધરાવતી બ્રાઇડ આ સ્ટાઇલિંગ કરવા જાય તો સ્પેશ્યલ નથી દેખાવાની. ન્યુડ મેકઅપની ડિમાન્ડ કરનારી બ્રાઇડને અમે ટ્રાયલ સેશન આપીએ છીએ. સ્કિન ટોન સાથે મૅચ થતો મેકઅપ બહુ ઓછી યુવતીઓને પસંદ પડે છે. જોકે તેમને ડાર્ક મેકઅપ પણ નથી જોઈતો. અપકમિંગ સીઝનમાં ન્યુડ મેકઅપનો નહીં પણ લાઇટ મેકઅપનો ટ્રેન્ડ જોવા મળી શકે છે. મેકઅપની જેમ મેંદીની ડિઝાઇન પણ સિમ્પલ હશે.’