ફિલ્મ થોડી ધીમી છે, પરંતુ સ્ટોરીને ખૂબ જ સારી રીતે રજૂ કરવામાં આવી છે : વિદ્યા અને શેફાલીએ ખૂબ જ સારું કામ કર્યું છે અને બૅકગ્રાઉન્ડ મ્યુઝિક પણ સારું છે
કિસ્મત કા ખેલ
વિદ્યા બાલન અને શેફાલી શાહની ‘જલસા’ ગઈ કાલે વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ કરવામાં આવી હતી. આ ફિલ્મને સુરેશ ત્રિવેણીએ ડિરેક્ટ કરી છે. ‘તુમ્હારી સુલુ’ બાદ આ ફિલ્મમાં તેમણે ફરી સાથે કામ કર્યું છે. જોકે ‘જલસા’ એકદમ અલગ ફિલ્મ છે. આ એક ખૂબ જ ડાર્ક ફિલ્મ છે જે લાઇફને લગતી ઘણી બાબતો પર સવાલો કરે છે.
સ્ટોરી ટાઇમ
ફિલ્મની સ્ટોરી ફેમસ વેબ પોર્ટલની ન્યુઝ ઍન્કર અને જર્નલિસ્ટ માયા મેનનથી શરૂ થાય છે. તે હંમેશાં સત્યને સાથ આપતી હોય છે અને પોતે એકદમ ક્લીન રહેવામાં માનતી હોય છે. જોકે તે એક રાતે જ્યારે પોતાના ઘરે જતી હોય છે ત્યારે તેની કારની સામે એક વ્યક્તિ આવી જાય છે અને તે અચાનક આવી જતાં માયા એને કાર દ્વારા ઉડાડી દે છે. આ વ્યક્તિ કોઈ નહીં, પરંતુ માયાના ઘરમાં કામ કરતી રુખસાના એટલે કે શેફાલી શાહની દીકરી હોય છે. માયા ડરી ગઈ હોવાથી તે તેને રસ્તા પર છોડીને ઘરે જતી રહે છે. જોકે તે છોકરીનું શું થાય છે અને તેના ઘરવાળાને જ્યારે ખબર પડે છે કે તેનો ઍક્સિડન્ટ કોણે કર્યો છે ત્યારે શું થાય છે એ જોવા માટે ફિલ્મ જોવી રહી.
સ્ક્રિપ્ટ અને ડિરેક્શન
સુરેશે આ ફિલ્મ તેની ‘તુમ્હારી સુલુ’ના પાર્ટનર પ્રજ્વલ ચંદ્રશેખર સાથે મળીને લખી છે. આ ફિલ્મની સ્ટોરી તેમણે એટલી સારી રીતે લખી છે કે દરેક પાત્રને તેમણે ન્યાય આપ્યો છે. સ્ક્રીન પર જે પણ પાત્ર જોવા મળે તો એને કેમ દેખાડવામાં આવ્યું એનો જવાબ ફિલ્મના અંત સુધીમાં મળી જાય છે. તેમણે આ સ્ક્રિપ્ટ દ્વારા જૉબ કરનારી મહિલાઓ પર જે પ્રેશર હોય છે, સિંગલ મધર્સની સમસ્યાઓ, પોતાની પ્રતિષ્ઠાને જાળવી રાખવાનું પ્રેશર, અનુશાસનમાં રહેવું તેમ જ પૈસાદાર અને ગરીબ વચ્ચેનો ભેદ અને એમ છતાં બન્ને વર્ગના માનસિક હાલ કેવા હોય છે એના પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. રાઇટર્સ દ્વારા એક-બે દૃશ્યમાં મુંબઈમાં રહેવા આવનાર નવી વ્યક્તિ કેવી પરિસ્થિતિમાંથી પસાર થાય છે એના પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે. ટૂંકમાં આ ફિલ્મમાં લાઇફને લગતી તમામ બાબતો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે અને અંતે એક મેસેજ છે કે લાઇફને કિસ્મત પર છોડી દેવી અને આપણી પાસે જેટલી લાઇફ છે એને સેલિબ્રેટ કરવી. સુરેશ અને પ્રજ્વલ દ્વારા ફિલ્મના ક્લાઇમૅક્સને ખૂબ જ સારી રીતે દેખાડવામાં આવ્યો છે. સુરેશે એકદમ અલગ જ સ્ટાઇલમાં આ ફિલ્મને રજૂ કરી છે. અમુક ફિલ્મ એવી હોય છે જેમાં ટ્રેલરમાં જે દેખાડવામાં આવ્યું હોય એ જ જોવા મળે છે. ઉદાહરણ તરીકે ‘બચ્ચન પાન્ડે’. જોકે અમુક ફિલ્મ એવી હોય છે જેનું ટ્રેલર જોયા બાદ ફિલ્મ જોતાં એક સરપ્રાઇઝ મળે છે. સુરેશ તેની આ ફિલ્મને ધારે તો નાની કરી શક્યો હોત. તેમ જ તેણે ફિલ્મની દરેક ડીટેલ દેખાડવાની કોશિશ કરી છે. તેમ જ શું સાચું અને શું ખોટું એ તેણે દર્શકો પર છોડી દીધું છે. હુસેન અને અબ્બાસ દલાલના ડાયલૉગ ખૂબ જ સારા છે. તેમના ડાયલૉગને લીધે સુરેશને સ્ટોરી કહેવામાં ખૂબ જ મદદ મળી છે.
પર્ફોર્મન્સ
વિદ્યા બાલને ખૂબ જ ઉમદા કામ કર્યું છે. તેની ઍક્ટિંગથી દરેક વાકેફ છે, પરંતુ તે તેના દરેક પાત્રને એક અલગ સ્ટાઇલ આપે છે. તેની આ સ્ટાઇલને કારણે દર્શકો ફિલ્મ જોઈ રહ્યા છે એ ભૂલી જાય છે અને પોતે એ ફિલ્મને જીવવા લાગે છે. તે જ્યારે ગુસ્સામાં હોય ત્યારે તેને પોતાને પણ જાણ નથી થતી કે તે શું કરી રહી છે અને તેના દીકરાને તરત જ એ ધ્યાનમાં આવે છે. આ દૃશ્યને ખૂબ જ સારી રીતે શૂટ કરવામાં આવ્યું છે. વિદ્યાએ તેના પાત્રની દરેક બાજુને ખૂબ જ સારી રીતે એક્સપ્લોર કરી છે. ‘હ્યુમન’માં એકદમ પૈસાદાર ન્યુરોસર્જ્યનનું પાત્ર ભજવ્યા બાદ શેફાલી શાહ અહીં એક ગરીબ વ્યક્તિનું પાત્ર ભજવી રહી છે. તેણે એક એવું પાત્ર ભજવ્યું છે જે માનવામાં પણ ન આવે. ભણેલા-ગણેલા ઘરમાં રહેતી હોવાથી તેને પણ થોડુંઘણું ઇંગ્લિશ આવતું હોય છે અને તે એ બોલવાનો કોઈ ડોળ નથી કરતી. તેમ જ તે તેનાં બાળકો માટે સારા ભવિષ્યની ઝંખના રાખતી હોય છે એ પણ દેખાઈ આવે છે. વિદ્યાએ તેના ડાયલૉગ દ્વારા દર્શકોને પોતાનો ગુસ્સો દેખાડ્યો છે તો શેફાલીએ ચૂપ રહી તેનું દુઃખ વ્યક્ત કર્યું છે. તેની ચુપકી અને ચહેરા પરથી એક માતાની વેદના દેખાઈ આવે છે. વિદ્યાની મમ્મીના રોલમાં રોહિણી હટંગડીએ કામ કર્યું છે. તેમણે ખૂબ જ સારું સપોર્ટિંગ કામ કર્યું છે. એક યુવાન ટ્રેઇની જર્નલિસ્ટના પાત્રમાં કાની કુસ્રુતીએ કામ કર્યું છે. તેના પાત્રને વધુ એક્સપ્લોર કરવાની જરૂર હતી પરંતુ મેકર્સે એને લિમિટેડ રાખવાનું નક્કી કર્યું, જે એક માઇન્સ પૉઇન્ટ કહી શકાય.
મ્યુઝિક
ફિલ્મમાં કોઈ ગીત નથી, પરંતુ બૅકગ્રાઉન્ડ મ્યુઝિક એટલું જ ધારદાર અને અસરદાર છે. આ મ્યુઝિક દરેક દૃશ્યને એના ટોન મુજબ જીવંત બનાવે છે. ક્લાઇમૅક્સમાં જે બૅકગ્રાઉન્ડ મ્યુઝિક છે એ ખૂબ જ જોરદાર છે અને એ ખરેખર એ દૃશ્યને વધુ જીવંત બનાવે છે.
આખરી સલામ
ફિલ્મ થોડી લાંબી અને ધીમી ગતિએ ચાલે છે. આથી થોડી ધીરજ રાખીને જોવી હોય તો એ ‘બચ્ચન પાન્ડે’ના પૈસા વસૂલ કરી આપશે. નહીંતર ‘અપહરણ 2’ પણ સ્ટ્રીમ થઈ જ રહી છે.