ઈશ્વરપ્રાપ્તિ માટે ચાર ખંડ છે
માનસ ધર્મ
પ્રતીકાત્મક તસવીર
ગઈ કાલે આપણે વાત કરી કે સાધના કેવી હોવી જોઈએ? આજે વાત કરવાની છે આપણે સાધના કેટલાક પ્રકારની હોય છે એ વિશે. એ વિશે વાત કરતાં પહેલાં વાત કરવાની ઈશ્વરપ્રાપ્તિના ખંડની.
ઈશ્વરપ્રાપ્તિ માટે ચાર ખંડ છે.
૧. ધર્મ ખંડ. ૨. જ્ઞાન ખંડ. ૩. લજ્જા ખંડ. ૪. કૃપા ખંડ.
ADVERTISEMENT
આ ચાર ખંડ થકી ઈશ્વરનો અનુભવ તરત જ થઈ શકે છે; પરંતુ એને ખોટી જગ્યાએ શોધીએ તો જનમોના જનમ લાગી જાય, પણ પરિણામ મળે નહીં. એટલે ઈશ્વરના અનુભવને પામવા માટે પણ જગ્યા સાચી હોય એ અનિવાર્ય છે. ઈશ્વરપ્રાપ્તિ જેવી સુલભ વાત દુનિયામાં બીજી એકેય નથી. પૈસા અને પ્રતિષ્ઠા મેળવવામાં તો માણસ થાકી જાય છે. કોઈ પણ અવસ્થા, કોઈ પણ સ્થાન કોઈને પણ મળી શકે. વાંસળી, શંખ એ નાદ છે. રાગ-રાગિણી વગાડવાવાળા ઘણા છે, પણ સમગ્ર પ્રકૃતિમાં સંગીત વાગે છે.
વાત કરીએ સૌથી પહેલા ખંડ એવા ધર્મ ખંડની.
બીજી કોઈ વાત નહીં, બસ. એટલું જ ધ્યાન રાખો કે તમે ધાર્મિક બનો. ધાર્મિક બનવું એટલે બાહ્યવૃત્તિમાં નહીં પણ આંતરિક વૃત્તિની દૃષ્ટિએ ધાર્મિક બનવું. તમારું અંતઃકરણ ધાર્મિક હોવું જોઈએ. આપણું શરીર ધાર્મિક છે, પણ આપણામાં હાર્દિકતા હોવી જોઈએ. જ્યારે આપણે એવું માની લઈએ છીએ કે આપણે કંઈક બની ગયા છીએ ત્યારે આખું નાટક શરૂ થઈ જાય છે અને એ નાટક ખોટી દિશામાં ખેંચી જાય છે. જોકે એવું ન થવા દેવું હોય તો એક વાત ધ્યાનથી સમજી લો કે માણસમાં અંદરથી ધાર્મિક સંસ્કાર હોવા જોઈએ. એવા ધાર્મિક ખંડમાં વ્યક્તિ પહોંચી જાય ત્યાર બાદ તેને બીજા ખંડમાં પ્રવેશ કરવા મળે છે. આ બીજો ખંડ એટલે જ્ઞાન ખંડ.
આ ખંડો વચ્ચે દીવાલ નહીં, દરવાજો છે અને એ પણ લૉક કરેલો છે. સદ્ગુરુના હાથમાં ચાવી છે. ધર્મ ખંડમાં બહારથી દરવાજો છે, જ્યારે બાકીના ત્રણેય ખંડના દરવાજા એકબીજાની અંદર છે. એ
ખંડોને સ્વતંત્ર અલગ દરવાજો નથી. ધર્મ ખંડમાંથી થઈને જ અંદરના દરવાજા સુધી જઈ શકાય છે. ધર્મ એટલે સેવા, સત્ય, કરુણા, અહિંસા, ત્યાગ, પ્રેમ. પ્રેમ-સૂત્ર સૌથી સરળ પણ છે અને મુશ્કેલ પણ છે. આ પ્રેમ-સૂત્રને પકડી લો. પ્રેમ-સૂત્રને જ્ઞાન ખંડમાં પ્રવેશ મળે છે. જ્યારે બોલતા-બોલતા શબ્દો ન રહે અને પરમાત્મામાં પ્રવેશ થઈ જાય ત્યારે આ પ્રેમ-સૂત્ર હાથમાં આવી ગયું એવું સમજવું. અહીં વધારે બોલવાની જરૂર નથી. બસ, આંખથી વાતો થાય છે.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)