છેલ્લા કેટલાક સમયથી ફૅશન જગતમાં પુરુષો માટે કલાત્મક જ્વેલરીની ડિમાન્ડ વધી છે. જોકે કોઈ ગોલ્ડમૅન કહીને ન બોલાવે એ માટે કઈ-કઈ રીતે જ્વેલરી પહેરવી એ જાણી લો
સ્ટાઈલિંગ
મેન્સ જ્વેલરીમાં શું નવું છે?
પુરુષો માટે ઍક્સેસરીઝ કે જ્વેલરીની વાત આવે ત્યારે ‘બૅલૅન્સિંગ ઇઝ ધ કી’ એવું કહી શકાય. જ્વેલરી તો રાજા-મહારાજાઓના સમયથી પહેરાતી આવી છે પણ રાજા-મહારાજાઓની જેમ જ્વેલરી પહેરવી એ પ્રૅક્ટિકલ પણ નથી અને સ્ટાઇલિંગની દૃષ્ટિએ માન્ય પણ નથી. પણ એનો અર્થ એ નથી કે જ્વેલરી પહેરવાનો શોખ જતો કરવાનો. કૉર્પોરેટ જગતમાં હો તોએ ઍક્સેસરીઝ તો પહેરી જ શકાય.
લાઇટ વેઇટ જ્વેલરી| પાતળી અને લાઇટ વેઇટ જ્વેલરી કોઈ પણ દિવસે પહેરી શકાય અને ગમે ત્યાં પહેરી શકાય. આ વિષે ઇમેજ કન્સલ્ટન્ટ મનીષા જૈન કહે છે, ‘પુરુષોની જ્વેલરીમાં રિંગ્સ, ચેઇન અને વૉચિસ સર્વત્ર અપનાવાય છે પણ મોટી ગોલ્ડની કે સ્ટોન જડેલી રિંગ્સ નહીં. પાતળી અને સિમ્પલ રિંગ્સ સારી અને સ્ટાઇલિશ લાગશે. ચેઇનમાં પણ અતિ બોલ્ડ અને જાડી પટ્ટી કરતાં પાતળી અને સિમ્પલ ડિઝાઇન સૂટ થશે.’
ટી-શર્ટ સાથે લાંબી પણ પાતળી ચેઇન અને એક પેન્ડન્ટ પહેરી શકાય. જાડી બ્રેસલેટ જેવી ડિઝાઇનની ચેઇન ઊઠીને દેખાય છે. અહીં તમારો ઇરાદો જો જ્વેલરીનું પ્રદર્શન કરવાનો ન હોય તો આવી ડિઝાઇનોથી દૂર રહેવું.
મેટાલિક અને ડાયમન્ડ્સ| મનીષા જૈન કહે છે, ‘મેન્સ માટે મોટા ભાગે મેટલિક જ્વેલરી બને છે. ડાયમન્ડ સ્ટડેડ હોય તોય એનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. ગોલ્ડ અને સિલ્વર મેટલ સૌથી વધુ પહેરાય છે. અહીં જો તમારા કપડાંમાં કોઈ મેટાલિક શેડ પહેરવાના હો તો કાં તો જ્વેલરી અવૉઇડ કરો નહીં તો એક સમયે એક જ મેટલ પહેરો.’
મેન્સ માટે ડ્યુઅલ ટોન જ્વેલરી પણ ખૂબ સુંદર મળે છે. વાઇટ અને યલો ગોલ્ડ પૉલિશવાળી ચેઇન અને બ્રેસલેટ્સ સારાં લાગે છે. જો ફૅશનની દૃષ્ટિએ વાત કરીએ તો યલો કરતાં વાઇટ ગોલ્ડ કે પ્લૅટિનમ વધુ સારું લાગે છે.
લેધર જ્વેલરી| છેલ્લા કેટલાક સમયથી લેધર અને મેટલની મિક્સ જ્વેલરી ટ્રેન્ડમાં છે. ખાસ કરીને બ્રેસલેટમાં લેધર બેલ્ટ અને વચ્ચે એક ડાયમન્ડ સ્ટડેડ પીસ હોય એવી ડિઝાઇન્સ ખૂબ ચાલી રહી છે. આવી ડિઝાઇન્સ સિમ્પલ અને સ્ટાઇલિશ લાગે છે. લેધરની પાતળી દોરી સાથે પહેરાતાં મેટલનાં પેન્ડન્ટ યંગ એજ માટે ફૅશનેબલ ચૉઇસ બની ગયાં છે.
કફલિન્ક્સ અને વૉચ| સ્માર્ટ વૉચનો જમાનો છે પણ હજીયે કેટલાક પુરુષોને ક્લાસિક સ્ટાઇલની ક્રોનોલૉજિકલ અને મેટલના બેલ્ટવાળી વૉચ વધુ પસંદ આવે છે. અહીં સિલ્વર કે ડલ ગોલ્ડના બેલ્ટ સોબર લાગશે. સ્માર્ટ વૉચમાં પણ મેટલ બેલ્ટ પહેરી શકાય.
કફલિન્ક્સની વાત આવે એટલે સૂટ યાદ આવી જાય. પણ ના, હવે કફલિન્ક્સ ફક્ત સૂટ સુધી જ સીમિત નથી, સૂટ પહેરો કે ન પહેરો; શર્ટની સ્લીવ્ઝ સાથે પણ કફલિન્ક્સ પહેરી શકાય જેમાં મેટલની તમારા નામના અક્ષરવાળાં કે હળવાં ડાયમન્ડ સ્ટડેડ કફલિન્ક્સ પસંદ કરી શકાય. આજ કાલ જુદા-જુદા શેપનાં કફલિન્ક્સ પણ મળે છે, જે પર્સનાલિટી પ્રમાણે જ પસંદ કરવાં.
લેપલ પિન્સ અને બ્રૉચ| આ બન્ને ઍક્સેસરીઝ ખૂબ જ સ્ટાઇલિશ લાગે છે પણ એને ખાસ પ્રસંગો માટે જ સીમિત રાખવી જોઈએ. બૉલીવુડ ઍક્ટરો ખાસ કરીને એવોર્ડ ફંક્શન હોય કે પાર્ટીઓ હોય ત્યારે સૂટ પર સ્ટાઇલિશ બ્રોચ કે લેપલ પિન લગાવેલા જોવા મળે છે. આવી પિન્સમાં અવનવી ડિઝાઇન અને શેપ મળે છે જેની પસંદગી તમારા ઓવરઑલ લુક, સૂટની પૅટર્ન અને પ્રસંગને ધ્યાનમાં રાખીને કરવી.