પ્રેમની વાત આવે ત્યારે દિલને જ કામ લેવા દો અને જો દિલથી કામ લેવું હોય તો પહેલાં નિયમનું પાલન કરો. સામેની વ્યક્તિને સમજો.
માનસ ધર્મ
પ્રતિકાત્મક તસવીર
ગઈ કાલે કહ્યું એમ, બસ પ્રેમ કરો અને નિરંતર પ્રેમ કરતા રહો. જીવનમાં બધું પ્રાપ્ત થતું રહેશે અને પ્રેમ કરતા હશો તો પરમેશ્વર સૌથી પહેલાં આવશે. પ્રેમ વિના બધું અધૂરું છે અને પ્રેમ હશે તો સઘળામાં ઈશ્વર હશે. જો તમને પૂજા કરવા પ્રત્યે પ્રેમ હોય તો પૂજા કરો, જો તમને અર્ચના પ્રત્યે પ્રેમ હોય તો અર્ચના કરો. જપ કરવા પ્રત્યે પ્રેમ હોય તો જપ કરો, પરંતુ જો આવું કંઈ ન થઈ શકે તો કેવળ પ્રેમ કરો. પ્રેમથી ઉપર કશું નથી, પ્રેમથી આગળ કશું નથી.
નિર્ભર પ્રેમ વૃદ્ધિમાં એ પછી આવે છે સમતા. સમતા કેળવો.
પ્રેમની વૃદ્ધિ માટેનો આ અતિ સુંદર ઉપાય છે સમતા. ઉંમર એટલે સરખું, સમાન. જેમ ત્રાજવાનાં બન્ને પલડાં સમાન હોય એમ બન્ને આંખમાં પણ સમાન ભાવ રાખો, દરેક વ્યક્તિ માટે. તે તમારી પરિચિત હોય તો પણ સમતા રાખો અને ન હોય તો પણ સમતાભાવ રાખો અને સૌના પર પ્રેમ વરસાવતા રહો. યાદ રહે, સમતા અતિ સુંદર ઉપાય છે, પણ આ જ સમતા આકરી પણ એટલી જ છે એ ભૂલવું નહીં. એક વાર સમતા કેળવી લીધી તો બેડો પાર.
નિર્ભર પ્રેમ વૃદ્ધિમાં હવે આવે છે સૌથી છેલ્લા અને મહત્ત્વના મુદ્દાની વાત.
હૃદયને બોલવા દો.
હા, હૃદયને બોલવા દો. આજનો યુગ એવો છે જ્યાં દિલ નહીં, દિમાગથી કામ લેવું પડે છે. હશે, વ્યવહારમાં એ જરૂરી પણ છે એટલે એના વિશે વધારે ટીકા-ટિપ્પણી કરવાને બદલે કહીશ કે જરૂર હોય એ રીતે વિચારો, પણ વાત જ્યારે પ્રેમની
આવે ત્યારે યાદ રાખો, હૃદયને બોલવા દો, કારણ કે પ્રેમની બાબતમાં દિમાગથી કામ લેવામાં આવે તો એ ઘાતક બને છે અને ઘાતક હોય એવી કોઈ વાત, વસ્તુ કે વ્યવસ્થા પ્રેમનું મારણ પહેલું કરે છે. પ્રેમની બાબતમાં હૃદય જ સર્વોપરી છે માટે હૃદય જે કહે એ કરો, જે બોલે એ સાંભળો અને એની જે આજ્ઞા હોય એ આજ્ઞાને માન આપીને એનું પાલન કરો.
પ્રેમની વાત આવે ત્યારે દિલને જ કામ લેવા દો અને જો દિલથી કામ લેવું હોય તો પહેલાં નિયમનું પાલન કરો. સામેની વ્યક્તિને સમજો. કોઈ પણ વાતમાં, કોઈ પણ ઘટનામાં સૌથી પહેલાં એના સ્થાને તમારી જાતને મૂકીને જુઓ. જો એ કરી શક્યા તો તમને પણ અનુભવ થશે કે આપોઆપ પરિસ્થિતિ બદલાઈ જશે! સમજાશે કે પ્રેમની આ સપ્તપદી જે ફરી જાણે એનું ઈશ્વર જોડે, સમસ્ત વિશ્વ જોડેનું બંધન અતૂટ રહે.
ADVERTISEMENT
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)