દેવકી જે નાટકની મુખ્ય અભિનેત્રી છે તે દર્શકોમાંથી કોઇને પણ પોતાના નાટકના પાત્ર બનાવીને સ્ટેજ પર આમંત્રણ આપે છે તો પછી સાથી કલાકારો તો અલગ જ હોવાનાને દરેક શોમાં!
દિગ્દર્શક મનોજ શાહ અને દેવકી
થોડા વખત પહેલાં મુંબઇમાં એક નાટકનું આયોજન થયું. હા હવે કૉવિડના પ્રોટોકોલને સાચવીને જ કરાયું હતું. આઇડિયાઝ અનલિમિટેડ દ્વારા પ્રસ્તુત મનોજ શાહ દિગ્દર્શિત આ નાટકમાં બધી અદ્ભૂત વાતો હતી. દોસ્ત નાટકનું નામ જ અદ્ભૂત હતું. દેવકી દ્વારા અભિનિત આ નાટકની ખાસ વાત એ કે એમાં ફોર્થ વૉલ દૂર કરવાનો પ્રયાસ નથી પણ પહેલેથી એ ચોથી દિવાલ જે અભિનેતા અને દર્શકો વચ્ચે હોય છે એ રાખી જ નથી. લ્યો કરો વાત, હજી નાટક માટે અંદર ગોઠવાઇ જવની હરોળમાં ઉભા હો ત્યાં તમને તમારે બોલવાનો ડાયલોગ હાથમાં આપી દેવાય. તમને વિચાર આવે કે કોણ જાણે આનું શું કરવાનું હશે? નાટક શરૂ થાય એટલે થોડીવારમાં આ કોયડો ઉકેલાઇ જાય.
આ નાટકમાં દર શોએ સાથી કલાકારો બદલાય છે. બધા નવા કલાકારોએ રિહર્સલ વગર જ અભિનય કરવાનો. નાટકના દરેક શોમાં દર્શકો અલગ અલગ હોય એટલે સ્વાભાવિક છે કે સાથી કલાકારો પણ બદલાય. આ કોયડો નથી જો સમજવાનો પ્રયત્ન કરો તો! દેવકી જે નાટકની મુખ્ય અભિનેત્રી છે તે દર્શકોમાંથી કોઇને પણ પોતાના નાટકના પાત્ર બનાવીને સ્ટેજ પર આમંત્રણ આપે છે તો પછી સાથી કલાકારો તો અલગ જ હોવાનાને દરેક શોમાં!
ADVERTISEMENT
આ તો નાટકની ટેક્નિકની વાત થઇ પણ નાટકનો થીમ અદ્ભૂત છે. ડિપ્રેશન! તમને થશે આ તે કઇ રીતે અદ્ભૂત હોય!? પણ છે. કારણકે ડિપ્રેશનની જરા સરખી અસર હોય તો માણસ સારું જોતો બંધ થઇ જાય છે. આ પેલી એક વાર્તાની યાદ અપાવે કે જેમાં એક નાનકો છોકરો હૉસ્પિટલની બારીની બહારથી બહુ જ સરસ દ્રશ્યો દેખાય છે તેવી વાત તેના પાડોશી દર્દીને કીધા કરે છે જેથી તેનો ઉત્સાહ જળવાઇ રહે અને છેક છેલ્લે બાજુ વાળાને ખબર પડે છે કે પેલાની બારીમાંથી તો દિવાલ દેખાતી હતી. તમારે સંજોગોમાં શું જોવું છે તે જ અગત્યનું છે કારણકે તેને આધારે જ સંજોગોમાં તમે ટકી શકો કે કેમ તે ખબર પડે.
અદ્ભૂત નાટકમાં મજા પડે એવું ઘણું બધું છે કારણકે કેટલીય વાતો તમને નોસ્ટાલજિક ફિલ કરાવશે. જેમ કે બરફનો ગોળો, કિશોર કુમારના ગીતો, બસમાં મળતી અજાણી વ્યક્તિઓ જેવું ઘણું બધું. દોડાદોડ, ઘટમાળ, સ્ટ્રેસની વચ્ચે ઘડિયાળના કાંટાને પગલે પગલે પસાર થતી જિંદગીની સારી બાબતોની યાદી બનાવતી એક છોકરીની વાત તમને પણ સમજાવશે કે કેટલું બધું છે જેનાથી ખુશ થઇ શકાય. જો તમે એલિનોર પોર્ટરની પૉલિએના વાંચી હશે તો એ ફરી વાંચવાનું મન થશે.ફરિયાદોની ફાઇલો ફંગોળી દઇને એક એવું લિસ્ટ બનાવવાનું તમનેય મન થઇ જશે જે તમે જ્યારે પણ વાંચશો ત્યારે તમને હૈયે સારું લાગશે. દર વખતે બધું કંઇ મજાનું ન હોય પણ એટલે આપણે મજા ભૂલી જઇએ એ ય ન ચાલે. નાની, સાદી બાબતો જેટલો આનંદ આપે છે એ યાદ રાખી એના આધારે આપણે જિંદગીમાં તકલીફોના સ્પીડ બ્રેકર ઠેકી જવા પડે. સવારનો સુરજ, વાદળમાં દેખાતા આકાર, તમારી હાજરીથી જેના મજા પડી જાય છે તેવા લોકોથી માંડીને ભર તડકે પીવા મળતો શેરડીનો રસ, તો ક્યારેક ભીડ ભરેલી ટ્રેનમાં તમને જગ્યા આપવા ઉભા થઇ જતા લોકો અથવા તમારી આપી દીધેલી જગ્યા પર બેસનારા લોકોના ચહેરાનો હાશકારો – આ જિંદગી છે બાકી બધું તો બસ છે.
ડિપ્રેશન જેવા ગંભીર વિષયને જરાય ડિપ્રેશન ન આવે એવી રીતે રજુ કરતું આ નાટક ચોક્કસ જોવું જોઇએ. આગામી સમયમાં મુંબઇ તથા અમદાવાદમાં પણ આ નાટકના શો થશે. નાટકના લેખક સતચિત પુરાણિક, દિગ્દર્શક મનોજ શાહ અને અભિનેત્રી દેવકીનું આ અદ્ભૂત પ્રોડક્શન ચોક્કસ જોશો.