તમારું તપ તમારા માટે જ હોય છે. તમારા સમાજને તમારું તપ તપાવે તો એ તપ ન કહેવાય.
માનસ ધર્મ
પ્રતીકાત્મક તસવીર
જે અગ્નિની ઉપાસના કરે છે, જેને અગ્નિની વધારે નજીક રહેવાની અને બેસવાની ટેવ હોય છે તેને ખબર હોય છે કે અગ્નિના ઘણા રંગ હોય છે. અગ્નિની ઉપાસના આપણી બહુ જૂની ઉપાસના છે.
મારે કંઈ નથી કરવું એ ટોન જ્યારે આપણે કૃતકૃત્ય થઈ જઈએ ત્યારે જ બને છે અને કૃતકૃત્ય થવા માટે ઘણી લાંબી અધ્યાત્મયાત્રા કરવી પડે છે. એ આપણા સૌની ત્રેવડની વાત નથી, સૌથી થઈ શકે એવી બાબત નથી અને એટલે જ એના માટે સતત પુરુષાર્થ કરતા રહેવું પડે.
તમને મારો પોતાનો એક અનુભવ કહું.
એક બહુ સારા વક્તાને હું સાંભળી રહ્યો હતો. સ્વાભાવિકપણે જ હું માળા કર્યા વગર રહી શકતો નથી. શ્વાસ અને માળા મારા આ બન્ને સતત ચાલુ જ હોય. મારી માળા મોટી છે. હું આગળની હરોળમાં જ બેઠો હતો અને કથા સાંભળતાં-સાંભળતાં માળા કરી રહ્યો હતો. એ સમયે મારી માળાનો અવાજ વક્તાને હેરાન કરી રહ્યો હતો. તેમની કથા જામતી નહોતી. તેઓ કોઈ સામાન્ય વક્તા નહોતા, મૂર્ધન્ય વક્તા હતા. બધું પૂરું થયું એ પછી હું તેમને અંગત રીતે મળવા ગયો ત્યારે તેમણે મને વિનમ્રતા સાથે કહ્યું...
‘બાપુ, આપને ખોટું ન લાગે તો એક વિનંતી કરું કે તમે કથા સાંભળો ત્યારે માળા ન કરશો. આપની માળાથી મારો પ્રવાહ ક્યાંક તૂટી જાય છે અને ક્યાંક હું ભૂલી જાઉં છું, કારણ કે મારું ચિત્ત માળાના અવાજમાં જ રહે છે.’
હું તેમની પરિસ્થિતિ સમજી શકતો હતો એટલે મેં પણ તેમને સહજ રીતે જ કહ્યું, ‘બાપજી! હું છેલ્લે બેસી જાઉં છું જેથી તમને તકલીફ ન થાય. હું ત્યાં સહજપણે માળા પણ કરી શકું અને તમને પડતી તકલીફનું નિરાકરણ પણ લાવી શકું.’
એ વાત તેમને ગમી નહીં.
‘તમે છેલ્લે બેસો એ મને ન ગમે...’
એટલે પછી મેં નિર્ણય લીધો કે મારી માળાથી જો કોઈને ખલેલ પહોંચતી હોય તો મારે મારા જપ મનમાં કરવા જોઈએ.
કહેવાનો ભાવાર્થ એ કે તમારું તપ તમારા માટે જ હોય છે. તમારા સમાજને તમારું તપ તપાવે તો એ તપ ન કહેવાય. ઈશ્વરની પ્રાપ્તિ માટે કોઈ સાધુ થઈ જાય અને પછી આખા ગામને હેરાન કરે એ તો તપ ન કહેવાય. તપ એ તો શાંતિની સાધના છે અને આ સાધનાને સાચી રીતે આપણે સૌએ ઓળખવાની છે. આવતી કાલે આપણે આ જ પ્રશ્નનો જવાબ શોધીશું કે તપ એટલે શું?