તપનો અર્થ બધું છોડવું એવો બિલકુલ નથી
માનસ ધર્મ
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
તપ એટલે શું? ગઈ કાલે પુછાયેલા આ સવાલનો જવાબ આજે આપણે જોવાનો છે અને આ સવાલના જવાબમાં સૌથી પહેલું કહેવાનું કે મહેરબાની કરીને કોઈએ એવું તપ ન કરવું જોઈએ જેને લીધે તમારા કુટુંબના સભ્યો તપે. તપ તમારે સ્વયં કરવાનું છે. બીજાને તપાવે એ તપ નથી, એ હિંસા છે. તપ કરવાની આ પ્રાથમિક શરત છે.
એકાદશીનું વ્રત કરો અને આખા ઘરને હેરાન કરો તો એ તપ નહીં, પણ હિંસા છે. તમે ભજન એ રીતે કરો બાપ કે કોઈને હેરાનગતિ ન થાય. દ્વંદ્વને સહન કરી લેવાં એ તપ છે, વિકારોના આવેગોને પર્યાપ્ત વિવેકથી સહી લેવા એ પણ તપ છે, તો કોઈના ઉત્કર્ષને જોઈને પોતાની ઈર્ષ્યાને રોકવી એ પણ તપ છે.
ADVERTISEMENT
તમે તમારી જાતને બચાવી શકો છો. કોઈ પણ ક્ષેત્રમાં કોઈની ચડતીને જોઈને આશીર્વાદ નીકળે કે ‘હે માલિક, તેને હજી વધારે આગળ વધારો અને તે જ્યાં પહોંચે ત્યાંથી તે ક્યારેય પાછો પડે નહીં એવું કરો.’ આ પ્રાર્થના પણ તપ છે. આવી સદ્ભાવના રહે ત્યારે એ તપ બને છે અને જો બીજાની ઉન્નતિ જોઈને તમારા મનમાં ઈર્ષ્યા જાગે તો માનજો કે તમે ભોગી છો.
આ જે પહેર્યાં છે એ જ કપડાંમાં તપસ્વી બનો. બધાં કપડાં ફેંકીને અને ઘરબાર, કુટુંબીજનોથી ભાગી જઈને જે તપસ્વી બની જાય છે એ તો મહાપુરુષોની મસ્તી છે. બધું ફેંકી દેવું એ તપ નથી, શુભનો સ્વીકાર કરવો એ જ તપ છે. કોઈની ચડતી જોઈને તમારા મનમાં જો ઈર્ષ્યાભાવ જાગે તો તમે તપ કરવામાં હજી કાચા છો એમ માનજો.
આજે એક વેપારી બીજા વેપારીની ઈર્ષ્યા કરે છે, એક કલાકાર બીજા કલાકારને જોઈને ઈર્ષ્યા કરે છે. ઑફિસના સ્ટાફની વ્યક્તિ બીજી વ્યક્તિના વધેલા પગારને જોઈને ઈર્ષ્યા કરે છે, એક કથાકારને બીજા કથાકારની ઉન્નતિ જોઈને ઈર્ષ્યા થાય છે. એક સંગીતકાર બીજા સંગીતકારની ચડતી જોઈને ઈર્ષ્યા કરે છે. કોઈ પણ ક્ષેત્રમાં જુઓ તમે, એક પણ ક્ષેત્ર ઈર્ષ્યા અને અદેખાઈથી મુક્ત નથી. દુનિયાને એવું તે શું થઈ ગયું છે કે સર્વત્ર ઈર્ષ્યા અને અદેખાઈ જ જોવા મળે છે, પોતાનું સંભાળો અને કોઈનો ઉત્કર્ષ જુઓ, કોઈની પ્રતિભા જુઓ, કોઈની સત્યનિષ્ઠા જુઓ ત્યારે જો તમે તેની ઈર્ષ્યા ન કરો અને તેમની સામે મસ્તક નમાવો તો એ તપ છે.
તપનો અર્થ બધું છોડવું એવો બિલકુલ નથી. આજે મોટા ભાગના લોકો એવી માન્યતા વચ્ચે રહે છે કે બધું છોડી દો તો એ તપ કહેવાય, પરંતુ એવું નથી. ના, જરા પણ નથી. પ્રેમનો સેતુ બનીને સૌને સાંકળી લેવા એ તપ છે.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)