કણ્વ ઋષિના આશ્રમમાં શરણ પ્રાપ્ત કરીને શકુંતલા ધન્ય થઈ ગઈ. સ્ત્રીને શરણ જોઈએ. શરણ વિનાની સ્ત્રી સુખી નથી હોતી. ગાય ધણમાં રક્ષિત રહે એમ સ્ત્રી પણ પરિવારમાં રક્ષિત રહે.
ચપટી ધર્મ
પ્રતીકાત્મક તસવીર
પોતાની પ્રતિષ્ઠા ઝાંખી થશે એવા ભયથી અથવા તો આવેલી આફતને ટાળવી જ છે એવું માનીને દૂર ભાગનારા ભવ્યાતિભવ્ય આશ્રમો બનાવીને બેઠા હોય તો પણ એ સ્મશાનભૂમિ પર જીવનારાં જીવતાં મડદાં જ કહેવાય, જે લોકભયથી આવી ત્યજાયેલી બાળકીને શરણ આપી શકતા નથી. બનાવટી પ્રતિષ્ઠામાં જીવનારા નથી તો સત્ય બોલી શકતા કે નથી સત્ય આચરી શકતા. તેમનો ભવ્યાતિભવ્ય આડંબર કાગળના ફૂલ જેવો છે જેમાં છાંટો પણ સુગંધ નથી, પ્રદર્શનમાત્ર છે. અહીં પ્રદર્શનપ્રેમીઓનાં ટોળેટોળાં ઊભરાઈ રહ્યાં છે. આ ટોળાં જોઈને મોહિત ન થતા. અહીં સત્ય અને ધર્મ રહી શકે જ નહીં, પછી વિજય ક્યાંથી હોય? આ જ શકુંતલા ભવિષ્યના ‘મહાભારત’ની માતા થવાની છે એવી ખબર ઋષિને નહીં હોય, પણ તેમણે કોઈ પણ જાતના સ્વાર્થ વિના તેને સ્વીકારી લીધી એટલે તો આજે, આટલી સદીઓ પછી પણ આપણે તેમને યાદ કરીએ છીએ.
કણ્વ ઋષિના આશ્રમમાં શરણ પ્રાપ્ત કરીને શકુંતલા ધન્ય થઈ ગઈ. સ્ત્રીને શરણ જોઈએ. શરણ વિનાની સ્ત્રી સુખી નથી હોતી. ગાય ધણમાં રક્ષિત રહે એમ સ્ત્રી પણ પરિવારમાં રક્ષિત રહે. પરિવારની વાડ વિનાની સ્ત્રીની દશા પેલી બકરી જેવી થતી હોય છે, જે એકલી-અટૂલી પડી ગઈ છે અને જેની પાછળ અનેક વરુઓ પડી ગયાં છે. હવે તે કેટલા દિવસ બચવાની? પણ જો તે બચી જાય તો સમાજનું નામ રોશન થઈ જાય અને મહાભારતકાળમાં એવું જ થયું. શકુંતલા બચી ગઈ, પણ એના બચવા પાછળ ઋષિકાળ મહત્ત્વનો રહ્યો છે એ પણ તમને કહી દઉં. ઠીક છે, એ જે હોય તે. આપણે અત્યારે વાત આગળ વધારીએ.
જોતજોતામાં શકુંતલા મોટી થઈ ગઈ. ઋષિને ભાન પણ ન રહ્યું. હજી તો તેને કીકલી જ સમજતા હતા. વશમાં ન રહે તેને જોબન કહેવાય. જોબન વશમાંથી ગમે ત્યાં છટકી જાય એ પહેલાં એને યોગ્ય ખીલે બાંધી દેવામાં આવે તો જોબન જીવન બની જાય. જે લોકો સમય રહેતાં જોબનને ખીલે નથી બાંધી શકતા તેઓ મહાઅનર્થોને આમંત્રણ આપતા રહે છે.
એક વાર શિકાર કરવા નીકળેલો દુષ્યંત રાજા કણ્વ ઋષિના આશ્રમમાં પાણી પીવા માટે આવી ચડ્યો. શકુંતલા અને દુષ્યંત ભાન ભૂલ્યાં અને એકરૂપ થઈ ગયાં. ઋષિ તો હાજર જ નહોતા. સ્ત્રીઓની જુવાની સાચવવાની વસ્તુ છે - પછી તે બહેન હોય, દીકરી હોય, પત્ની હોય કે ગમે તે હોય. આ વખતે તે મુગ્ધા હોય છે, ભાન નથી હોતું. તે પોતે પોતાના વશમાં નથી હોતી. તેની પરવશતાનો લાભ કે ગેરલાભ ક્યારે કોણ લઈ જાય એ કહેવાય નહીં. આમાં સારા માણસો પણ અપવાદ નથી હોતા.