‘દુખી જીવો પર અત્યંત દયા’ની નીતિ જ સંસારને અકબંધ રાખશે અને જો સંસારમાં માણસ તરીકે ઓળખાવું હોય, માણસાઈના ગુણોને અકબંધ રાખવા હોય અને સામાજિક પ્રાણી તરીકેનો દરજ્જો જોઈતો હોય તો એનો એક જ નિયમ છે, ‘દુખી જીવો પર અત્યંત દયા.’
ધર્મ લાભ
મિડ-ડે લોગો
‘હૃદય જો સંવેદનશીલ બનેલું રહેશે તો જ સાચા અર્થમાં ધર્મમાં પ્રવેશ થઈ શકે. અન્યના સુખે સુખી થવાની ઉત્તમતા ન હોય તોય અન્યના દુઃખે પથ્થર બન્યા રહેવાની અધમતા તો આપણામાં ન જ હોવી જોઈએ. ‘દુખી જીવો પર અત્યંત દયા’ની નીતિ જ સંસારને અકબંધ રાખશે અને જો સંસારમાં માણસ તરીકે ઓળખાવું હોય, માણસાઈના ગુણોને અકબંધ રાખવા હોય અને સામાજિક પ્રાણી તરીકેનો દરજ્જો જોઈતો હોય તો એનો એક જ નિયમ છે, ‘દુખી જીવો પર અત્યંત દયા.’
આ વિષય પર પ્રવચનમાં સારોએવો વિસ્તાર કર્યો. પ્રવચનસભામાં સારી રીતે પ્રશ્નોત્તરી પણ થઈ. શ્રોતાજનોને સંતોષકારક સમાધાનો પણ મળ્યાં. વાત અને વિષય એ દિવસ પૂરા થઈ ગયા એવું ધારતો હતો, પણ એવું નહોતું. આ વિષયના પ્રવચનના કેટલાક દિવસો બાદ એક યુવક મળવા આવ્યો.
‘મહારાજસાહેબ, એક નિયમ જોઈએ છે.’
‘શેનો?’
‘હું જે સોસાયટીમાં રહું છું એ સોસાયટીમાં ૩૦૦થી વધારે પરિવાર છે.
એ પરિવારના કોઈ પણ ઘરમાં, કોઈ પણ વ્યક્તિનું મરણ થશે તો એ દિવસે અને એના પછીના દિવસે મારા ઘરમાં કોઈ જાતની મીઠાઈ બનશે નહીં. મારાં સંતાનોનો જન્મદિવસ હશે તો પણ એ દિવસે મિષ્ટાન્ન નહીં બને. હું તેમને દુઃખનું કારણ સમજાવીશ અને તેમને પણ ત્રાહિતના દુખે દુખી થવા માટે પ્રેરણા આપીશ.’ યુવકે વધારે સ્પષ્ટતા કરતાં કહ્યું, ‘કદાચ એ દિવસે જમવા માટે બહાર કોઈના પ્રસંગમાં જવાનું બન્યું હશે, મિત્રો સાથે હોટેલમાં જવાનો હોઈશ તો પણ એ દિવસે હું મીઠાઈનો ત્યાગ કરીશ.’
ગર્વ થાય એવો આ નિયમ કેટલા વખત માટે લેવો છે એ પૂછ્યું એટલે યુવકે જરા પણ ખચકાટ કર્યા વિના જવાબ આપ્યો,
‘આજીવન... અંતિમ શ્વાસ સુધી.’
યુવકની આ સંવેદનશીલતા જોઈને હૈયામાં એક જાતનો સંતોષ ઊભો થયો કે ચાલો આજના કાળમાં પણ પ્રભુનાં વચનો એટલાં જ અસરકારક છે જે માણસોને મશીનયુગમાંથી પુનઃ સંવેદનાના યુગમાં લઈ આવી રહ્યા છે. પ્રભુનાં વચનોમાં તાકાત છે, પણ એ તાકાત એ માણસના હૃદય સુધી નથી પહોંચતી, જેણે પોતાના હૃદયને અનેક પ્રકારના કાટમાળ વચ્ચે દબાવી દીધું છે. જાડી ચામડીનો માણસ હોય એવું જ સંસારમાં છે. માણસ હવે જાડા હૃદયનો થઈ ગયો છે. પોતાની જરાસરખી પીડા પર ચોધાર આંસુએ રડનારો માણસ એવો તો સ્વાર્થી બની ગયો છે કે સામેવાળી વ્યક્તિ પર દુઃખનો પહાડ તૂટ્યો હોય, પણ એ તો નીંભર બનીને પોતાનું સુખ માણ્યા કરે.