કોટડા ટીંબા તરીકે જાણીતી આ સાઇટ પર પાંચ હજાર વર્ષ પૂર્વે સ્માર્ટ સિટી હતું. એ જમાનાના જે દૂરદૃષ્ટિ, ટાઉન પ્લાનિંગ અને ઇજનેરી કસબના અવશેષો જોવા મળ્યા છે અને યુનેસ્કો દ્વારા એને વર્લ્ડ હેરિટેજની યાદીમાં સ્થાન મળ્યું છે ત્યારે જાણીએ એના ઇતિહાસની
ધોળાવીરા
કચ્છના મોટા રણમાં ભુજથી લગભગ ૨૦૦ કિલોમીટર દૂર ખદીરબેટ આઇલૅન્ડ આવેલો છે. અહીં ૧૦ જેટલાં ગામો આવેલાં છે. એમાં છેલ્લું ગામ એટલે ધોળાવીરા. સામાન્ય જેવું ભાસતું આ ગામ સદીઓ જૂની સાંસ્કૃતિક ધરોહર સમાન ઇતિહાસ સમાવીને બેઠું છે. ધોળાવીરાથી એક કિલોમીટરના અંતરે કોટડા ટીંબા નામની જગ્યા આવેલી છે જ્યાં એક યુગની ધરોહર ધરબાઈને રહી ગઈ છે. આ ધરોહર જેવીતેવી નથી. આજની સ્માર્ટ સિટીને પણ ટક્કર મારે એવી છે. માનવજાત પાંચ હજાર વર્ષ પહેલાં પણ કેટલી ઍડવાન્સ્ડ વિચારધારા ધરાવતો હતો અને ઝીણવટભર્યા પ્લાનિંગ મુજબનાં નગરોનું નિર્માણ એ સમયે થયેલું એના અવશેષો આ ધરોહરમાં સમાયેલા છે. હજારો વર્ષ પહેલાં એના આર્કિટેક્ટે એવી તો બેનમૂન રચના કરી હતી કે એને સ્માર્ટ સિટી કહેવું જ પડે.
ADVERTISEMENT
પાણીની આધુનિક વ્યવસ્થા
આ ધોળાવીરા નગર જ્યારે બનાવ્યું હશે ત્યારે એના રચનાકારોએ એવી દૂરંદેશી વાપરી હતી કે આજે પણ મૉડર્ન ટાઉન પ્લાનિંગની ઝલક એમાં દેખાય છે. આઇઆઇટી ગાંધીનગર અને આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયાના નિષ્ણાતો દ્વારા હાથ ધરાયેલા સંશોધનમાં એવું જાણવા મળ્યું હતું કે આ પુરાતન શહેરમાં પાણીની વ્યવસ્થા અફલાતૂન હતી. નિષ્ણાતોએ જ્યારે ગ્રાઉન્ડ પેનિટ્રેટિંગ રડાર વાપરીને જમીનની અંદર શું છે એ જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે જાણવા મળ્યું હતું કે અહીં જમીનની નીચે ડૅમ, જળાશયો, કૂવા, વાવ અને એવી તો અનેક જળસંચયની પદ્ધતિઓ ધરબાયેલી હતી. ભલે આ સાડાચાર-પાંચ હજાર વર્ષ પહેલાંની વાત હોય, પરંતુ એ સમયે પણ અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇન સિસ્ટમ, જળસંચય યોજના, મકાનોની બાંધણી, હાટ, રમતનું મેદાન, રસ્તા, કિલ્લો વગેરે ત્યાં જોવા મળે છે. બે-પાંચ નહીં પરંતુ ઢગલાબંધ તળાવો એ સમયે બનાવ્યાં હતાં અને એમાં સિસ્ટમૅટિક રીતે વરસાદના પાણીનો સંગ્રહ કરાતો હતો. આજનાં આપણાં મહાનગરોને જોઈએ ત્યારે એમ લાગે કે આ નવું નથી શોધાયું. આ તો વર્ષો જૂની સિસ્ટમ છે, શોધ છે. આધુનિક શૈલી જેવી નગરરચના હજારો વર્ષ પહેલાં થઈ હતી એનું ઉત્તમ ઉદાહરણ ધોળાવીરા છે. યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની જાહેર કરેલી યાદીમાં કચ્છના હડપ્પન સંસ્કૃતિના પ્રાચીનતમ નગર ધોળાવીરાને સ્થાન અપાયું છે ત્યારે ગુજરાતને ગૌરવ થાય એ સ્વભાવિક છે.
સુવ્યવસ્થિત નગરવ્યવસ્થા
સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોએ કચ્છના રણમાં એ સમયનું આધુનિક શહેર વસાવ્યું હતું જે મૉડર્ન ટાઉન પ્લાનિંગ માટે જાણીતું છે. આ સંસ્કૃતિનાં નગરો મજબૂત મકાનો, સ્થાપત્યો, ગટરવ્યવસ્થા અને પાણીની વ્યવસ્થા માટે આજે પર આદર્શ માનવામાં આવે છે. ધોળાવીરાની ઐતિહાસિક ભૂમિમાં શું ધરબાયેલું છે એ બહાર કાઢવા અને જાણવા માટે ઉત્ખનનમાં જેમણે ૧૫ વર્ષ કામ કર્યું તે આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયાના ભૂતપૂર્વ જૉઇન્ટ ડિરેક્ટર જનરલ આર. એસ. બિસ્ટ ધોળાવીરાને સ્માર્ટ સિટી કેમ કહેવાતું એ અંગે પ્રકાશ પાડતાં કહે છે, ‘આ સાઇટ પર કામ કરવાનો અનુભવ બહુ જ સરસ રહ્યો. એ જમાનામાં પાંચ મહાનગરોમાંનું એક મહાનગર ધોળાવીરા હતું. ઉત્ખનન દરમ્યાન જેમ-જેમ આ નગર બહાર નીકળતું ગયું તેમ-તેમ અમને જણાયું કે કેટલી સારી નગરરચના, કેવું સારું પ્લાનિંગ હતું. શહેરના ઘણા ભાગ હતા. રાજાનો મહેલ, મિડલ ટાઉન, લોઅર ટાઉન, બહુબધાં તળાવો હતાં. ખેલકૂદ તેમ જ વ્યાપાર માટે મેદાન હતું. ચારે તરફ સ્ટેડિયમની જેમ બેસવાનાં સ્ટૅન્ડ હતાં. શહેરની લંબાઈ–પહોળાઈ ફિક્સ હતી. હિસાબ પ્રમાણે એકસરખાં મકાનો હતાં. પીવાના પાણીની વ્યવસ્થા હતી તો વરસાદના પાણીના નિકાલની પણ વ્યવસ્થા હતી. ટૉઇલેટ તેમ જ સેપ્ટિક ટૅન્ક સુધ્ધાં હતી. ચારે તરફથી કિલ્લાબંધી. શહેરમાં જેમ પોળ હોય એવી રીતે સુવ્યવસ્થિત વ્યવસ્થા હતી. આ નગરનું આર્કિટેક્ચર-સ્થાપત્ય બહુ જ ભવ્ય હતું. નગરનું પ્લાનિંગ, વૉટર કન્ઝર્વેશન, વૉટર સ્ટ્રક્ચર, ખેલકૂદનું મેદાન બધું એકદમ સુનિયોજિત હતું. વરસાદના પાણીનો ૧૪–૧૫ તળાવોમાં સંગ્રહ કરતા હતા.’
ધોળાવીરાની સાઇટ પર ૧૯૯૦થી ૨૦૦૫ની સાલ સુધી કામ કરનાર આર. એસ. બિસ્ટ આ ઐતિહાસિક નગર વિશે કહે છે, ‘૧૫૦૦ વર્ષની કહાની અહીં મળશે. અહીં જે અવશેષો મળ્યા અને જે અવસ્થામાં મળ્યા એના પરથી હડપ્પા સંસ્કૃતિ કઈ રીતે વિકસી અને આગળ વધી એનો અંદાજ માંડી શકાય છે. એ જમાનામાં અહીં તાંબાના તારનું મોટું કેન્દ્ર હતું એવું અવશેષો પરથી જોઈ શકાય છે. શંખનું પણ મોટું કામ હશે. આ નગર વેપારનું અને અર્થવ્યવસ્થાનું પણ મોટું કેન્દ્ર હતું. આ ઉપરાંત અહીં કલાના અને કાસ્ટના પણ અદ્ભુત નમૂનાઓ જોવા મળ્યા. નમૂના બહુ જ સરસ છે. ખરેખર આ અદ્ભુત શહેર હતું. આ નગર પર કામ કર્યું છે અને એને હવે હેરિટેજમાં સ્થાન મળ્યું છે એનો મને આનંદ થયો છે.’
રણમાં વીરડી સમાન હતું
રણમાં વસેલું હોવા છતાં ધોળાવીરા સિંધુ સંસ્કૃતિનું મહાનગર હતું અને વેપાર અને ઇજનેરી કસબના મામલે અત્યંત સમૃદ્ધ હતું. એવું કઈ રીતે શક્ય બન્યું એ વિશે અનુભવી આર્કિયોલૉજિસ્ટો માને છે કે આ શહેર વસાવાયું એ પહેલાં જ અહીં કઈ રીતે નગર વસાવાય એનો સર્વે અને ટાઉન પ્લાનિંગ થયું હશે. ધોળાવીરાનું ભૌગોલિક સ્થાન એને વેપારી બંદર તરીકે વિકસાવી શકાય એવું મોકાનું હતું, પણ એની ચારેય તરફ રણ આવેલું હતું. ધોળાવીરાની બન્ને તરફ મનસર અને મનહર નામની મોસમી નદી આવેલી છે અને અહીં ચોમાસા દરમ્યાન જ પાણી વહે છે. સિંધુ ખીણના લોકોએ આ નદીઓના પાણીને નગર તરફ વાળવા માટે ચેકડૅમ બાંધ્યા હતા અને જ્યારે પણ ચોમાસામાં આ નદીઓમાં પાણી ભરાય એટલે એને ડૅમ તરફ વાળી લીધું. આ પાણીના સંગ્રહ માટે શહેરમાં ભૂગર્ભ ટાંકીઓ બનાવાઈ જે અન્ડરગ્રાઉન્ડ વૉટર ટનલથી જોડી દેવાઈ. કહેવાય છે કે પાણીની સમસ્યા દૂર થઈ હોવાથી સિંધુ ખીણના લોકો અહીં સમૃદ્ધિ લાવી શક્યા. નિષ્ણાતો તો એવો પણ દાવો કરે છે કે આ જ હડપ્પન પદ્ધતિનો ઉપયોગ કરીને કચ્છના રણને પણ હરિયાળું બનાવી શકાય એમ છે.
વાસ્તુશાસ્ત્ર મુજબની રચના
એક સમયે પૅટ્રોમેક્સ લઈ જઈને ધોળાવીરાની સાઇટ પર વર્ષો સુધી કામ કરનાર ગુજરાત સ્ટેટ આર્કિયોલૉજી ડિપાર્ટમેન્ટના ભૂતપૂર્વ ડિરેક્ટર યદુવીરસિંહ રાવત ધોળાવીરાની અદ્ભુત રચનાને વાસ્તુશાસ્ત્ર સાથે જોડતાં કહે છે, ‘મને લાગે છે કે વાસ્તુશાસ્ત્રનું નૉલેજ હડપ્પનનું જ હશે. ૧૨૦૦–૧૫૦૦ વર્ષની સંસ્કૃતિ રહી એમાં મોસમનું પરિવર્તન જોયું હશે અને એ હિસાબે કામ કર્યું હશે. વરસાદમાં કયું સ્ટ્રક્ચર ડૅમેજ થાય એ હિસાબે કામો થયાં હોવાનું જણાય છે. અમે જોયું કે ધોળાવીરામાં વેસ્ટર્ન વૉલ વધુ ડૅમેજ છે. નગરરચનામાં આર્કિટેક્ટે પ્લાનિંગ સાથે કામ કર્યું હશે. ધોળાવીરા માટે મને લાગે છે કે શરૂઆત નાના ગામથી થઈ હશે અને પછી ધીરે-ધીરે ટાઉન પ્લાનિંગ ડેવલપ થયું હશે. નવી જ્યૉગ્રાફી છે, ઇકોલૉજી છે, જીયોલૉજી છે એ પ્રમાણે કામ કર્યું છે. બેટર પૉઝિશનમાં ધોળાવીરા સાઇટ છે અને આવું ક્યાંય નથી. તમે માની ન શકો એવું પ્લાનિંગ હતું. બ્યુટી ઑફ સિટી છે. ધોળાવીરામાં અંદર બ્રિક્સનો ઉપયોગ અને બહાર પથ્થરોનો ઉપયોગ કર્યો છે. પર્ફેક્ટ ટાઉન પ્લાનિંગ છે જે ટૂરિસ્ટોને બતાવી શકાય છે.’
કેવી પરિસ્થિતિમાં ધોળાવીરા સાઇટ પર સંશોધનનું કામ શરૂ કર્યું એ સમયને યાદ કરતાં યદુવીરસિંહ રાવત કહે છે, ‘અમે પૅટ્રોમેક્સ લઈને સાઇટ પર જતા હતા. પછી જનરેટર લઈને જતા થયા. અમારે ટેલિફોન કરવો હોય તો રાપર જવું પડતું હતું. રાપરથી એક બસ ધોળાવીરા જતી હતી. આખો રસ્તો ખુલ્લો હતો. હોટેલ તો જોવા જ ન મળે. કાચા રસ્તા પરથી પસાર થઈને આ સાઇટ પર પહોંચવું પડતું હતું. કામ શરૂ થયું ત્યારે ગામની કોઈ વ્યક્તિ સાથે નહોતી આવતી એવો સમય હતો અને એમાં અમે બધાએ પૅશનેટલી કામ કર્યું હતું.’
એ સમયના ગુજરાતના મુખ્ય પ્રધાન અને હાલમાં દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ સાઇટ પર આવ્યા અને સુવિધાઓ પૂરી પાડી એની વાત કરતાં યદુવીરસિંહ રાવત કહે છે, ‘૨૦૦૬ના ઑક્ટોબરમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબ ધોળાવીરા સાઇટ પર આવ્યા હતા. આ સાઇટ તેમને બતાવવાનું મને સૌભાગ્ય મળ્યું હતું. સાઇટ જોવામાં અને જાણવામાં તેમણે સારો ઇન્ટરેસ્ટ લીધો હતો. આ વિસ્તારના શું પ્રૉબ્લેમ છે એ તેમણે જાણ્યા હતા અને આજે ધોળાવીરામાં ટેલિફોન, લાઇટ અને પાણી સહિતની સુવિધાઓ છે. તેમણે રાજ્ય સરકાર દ્વારા આ કામ કરાવ્યું.’
આર્કિયોલૉજિસ્ટ જે. પી. જોષીએ ૧૯૬૭માં ધોળાવીરાની સાઇટ શોધી એ મુદ્દે યદુવીરસિંહ રાવત કહે છે, ‘ગુજરાતમાં લોથલ મળ્યું. એનું કનેક્શન આ તરફનું મળ્યું. પહેલાં કરાચી જવા માટે અમદાવાદ, ભુજ થઈને જતા. ચાલતા જવાનો રસ્તો હતો. ઊંટ પર બેસીને જતા હતા. જે. પી. જોષીએ જૂના મૅપ જોયા એમાં આ કેમલ ટ્રૅક પર કામ કર્યું હતું. એ સમયે ૧૨ સાઇટ મળી હતી. એમાંની એક ધોળાવીરા હતી. સાઇટ આટલી મોટી હશે એની તેમને ખબર નહીં. તેઓ બહુ મુશ્કેલીથી સાઇટ પર પહોંચ્યા હશે, કેમ કે પહેલાં આ સાઇટ સુધી પહોંચવા માટે સુવિધા નહોતી.’
કચ્છની ધીંગી ધરા પર મળી આવેલી આ ઐતિહાસિક ધરોહરને રૂબરૂ જોવાનો લહાવો કંઈક અનેરો છે અને એટલે જ સહેલાણીઓ ધોળાવીરા સાઇટને જોવાનું ચૂકતા નથી. હવે ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળતાં અને એ વૈશ્વિક લેવલે ખ્યાતિ પામતાં દેશ–વિદેશના સહેલાણીઓ અચૂક ઊમટી પડશે એવું જણાઈ રહ્યું છે.
હવે રોજગારીનો ફુલ સ્કોપ રહેશે
ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળતાં ધોળાવીરા ગામના લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. ધોળાવીરા ગામના ભૂતપૂર્વ સરપંચ જીલુભા વેલુભા સોઢા આનંદ વ્યક્ત કરતાં કહે છે, ‘હવે રોજગારીનો ફુલ સ્કોપ રહેશે. પ્રવાસન ઉદ્યોગ જામશે તો રોજગારી મળશે. અમારા ગામમાં આશરે ૨૫૦૦થી ૨૭૦૦ની વસ્તી છે. અમારે ત્યાં ચોમાસા આધારિત ખેતી થાય છે એટલે ગામના ઘણા લોકોએ ચાર–છ મહિના રોજગારી માટે બહાર જવું પડે છે એ હવે નહીં થાય. કચ્છમાં આ વિસ્તાર પ્રદૂષણથી બચ્યો છે. આ વિસ્તાર પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર છે.’
વર્ષો પહેલાં તળાવના ખોદકામ દરમ્યાન ધોળાવીરાની ઐતિહાસિક સાઇટ મળી હોવાનો દાવો કરતાં જીલુભા સોઢા કહે છે, ‘૧૯૭૧માં અછત રાહતનું કામ ચાલુ કર્યું હતું. જે જગ્યા પર સાઇટ મળી આવી છે એ અમારા ધોળાવીરા ગામથી એક કિલોમીટર દૂર છે. આ જગ્યાને અમે કોટડા ટીંબો કહેતા. અહીં તળાવનું કામ ચાલતું હતું એ દરમ્યાન માટીમાંથી સિમ્બૉલ મળી આવ્યું હતું. એ સમયે મારા પિતાજી ગામના સરપંચ હતા. તેમને આ સિમ્બોલ આપ્યું અને મારા પિતાજીએ એ સિમ્બૉલ ભુજ મ્યુઝિયમમાં આપ્યું હતું. આ સિમ્બૉલ પરથી ખબર પડી કે અહીં પુરાતત્ત્વીય સાઇટ છે.’
વર્ષો પહેલાં ધોળાવીરાની કેવી સ્થિતિ હતી એની વાત કરતાં જીલુભા સોઢા કહે છે, ‘કચ્છના મોટા રણમાં ખદીરબેટ આવેલું છે. એમાં ૧૦ ગામો આવેલાં છે જેમાં છેલ્લું ગામ ધોળાવીરા. આમ તો અમારું ગામ ભચાઉ તાલુકામાં છે, પણ અહીં આવવું હોય તો રાપર થઈને આવવું પડે. ૧૯૬૫માં અહીં આવવાનો રસ્તો નહોતો, લાઇટ નહોતી. એક રસ્તો રાપરના રણમાંથી બન્યો. પછી અહીં ખોદકામ કરવા આવ્યા ત્યારે બીજી કોઈ સુવિધા નહોતી. સાઇટ પર કામ કરતી વ્યક્તિઓ સાઇટ પર રસોડું કરતી અને ફાનસ રાખતી હતી. રહેવા માટે ધોળાવીરામાં ટેન્ટ નાખ્યા હતા, પણ ભૂકંપ પછી થોડી સગવડ થઈ. હવે ધોળાવીરા જવાનો રસ્તો છે, પીવાના પાણીની યોજના બની હતી. જોકે બૅન્ક, એટીએમ તેમ જ પેટ્રોલ-પમ્પ નથી. આ માટે ૧૦૦ કિલોમીટર દૂર રાપર જવું પડે. હવે ધોળાવીરા વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર થઈ છે એટલે સરકાર આ બધી સગવડો કરશે.’
વિશ્વભરમાં કેટલી છે વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ?
યુનાઇટેડ નેશન્સની એજન્સી યુનેસ્કો દ્વારા વૈશ્વિક સ્તરે સાંસ્કૃતિક, ઐતિહાસિક અને પ્રાકૃતિક સ્તરે અતિ મહત્ત્વ ધરાવતી જગ્યાને હેરિટેજનો દરજ્જો આપવામાં આવે છે. આવી વ્યવસ્થાની શરૂઆત ૧૯૫૯થી થઈ હતી. એ વખતે ઇજિપ્તે યુનેસ્કોને સાંસ્કૃતિ વારસો ધરાવતા સ્મારકો અને સ્થળોને બચાવવા માટે સહાય કરવા વિનંતી કરેલી અને એના પગલે વૈશ્વિક સ્તરે ધરોહરસમાન સ્થળોને જાહેર કરવાનું શરૂ કરવામાં આવ્યું. અત્યાર સુધીમાં કુલ ૧,૨૩૪ સ્થળોને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપ્યો છે. જેમાંથી ૯૩૨ સાંસ્કૃતિક, ૨૫૭ પ્રાકૃતિક અને ૪૫ અન્ય સ્થળો છે. ૧૬૭ દેશોમાં જ આવી સાઇટ્સ છે. ૫૮ ઐતિહાસિક સ્થળો ઇટલીમાં છે જે સૌથી વધારે છે. બીજા નંબરે ચીનમાં ૫૬ સાઇટ્સ છે. જર્મની ૫૧, સ્પેન ૪૯ અને ફ્રાન્સ ૪૭ સ્થળો સાથે ચોથું, પાંચમું અને છઠ્ઠું સ્થાન ધરાવે છે. જ્યારે ભારત કુલ ૪૦ હેરિટેજ સ્થળો સાથે છઠ્ઠા નંબરે છે.
હવે રોજગારીનો ફુલ સ્કોપ રહેશે
ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળતાં ધોળાવીરા ગામના લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. ધોળાવીરા ગામના ભૂતપૂર્વ સરપંચ જીલુભા વેલુભા સોઢા આનંદ વ્યક્ત કરતાં કહે છે, ‘હવે રોજગારીનો ફુલ સ્કોપ રહેશે. પ્રવાસન ઉદ્યોગ જામશે તો રોજગારી મળશે. અમારા ગામમાં આશરે ૨૫૦૦થી ૨૭૦૦ની વસ્તી છે. અમારે ત્યાં ચોમાસા આધારિત ખેતી થાય છે એટલે ગામના ઘણા લોકોએ ચાર–છ મહિના રોજગારી માટે બહાર જવું પડે છે એ હવે નહીં થાય. કચ્છમાં આ વિસ્તાર પ્રદૂષણથી બચ્યો છે. આ વિસ્તાર પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર છે.’
વર્ષો પહેલાં તળાવના ખોદકામ દરમ્યાન ધોળાવીરાની ઐતિહાસિક સાઇટ મળી હોવાનો દાવો કરતાં જીલુભા સોઢા કહે છે, ‘૧૯૭૧માં અછત રાહતનું કામ ચાલુ કર્યું હતું. જે જગ્યા પર સાઇટ મળી આવી છે એ અમારા ધોળાવીરા ગામથી એક કિલોમીટર દૂર છે. આ જગ્યાને અમે કોટડા ટીંબો કહેતા. અહીં તળાવનું કામ ચાલતું હતું એ દરમ્યાન માટીમાંથી સિમ્બૉલ મળી આવ્યું હતું. એ સમયે મારા પિતાજી ગામના સરપંચ હતા. તેમને આ સિમ્બોલ આપ્યું અને મારા પિતાજીએ એ સિમ્બૉલ ભુજ મ્યુઝિયમમાં આપ્યું હતું. આ સિમ્બૉલ પરથી ખબર પડી કે અહીં પુરાતત્ત્વીય સાઇટ છે.’
વર્ષો પહેલાં ધોળાવીરાની કેવી સ્થિતિ હતી એની વાત કરતાં જીલુભા સોઢા કહે છે, ‘કચ્છના મોટા રણમાં ખદીરબેટ આવેલું છે. એમાં ૧૦ ગામો આવેલાં છે જેમાં છેલ્લું ગામ ધોળાવીરા. આમ તો અમારું ગામ ભચાઉ તાલુકામાં છે, પણ અહીં આવવું હોય તો રાપર થઈને આવવું પડે. ૧૯૬૫માં અહીં આવવાનો રસ્તો નહોતો, લાઇટ નહોતી. એક રસ્તો રાપરના રણમાંથી બન્યો. પછી અહીં ખોદકામ કરવા આવ્યા ત્યારે બીજી કોઈ સુવિધા નહોતી. સાઇટ પર કામ કરતી વ્યક્તિઓ સાઇટ પર રસોડું કરતી અને ફાનસ રાખતી હતી. રહેવા માટે ધોળાવીરામાં ટેન્ટ નાખ્યા હતા, પણ ભૂકંપ પછી થોડી સગવડ થઈ. હવે ધોળાવીરા જવાનો રસ્તો છે, પીવાના પાણીની યોજના બની હતી. જોકે બૅન્ક, એટીએમ તેમ જ પેટ્રોલ-પમ્પ નથી. આ માટે ૧૦૦ કિલોમીટર દૂર રાપર જવું પડે. હવે ધોળાવીરા વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર થઈ છે એટલે સરકાર આ બધી સગવડો કરશે.’
તેલંગણના રામપ્પા મંદિરને પણ મળ્યો હેરિટેજનો દરજ્જો
ધોળાવીરાને હેરિટેજનો દરજ્જો મળ્યો એના જસ્ટ પહેલાં તેલંગણના હૈદરાબાદ શહેરથી ૨૧૦ કિલોમીટર નૉર્થ-ઇસ્ટમાં આવેલા પાલમપેટ ગામનું રામપ્પા મંદિર પણ આ જ વર્ષે વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પામ્યું છે. ૧૩મી સદીમાં કાકટિયા સામ્રાજ્યમાં બનેલું આ મંદિર તેલુગુ ઇતિહાસનો સુવર્ણકાળ મનાય છે. મંદિરના પિલરઅને છત પર નૃત્યાંગનાઓ અને સંગીતકારોનાં શિલ્પો કોતરવામાં આવ્યા છે. આ મંદિરમાં રામલિંગેશ્વર સ્વામીની મૂર્તિ બિરાજમાન છે, પરંતુ એની ઓળખ એને ઘડનારા શિલ્પી રામપ્પાના નામથી આપવામાં આવી છે. રામપ્પાએ ૧૪ વર્ષની સખત મહેનત કરીને વિવિધ પથ્થરો પર કોતરણી કામ કર્યું હતું.