એવું કહેવાય છે કે કાળી ચૌદસના દિવસે પૂજા કરવાથી તમામ દુષ્ટ આત્માઓથી મુક્તિ મળે છે.
ફાઇલ ફોટો
કાળી ચૌદસના દિવસે દાયકાઓથી કકળાટ કાઢવાનો રિવાજ છે, પરંતુ શું તમે જાણો છો કે કેમ કાળી ચૌદસના દિવસે જ આ વિધિ કરવામાં આવે છે? અમે આ સવાલ કર્યો જ્યોતિષ મિલન ઠાકરને, તેમણે જણાવ્યું કે “બંગાળમાં આજના દિવસનું ખૂબ મહત્ત્વ છે. આજના દિવસે મહાકાળીનો જન્મદિવસ ઊજવવામાં આવે છે. સાથે, હનુમાનજી અને યમરાજની પણ પૂજા કરવામાં આવે છે.”
તેમણે કહ્યું કે “તંત્ર પૂજા માટે આજનો દિવસ ઉત્તમ છે. અનિષ્ઠ તત્ત્વોને દૂર કરવા માટે મહાકાળીની પૂજા ખાસ લોકો કરે છે. ઉપરાંત ગ્રહ કલેશ, માંદગી અને અન્ય કોઈપણ કષ્ટ દૂર કરવા માટે આ પૂજા કરાય છે. સાધકોને માના આશીર્વાદ મેળવવા માટે પણ આજનો દિવસ શુભ ગણાય છે.”
ADVERTISEMENT
આજના દિવસે કરાતા કકળાટ કાઢવાના રિવાજ વિશે તેમણે કહ્યું કે “જો કોઈ અશુભ તત્ત્વ આવી ગયું જેનાથી ઘરમાં કકળાટ થતો હોય, તો તેની માટે કાળા અળદનું ખૂબ મહત્ત્વ છે. તેથી જ કાળી અળદના ભજિયાં/વડા બનાવવામાં આવે છે અને તેને ચાર રસ્તે મૂકવામાં આવે છે આ એક રીતનું દાન છે. ચાર રસ્તે જ આ વિધિ કરવાનું મૂળ કારણ ચાર ખૂલી દિશાઓ સાથે છે.”
આ વિધિ દરમિયાન આપણે પાછું વળીને જોતાં નથી અને બોલવાનું પણ ટાળીએ છીએ તેનું કારણ જણાવતા તેમણે કહ્યું કે “આ અનિષ્ટ તત્વ ફરી આપણી સાથે ન આવે તેથી પાછળ ન જોવાનું કહેવામાં આવે છે અને બોલવાનું ટાળવામાં આવે છે કારણકે તે દરમિયાન જો કોઈ વ્યક્તિનું નામ લેવાય તો આ અનિષ્ટ તત્વોની અસર તેમના પર થાય તેવી માન્યતા છે.”
વિધિ દરમિયાન છરીનું શું મહત્ત્વ? આ સવાલનો જવાબ આપતા મિલનભાઈએ જણાવ્યું કે “આ પ્રકારની વિધિ દરમિયાન વસ્તુને કાપવામાં આવે છે માટે છરી જરૂરી છે. છરી એક રીતે હથિયાર છે. આ વિધિ દરમિયાન છરી તમારા આભામંડળને સંરક્ષણ આપે છે.”
ઉલ્લેખનીય છે કે અંતે તેમણે ઉમેર્યું હતું કે “કકળાટ કાઢવાનો રિવાજ સૂર્યાસ્ત પછી પૂર્ણ કરવામાં આવે છે. અન્ય તમામ વિધિ માટે રાત્રે ૧૧.૪૦થી ૧૨.૩૧નો સમય ઉત્તમ છે.”
એવું કહેવાય છે કે કાળી ચૌદસના દિવસે પૂજા કરવાથી તમામ દુષ્ટ આત્માઓથી મુક્તિ મળે છે. કાળી ચૌદસ તાંત્રિકો અને અઘોરીઓ માટે તપસ્યા અને તેમની વિશિષ્ટ વિધિઓ માટે આદર્શ દિવસ માનવામાં આવે છે. મહાકાળી તેના ભક્તોની દરેક રીતે રક્ષા કરે છે અને તેમને સુખ અને સમૃદ્ધિ આપે છે.