આપણે વાત કરતા હતા શકુંતલાની
ચપટી ધર્મ
મિડ-ડે લોગો
એક વાત યાદ રાખજો કે માણસો સારા હોય, પણ વાસના ક્યારેય સારી નથી હોતી. વાસના તો આંધળી હોય અને એ આંધી જેવી પણ હોય. ક્યારે, કોને, ક્યાં ઉડાડી મૂકે એ કહેવાય નહીં એટલે પરિવારના પ્રૌઢ જનોએ પોતાના પરિવાર અને સગાંવહાલાંઓની જુવાન સ્ત્રીપાત્રોની હંમેશાં રક્ષા કરવી ઘટે. ખાડામાં પડવાની છૂટને સ્વતંત્રતા ન કહેવાય અને ખાડામાં પડતાં અટકાવનારાં બંધનોને ગુલામી ન કહેવાય. પશુ માટે ખીલો મંગળકારી છે. ખીલે બંધાયેલું પશુ ખાણ અને રક્ષા પ્રાપ્ત કરે છે, એમ જ જુવાની પણ જો સમય રહેતાં ખીલે બંધાઈ જાય તો રક્ષા અને સુખ મેળવે છે. ખીલે ન બંધાવું એ સ્વતંત્રતા નથી, પણ હરાયાપણું છે. ઘરના-પરિવારના વડીલો પોતાના આશ્રિતોનો ખીલો છે. તેમની આજ્ઞામાં રહેવું એ ગુલામી નથી, પણ સુરક્ષાકવચ છે.
આપણે વાત કરતા હતા શકુંતલાની. મુગ્ધ શકુંતલાની આનાકાની હોવા છતાં કામાતુર દુષ્યંતે તેને સમજાવીને તત્કાળ ગાંધર્વલગ્ન કરી લીધાં. એટલું જ નહીં, તેની સાથે કામસુખ પણ ભોગવી લીધું. શકુંતલાએ શરત મૂકી કે જે મારો પુત્ર થાય તેને જ તમારે યુવરાજપદ આપવું. રાજાએ બધી શરતોનો સ્વીકાર પણ કરી લીધો. કામાતુર વ્યક્તિનાં વાણી અને વચન વિશ્વાસપાત્ર નથી હોતાં, કારણ કે તે શું બોલે છે એનું તેને ભાન જ નથી હોતું. કામાવેગ વ્યક્તિને ભાનહીન બનાવે છે.
ADVERTISEMENT
શકુંતલાને લેવા માટે રાજસન્માનવાળા માણસો, રથ-પાલખી વગેરે મોકલીશ, એવું વચન આપી રાજા વિદાય થયો. થોડી જ વારમાં કણ્વઋષિ આશ્રમમાં આવી ગયા. હવે શકુંતલા બદલાઈ ગઈ હતી. હવે તે કુમારિકા રહી નહોતી. તેણે પોતાનું કૌમાર્ય રાજાને અર્પણ કરી દીધું હતું. ભારતમાં કુમારિકા પૂજાય છે, કુમારિકાનાં શુકન લેવાય છે. અધાર્મિક રીતે ખંડિત કૌમાર્યને અત્યંત હીન મનાય છે. આવી હીનતાનો શિકાર શકુંતલા આજે થઈ હતી. તેનો અપરાધભાવ તેને કોરી ખાતો હતો. દુષ્યંતના કામાવેગમાં તે પણ દોડી હતી અને ન થવાનું થઈ ગયું હતું, એથી તેને અપરાધભાવ થઈ રહ્યો હતો. તે કણ્વની સામે આંખ ઊંચી કરી શકતી નહોતી, કશું બોલી પણ શકતી નહોતી. રોજની માફક ‘પિતાજી’ કહીને નજીક પણ જઈ શકતી નહોતી. તે દિગ્મૂઢ બની જમીન તાકીને ચૂપચાપ ઊભી રહી ગઈ. જ્યાં સુધી વ્યક્તિમાં કુમાર્ગનો અપરાધભાવ રહે ત્યાં સુધી જ તે કુમાર્ગથી નિવૃત્ત થવાની ક્ષમતા રાખી શકે છે. કુમાર્ગનું પણ બિન્દાસ થઈને સેવન કરનાર જો એનું પણ ગૌરવ લેતો થઈ જાય તો તે સુધરી ન શકે, તે કુમાર્ગથી બચી ન શકે, ન કોઈ તેને બચાવી શકે.
વડીલો અને સંતાનો વચ્ચે પણ એ આત્મીયતાનો નિખાલસ સંબંધ હોય તો ઘણા અનર્થોથી બચી શકાતું હોય છે. અહીં પણ એવું જ થયું, જેની ચર્ચા આપણે કાલે કરીશું.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝ પેપરનાં નહીં.)